મુંબઇમાં ‘સ્પેશિયલ-26’ સ્ટાઇલમાં લૂંટ, નકલી ED ઓફિસર બનીને ઠગ કરોડો લઇ ફરાર

PC: bollywoodhungama.com

મુંબઈમાં લૂંટારુઓએ લૂંટને અંજામ આપવા માટે ચોંકાવનારી સ્ટાઇલ અપનાવી છે. લૂંટારાઓએ નકલી ED ઓફિસર બનીને ઝવેરી બજારમાં એક બિઝનેસમેનની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. બિઝનેસમેનને દમ મારીને એક કરોડ 70 લાખનું સોનું અને 25 લાખ રૂપિયા રોકડા લઇને ફરાર થઇ ગયા હતા. એ પછી બિઝનેસમેનને આશંકા ગઇ તો તેણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

થોડા વર્ષો પહેલા અક્ષય કુમાર અને અનુપમ ખેર અભીનિત ‘સ્પેશિયલ 26’ ફિલ્મ આવી હતી. આ ફિલ્મની સ્ટોરીએ બધાને ચોંકાવી દીધા હતા કે આ રીતે પણ લૂંટ થઇ શકે છે. આ ફિલ્મ પછી દેશભરમાં આ મોડેસ ઓપરેન્ડી અપનાવીને અનેક જગ્યાઓ પર લૂંટના બનાવો બન્યા છે. ફિલ્મની સ્ટોરીમાં એવું બતાવવામાં આવ્યું હતું કે અક્ષય કુમાર અને અનુપમ ખેર અને તેમના સાથીઓ નકલી CBI ઓફિસર બનીને રેડ પાડતા અને ધમકાવીને જે મળે તે લઇને ફરાર થઇ જતા હતા. આ ફિલ્મની સ્ટાઇલમાં જ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઝવેરી બજાર વિસ્તારમાં કેટલાક બદમાશોએ લૂંટની એવી ઘટનાને અંજામ આપ્યો કે લોકોને અક્ષય કુમારની ફિલ્મ 'સ્પેશિયલ 26' યાદ આવી ગઈ.

જાણવા મળેલી માહિતી મુજબ, ઝવેરી બજારના એક વેપારીને ત્યાં 4 અજાણ્યા માણસો આવ્યા હતા ને તેમણે ED ઓફિસર તરીકેની ઓળખ આપીને વેપારી પાસેથી 1.75 કરોડ રૂપિયાનું સોનું અને 25 લાખ રૂપિયા રોકડા લઇને ફરાર થઇ ગયા હતા. લૂંટ કરનારાઓની હિંમતનો અંદાજ એ વાત પરથી આવે છે કે તેમણે વેપારીની ઓફિસમાં એક કર્મચારીની હાથકડી પણ પહેરાવી દીધી હતી. વેપારીની ફરિયાદ પર પોલીસે IPCની કલમ 394, 506 (2) અને 120 બી હેઠળ 4 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે CCTVની મદદથી આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે, 15 જાન્યુઆરીએ, દેહરાદૂન પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી ફિલ્મ 'સ્પેશિયલ 26'ની તર્જ પર લૂંટ કરનાર ટોળકીના 10,000 રૂપિયાનું ઈનામ ધરાવતી ગેંગની ધરપકડ કરી હતી. દેહરાદૂનના ASP દલીપ સિંહ કુંવરે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ પવનદીપ છે. તે રોહિણી દિલ્હીનો રહેવાસી છે. પવન દીપે તેના 6 સાથીઓ સાથે મળીને ફેબ્રુઆરી 2022માં રૂષિકેશમાં એક ફાયનાન્સરને ત્યાં રેડ પાડી હતી. તે વખતે પવન દીપના સાથીઓ પકડાયા હતા, પરંતુ પવન દીપ ફરાર થઇ ગયો હતો અને પોલીસે તેના માથે 10,000નું ઇનામ રાખ્યું હતું. આખરે પવન દીપ પકડાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp