અમેરિકાથી નોઈડા પોલીસને એક મહિલાએ કર્યો કોલ અને થયો એક ચોંકાવનારો ખુલાસો

PC: parichowk.com

અમેરિકાના કેલિફોર્નિયાથી એક મહિલાએ નોઈડા પોલીસને ફોન કર્યો. આ પછી તેણે જે કહ્યું તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ. આ પછી પોલીસ ત્યાં પહોંચી જ્યાં મહિલાએ માહિતી આપી હતી. અહીં આવીને તપાસ કરતા થયેલા ખુલાસાથી બધાને આશ્ચર્ય થયું.

અમૃતસરના રહેવાસી સંજય શર્મા હાલમાં ગ્રેટર નોઈડાના પરી ચોકમાં ભાડેથી રહે છે. એક દિવસ તે ગાર્ડન ગેલેરિયા ક્લબમાં હિમાંશુ અને તેની પત્ની મોની ઉર્ફે મોનાને મળે છે. અહીં, ઘણી બધી બાબતો વચ્ચે, સંજય હિમાંશુને તેની હૃદયની બીમારી વિશે જણાવે છે.

આના પર હિમાંશુ અને તેની પત્ની મોની તેને ખાતરી આપે છે કે, મુરાદાબાદના રહેવાસી તેના ગુરુ મોહમ્મદ ફૈઝાન પાસે તંત્ર મંત્રની શક્તિઓ છે. તે તેની બીમારીને મટાડી દેશે. સંજયે તેની વાત પર વિશ્વાસ કર્યો અને તેના ઘરનું સરનામું આપી દીધું હતું. પરંતુ, તેને ખબર ન હતી કે થોડા દિવસોમાં એક એવી ટોળકી તેના દરવાજો ખટખટાવશે, કે જેના કારણે તેનું જીવન બરબાદ થઇ જશે.

સરનામું લીધાના થોડા દિવસો બાદ હિમાંશુ, તેની પત્ની મોની, ગુરુ મોહમ્મદ ફૈઝાન, તેની પત્ની જોહા, વિશાલ અને જોશી સંજયના ઘરે પહોંચ્યા હતા. સંજયે સૌની આગતા સ્વાગતા પણ કરી. પરંતુ સંજયને ફૈઝાન અને તેની ટોળકી દ્વારા ઘડવામાં આવેલા કાવતરાની જાણ સુદ્ધાં નહોતી થઇ. ફૈઝાને તંત્ર મંત્રનો ઢાંગ કરીને સંજયને પોતાની દેખરેખ હેઠળ એક રૂમમાં રાખ્યો હતો.

અહીં, તેની પાસેથી એપ્રિલ 2022 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં, રોગની સારવારના નામ પર ધીમે ધીમે લગભગ 2.75 કરોડ રૂપિયા તેમના ખાતામાં જમા કરાવી લીધા હતા. થોડા દિવસો પહેલા સંજયને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો, તેથી તેણે કેલિફોર્નિયા (અમેરિકા)માં રહેતી તેની પત્નીને કોઈક રીતે જાણ કરી હતી. આના પર તેની પત્નીએ અમેરિકાથી નોઈડા પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

આ અંગે કાર્યવાહી કરતા પોલીસ સ્ટેશન બીટા-2એ NRI સિટીમાંથી આરોપી મોહમ્મદ ફૈઝાન, વિશાલ, હિમાંશુ ભાટી, મોની ઉર્ફે મોનાની ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી 1 લેપટોપ, 2 ચેકબુક, 2.5 લાખ રૂપિયાના 2 સહી કરેલ ચેક, મોબાઈલ ફોન અને થોડી રોકડ કબ્જે લીધી હતી. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp