વિપક્ષનો સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે? પટનામાં બેઠક પહેલા AAPની કોંગ્રેસને આ ધમકી
નીતિશ કુમારે આવતી કાલે એટલે કે શુક્રવારે 23 જૂને પટનામાં વિરોધ પક્ષની બેઠક બોલાવી છે. બેઠકના એક દિવસ પહેલા વિપક્ષી એકતામાં ભાગલા પડતા જોવા મળી રહ્યા છે.આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું છે. AAPનું કહેવું છે કે જો કોંગ્રેસ દિલ્હી વટહુકમનું સમર્થન નહીં કરે તો ,પાર્ટી વિપક્ષની બેઠકનો બોયકોટ કરશે.
કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અધિકારોને લઈને લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિરુદ્ધ કેજરીવાલ સરકારના કેસમાં દિલ્હી સરકારની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. જેમાં ચૂંટાયેલી સરકારને અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ પછી, કેન્દ્ર સરકાર National Capital Civil Service Authority ઓથોરિટી બનાવવા માટે વટહુકમ લાવી છે.
આ વટહુકમ જાહેર થયા બાદથી કેજરીવાલ દેશભરના વિપક્ષી નેતાઓને મળીને તેમનું સમર્થન માંગી રહ્યા છે. આ વટહુકમને કાયદો બનાવવા માટે તેને છ મહિનામાં સંસદમાંથી પસાર કરાવવો જરૂરી છે. કેન્દ્ર સરકારની બહુમતી હોવાને કારણે તેને લોકસભામાં સરળતાથી પસાર કરી દેવામાં આવશે. પરંતુ કેજરીવાલને આશા છે કે જો રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ સાથે આવે તો ભાજપને નંબર ગેમમાં હરાવી શકાય છે.
આ પહેલા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે બુધવારે બેઠકના મુખ્ય એજન્ડામાં દિલ્હી સરકાર વિરુદ્ધ કેન્દ્રના વટહુકમને સામેલ કરવાની માંગ કરી હતી. કેજરીવાલે વિપક્ષી પાર્ટીઓને પત્ર લખીને કેન્દ્રના વટહુકમ પર ચર્ચા કરવાની માંગ કરી છે.
બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે અરવિંદ કેજરીવાલનો વટહુકમ મુદ્દો મહત્વનો મુદ્દો નથી. આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે, પરંતુ ખરો મુદ્દો એ છે કે 2024માં ભાજપને કેવી રીતે હરાવી શકાય? તેની ચર્ચા કરવાની જરૂર છે.
આ પહેલાં કેજરીવાલે જુદા જુદા રાજ્યોમાં જઈને પ્રાદેશિક પક્ષોના નેતાઓને મળ્યા હતા અને વટહુકમ પર તેમનું સમર્થન માંગ્યું હતું. આ પછી કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને પણ મળવા માટે સમય માંગ્યો હતો. જો કે હજુ સુધી ખડગે અને રાહુલ ગાંધી દ્વારા કેજરીવાલને સમય આપવામાં આવ્યો નથી. વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કેજરીવાલને સમર્થન આપવાના પક્ષમાં નથી.
નીતિશ કુમારે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પટનામાં વિપક્ષની બેઠક બોલાવી છે. બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ બેઠકમાં ભાગ લેવા માટે નેતાઓ 22 જૂન એટલે કે આજથી જ પટના પહોંચવાનું શરૂ કરશે. મળતી માહિતી મુજબ PDP સુપ્રીમો અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM મહેબૂબા મુફ્તી પટના પહોંચી ગયા છે. જ્યારે બંગાળનાCM મમતા બેનર્જી સાંજે પહોંચશે. , મમતાની સાથે TMC સાંસદ અભિષેક બેનર્જિ પણ હશે. પટના પહોંચ્યા બાદ મમતા સીધા RJD સુપ્રીમો લાલુ પ્રસાદને તેમના નિવાસસ્થાન 10, સર્ક્યુલર રોડ પર મળવા જશે. AAPના કન્વીનર અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આજે જ પટના પહોંચી રહ્યા છે.
બિહારમાં મળનારી વિપક્ષની બેઠકમાં નીતિશ કુમાર, તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, મમતા બેનર્જી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, હેમંત સોરેન, એમ કે સ્ટાલિન, ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મૂફ્તી, ડી રાજા, દિપાંકર ભટ્ટાચાર્ય, સીતારામ યેચૂરી ઉપસ્થિત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp