26th January selfie contest

અતીકના હત્યારા અરૂણે ટ્રેનમાં પોલીસની હત્યા કરેલી, તેની ક્રાઇમ કુંડળી છે ડરામણી

PC: twitter.com

ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહમદ અને તેના ભાઇ અશરફની 16 એપ્રિલ, શનિવારે જાહેરમાં હત્યા થઇ પછી 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ 3 આરોપીઓના નામ છે અરૂણ મોર્ય ઉર્ફે કાલિયા, લવલેશ તિવારી અને સની સિંહ. અતીક હત્યાકાંડમાં સામેલ અરૂણ મોર્ય કાસગંજનો રહેવાસી છે. તેની ક્રાઇમ કુંડળી એદકમ ડરામણી છે. તેણે ટ્રેનમાં પોલીસની હત્યા કરી નાંખી હતી અને ત્યારથી ફરાર હતો.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ અરૂણ મોર્ય ઉર્ફે કાલિયા કાસગંજના બઘેલા પુખ્તા ગામનો રહેવાસી છે અને તેના પિતાનું નામ હીરાલાલ હોવાનું કહેવાય છે. અરૂણ છેલ્લાં 6 વર્ષથી ઘરથી બહાર જ રહ્યો છે. અરૂણના માતા-પિતાનું 15 વર્ષ પહેલા અવસાન થઇ ચૂક્યું છે. તેની પર આરોપ છે કે GRP પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મીની હત્યા કર્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. આ કેસમાં તે એક વખત જેલમાં પણ જઇ આવ્યો હતો. જેલમાંથી છુટ્યા પછી તે કાસગંજ છોડીને ચાલ્યો ગયો હતો. અરૂણ પર આરોપ છે કે વર્ષ 2014-15માં તેણે કાસગંજ- બરેલી- ફરોખાબાદ રેલવે માર્ગ પર ઉઝયાની અને સોરોંની વચ્ચે ચાલતી ટ્રેનમાં લૂંટફાટ કરી હતી અને એ પછી તેણે પોલીસની હત્યા કરી નાંખી હતી.

અરૂણ મોર્યના બે નાના ભાઇ પણ છે. જેમના નામ ધર્મેન્દ્ર અને આકાશ છે. આ બંને ભાઇઓ ફરીદાબાદમાં રહીને ભંગાર લે-વેચનું કામ કરે છે. અરૂણ મોર્યના કાકા-કાકી ગામમાં જ રહે છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ અરૂણા કાકી લક્ષ્મી દેવીએ કહ્યું હતું કે વર્ષો પહેલાં તે એક વાર ગામ આવેલા પછી દેખાયો નહોતો. એ ગામમાં આવે તો પણ કોઇની સાથે વાત કરતો નહોતો.

અતીક-અશરફની હત્યા કરનારા આરોપીઓમાં લવલેશ તિવારીનું નામ પણ સામેલ છે. ફેસબુક પ્રોફાઈલ અનુસાર લવલેશે પ્રોફાઈલનું નામ 'મહારાજ લવલેશ તિવારી' ઉર્ફે ચૂચુ લખ્યું છે. ફેસબુકમાં દોઢ હજાર મિત્રો છે. પ્રોફાઇલ મુજબ, તે પોતાને બજરંગ દળનો જિલ્લા કમ સુરક્ષા વડા તરીકે બતાવતો હતો. જો કે, ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં લવલેશની માતાએ કહ્યું કે તેને આ વાતની જાણ નથી, તે પહેલા બજરંગ દળ સાથે જોડાયેલો હતો.

લવલેશના પિતાએ કહ્યું કે તેમને તેમના પુત્ર સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે, ઘટના વિશે ટીવી પર જોયું ત્યારે જાણકારી મળી હતી. અમને કોઇ જાણકારી નથી અને તેના વિશે પણ અમને કોઇ ખબર નથી. પિતાએ કહ્યું કે, લવલેશ અમારા ઘરમાં રહેતો નહોતો. પાંચ-છ દિવસમાં એકાદ વાર આવતો અને સ્નાન કરીને પાછો ચાલ્યો જતો. ઘરમાં તેની સાથે કોઇ વાતચીત કરતું નથી.

લવલેશના પિતાએ કહ્યું કે એક છોકરીને થપ્પડ મારવાના કેસમાં તે જેલ પણ ઝઇ આવ્યો છે. દોઢ વર્ષ પછી જામીન પર છુટ્યો હતો.

લવેલેશના નાનાભાઇ વેદ કુમાર તિવારીએ મીડિયાને કહ્યું હતું કે, લવલેશ તેનો સગો મોટો ભાઇ છે. તે બાંદામાં જ રહેતો હતો. વેદ કુમારે કહ્યું કે તે ક્યારે ઘરે આવતો ક્યારે જતો કોઇને ખબર નહોતી પડતી. અમે તેને પુછતા તો પણ તે કોઇ જવાબ આપતો નહોતો. છેલ્લે સપ્તાહ પહેલાં તે ઘરે આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp