અડવાણીએ 2012મા મનમોહન સિંહને ચૂંટણી કમિશ્નરોની નિમણૂકમાં CJIને રાખવા પત્ર લખેલો

PC: hindustantimes.com

ભાજપ સરકાર ચૂંટણી કમિશ્નરોની ચૂંટણીમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બહાર રાખવા માંગે છે, પરંતુ જ્યારે ભાજપ સત્તામાં નહોતી ત્યારે એલ. કે. અડવાણીએ તે વખતના પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું હતું કે નિમણુંકોની પેનલમાં CJI હોવા જોઇએ. 11 વર્ષ પહેલાંનો અડવાણીનો પત્ર સામે આવતા હવે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. 

ગુરુવારે, 10 ઓગસ્ટે સરકાર દ્વારા સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી કમિશ્નરોની નિમણૂકને લઈને ઉચ્ચ સત્તા સમિતિની જોગવાઈ છે, પરંતુ ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ સમિતિમાંથી બહાર રાખવામાં આવ્યા છે.બિલ મુજબ,સમિતિમાં વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા અને વડા પ્રધાન દ્વારા નામાંકિત કેબિનેટ પ્રધાનનો સમાવેશ થશે.

અગાઉ આ સમિતિમાં CJI પણ રહેતા હતા. જેના કારણે આ મામલો ચર્ચામાં છે. બીજી તરફ, કેટલાક લોકોને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો પત્ર યાદ આવી રહ્યો છે, જેમાં આવી નિમણૂકોમાં પક્ષપાતથી બચવા માટે CJIને સમિતિમાં સામેલ કરવાની વાત કહેવામાં આવી હતી.

અત્યાર સુધી મુખ્ય ચૂંટણી કમિશનર અને બાકીના ચૂંટણી કમિશનરોની નિમણૂક સરકાર દ્વારા બંધારણના અનુચ્છેદ 324(2) અનુસાર કરવામાં આવે છે, જે જણાવે છે કે રાષ્ટ્રપતિ સંસદ દ્રારા બનાવવામાં આવેલા કોઇ પણ કાયદાની જોગવાઇઓ હેઠળ સમયાંતરે ચૂંટણી કમિશ્નરોની નિમણુંક કરી શકે છે.

વાસ્તવમાં, આ બાબતને લઈને વિવાદ એટલા માટે પણ છે કારણ કે તે સુપ્રીમ કોર્ટના નિર્ણયને અસર કરે છે, જેમાં કહેવાયું હતું કે કે વડા પ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ ત્રણ સભ્યોની ECIની પસંદગી કરશે.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી સંસદ આ નિમણુંકો વિશે કાયદો પસાર નહીં કરે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. એ પછી સરકાર કાનૂન લાવવાની તૈયારી કરી રહી છે. ચૂંટણી પંચને લઇને છેલ્લાં કેટલાંક વર્ષોથી ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જેમાં સૌથી ગંભીર મુદ્દો ચૂંટણી કમિશ્નરની નિમણુંકનો કહેવામાં આવે છે.

ભલે અત્યારે ભાજપે ચૂંટણી કમિશ્નરોની નિમણુંકમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ( CJI)ને બહાર રાખ્યા હોય, પરંતુ થોડા વર્ષો પહેલાં આવું નહોતું.જ્યારે ભાજપ સત્તામાં નહોતી ત્યારે ભાજપે પોતે પેનલમાં CJIને રાખવાની વાત કરી હતી.

ભાજપના દિગ્ગજ નેતા અને ભાજપ સંસદીય દળના  તત્કાલીન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ 2 જૂન 2012માં તત્કાલીન પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહને એક પત્ર લખ્યો હતો. જેમાં ચૂંટણી કમિશ્નરોની નિમણુંક માટે કોલેજિયમની રચના કરવાની સાથે કહેવામાં આવ્યું હતું કે  આ પેનલમાં CJI સામેલ   હોવા જોઇએ.

ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓની નિમણૂકનો ઉલ્લેખ કરતા અડવાણીએ તે વખતે લખ્યુ હતું કે, હાલની સિસ્ટમ કે જેના હેઠળ ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, જેમાં માત્ર વડાપ્રધાનની સલાહ લેવામાં આવે છે. જેના કારણે લોકોમાં વિશ્વાસ ઉભો થતો નથી. આવા મહત્વના નિર્ણયો શાસક પક્ષના વિશેષાધિકાર તરીકે રાખવાથી પસંદગી પ્રક્રિયામાં છેડછાડ અને પક્ષપાતની શક્યતાઓ વધી જાય છે. તેથી જ ભરતી પ્રક્રિયામાં સુધારો કરવાનો સમય આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp