અનોખા લગ્ન..70 વર્ષનો વરરાજો-65 વર્ષની કન્યા,ઢોલના તાલે ઉજવણીમાં આખું ગામ નાચ્યુ

રાજસ્થાનના બાંસવાડાના મેનાપાદર ગામમાં તાજેતરમાં થયેલા લગ્ન સમાચારમાં છે. આ લગ્ન એક વૃદ્ધ યુગલના છે. જેમાં વરની ઉંમર 70 વર્ષ અને કન્યાની ઉંમર 65 વર્ષની હતી. આખા ગામમાં આ લગ્નની ઉજવણી કરવામાં આવી હતી. આ જાનમાં વૃદ્ધ દંપતીના પુત્રો અને પૌત્રોએ પણ ભાગ લીધો હતો.
રાજસ્થાનના આદિવાસી બહુલ બાંસવાડા જિલ્લામાં એક અનોખો લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આદિવાસી યુગલે લગ્નના 55 વર્ષ બાદ ફરી લગ્ન કર્યા. આ લગ્નમાં જ્યાં વરની ઉંમર 70 વર્ષની હતી, ત્યાં કન્યાની ઉંમર 65 વર્ષની હતી. આ લગ્ન આ દંપતીના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર અને પૌત્રીએ કરાવ્યા છે. અગાઉ જ્યારે આ યુગલે લગ્ન કર્યા હતા, ત્યારે તે આદિવાસી રીત-રિવાજ મુજબ થઈ શક્યા ન હતા. તેથી, ઉંમરના આ તબક્કે, સંબંધીઓએ તેમની ઇચ્છા અનુસાર, તેમના રિવાજો સાથે ફરીથી લગ્ન કરાવ્યા હતા.
આખા ગામમાં આ લગ્નની ઉજવણી કરવામાં આવી હતી. પરિવારના સભ્યો અને ગ્રામજનોએ 70 વર્ષના વરરાજાને ખભા પર બેસીને ડાન્સ કરાવ્યો હતો. આખું ગામ ઢોલ નગારા, બેન્ડ વાજા અને જાનૈયાઓથી ઉત્સાહથી તરબોળ થઇ ગયું હતું. આ લગ્ન બાંસવાડા જિલ્લાના મેનાપાદર ગામમાં ગઈ 5 અને 6 જૂનના રોજ થયા હતા. આ વયોવૃદ્ધ યુગલના લગ્નમાં આખા ગામના લોકોએ મન મૂકીને આનંદ માણ્યો હતો.
હકીકતમાં ગલિયા (70) 55 વર્ષ પહેલા નાતરાં પરંપરા દ્વારા કાલીને લઈને આવ્યા હતા. પરંતુ તે સમયે કેટલીક મજબૂરીઓને કારણે તેઓ પોતાની રીતિ રિવાજ અનુસાર લગ્ન કરી શક્યા ન હતા. ત્યાર પછી બંનેને ત્રણ સંતાનો થયા. તેમાં બે પુત્ર અને એક પુત્રી છે. ત્રણેય બાળકોના લગ્ન પણ રીતિ રિવાજ મુજબ કરાવ્યા હતા. તેમને પણ બાળકો થઇ ગયા. આ સાથે ગલિયા અને કાલી દાદા-દાદી અને નાના-નાની બની ગયા. પરંતુ ગાલિયા અને કાલીને આદિવાસી રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરવાની ખૂબ ઈચ્છા હતી.
તેમની ઈચ્છા જોઈને ગાલિયા અને કાલીના પુત્ર-પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓએ તેમની રીતિ રિવાજ મુજબ તેમના લગ્ન કરાવવાનું નક્કી કર્યું. રીતિ રિવાજ અનુસાર લગ્નની વાત સાંભળીને બંને ખૂબ ખુશ થયા. પછી શું હતું, ઢોલ, નગારા અને શહેનાઈ વગાડતાં વગાડતાં પરિવારજનોએ આદિવાસી રીતિ-રિવાજ મુજબ 5 અને 6 જૂને તેમના લગ્ન કરાવ્યા હતા. જેમાં આદિવાસી સમાજની તમામ સામાજિક વિધિઓ કરવામાં આવી હતી.
વરરાજા ગલીયા અને દુલ્હન કાલી માટે પીઠી ચોળવાની વિધિ પણ કરવામાં આવી હતી. મંગળ ગીતો ગાવામાં આવ્યા હતા. આ અનોખા લગ્નથી ગ્રામજનો એટલા ખુશ હતા કે, આખા ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. મેનાદર ગામમાં પહેલીવાર આટલી ઉંમરે કોઈના લગ્ન થયા હતા. પુત્રો અને પૌત્રો વરરાજા બનેલા ગલિયાને ખભા પર બેસાડીને ઉત્સાહપૂર્વક નાચતા હતા. આ લગ્નમાં બાળકો, મોટાઓ અને વડીલો પણ જાનૈયાઓ તરીકે પહોંચ્યા હતા. વૃદ્ધ વરરાજા-કન્યાને રીતિ રિવાજ સાથે સાત ફેરા ફેરવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp