અસદના એન્કાઉન્ટર, અતીક-અશરફની હત્યા બાદ હવે માફિયાના પરિવારમાં કોણ કોણ બચ્યું છે

PC: oneindia.com

માફિયા અતીક અહમદના ગુના અને ડરના સામ્રાજ્યનો અંત થઈ ગયો. 15 એપ્રિલ એટલે કે શનિવારે અતીક અહમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની હત્યાના કેસમાં નોંધાયેલા કેસ બાદ તેનું અને તેની ગેંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. 13 એપ્રિલથી 15 એપ્રિલ વચ્ચે અતીક સહિત તેના પરિવારના 3 લોકો માર્યા ગયા. બાકી જે સભ્ય હતા, તેઓ જેલમાં બંધ છે અથવા તો ફરાર છે. આવો આ આર્ટિકલમાં જાણીએ અતીકના પરિવારમાં અત્યારે કોણ કોણ રહ્યું છે.

24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજના રસ્તા પર ધોળા દિવસે ઉમેશ પાલ અને તેના બે ગનર્સની હત્યા કરી દેવામાં આવી હતી. ઉમેશ પાલ 19 વર્ષ અગાઉ રાજૂ પાલ હત્યાકાંડનો મુખ્ય સાક્ષી હતો. અતીક અહમદ અને અશરફ પર ઉમેશ પાલની હત્યાનો આરોપ હતો. ઉમેશ પાલની પત્નીએ અતીક, અશરફ, શાઈસ્તા સહિત 9 લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ અતીકના પરિવાર અને ગેંગ પર શકંજો કસાતો ગયો. અતીકના પુત્ર અસદ અને ગુલામને STFએ 13 એપ્રિલના રોજ ઝાંસીમાં એનકાઉન્ટરમાં ઠાર કરી દીધા હતા.

બંને પર ઉમેશ પાલ પર ફાયરિંગ કરવાનો આરોપ હતો. ઉમેશ પાલની હત્યાની જે CCTV ફૂટેજ સામે આવી હતી, તેમાં પણ બંને ફાયરિંગ કરતા નજરે પડી રહ્યા હતા. પુત્ર અસદના એનકાઉન્ટર બાદ અતીક તૂટી ગયો હતો. તેના 2 દિવસ બાદ એટલે કે 15 એપ્રિલના રોજ મોડી રાત્રે પ્રયાગરાજની કોલ્વિન હોસ્પિટલ બહાર અતીક અને તેના ભાઈની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. 3 લોકોએ અતીક અને તેના ભાઈ પર ફાયરિંગ કરી દીધી. બંનેનું ત્યાં જ મોત થઈ ગયું.

અતીકની પત્ની શાઈસ્તા પરવીન પર 4 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે, તે ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી છે. હત્યા બાદ જ શાઈસ્તા પરવીન ફરાર છે. પોલીસે તેના માથે ઈનામ રાખ્યું છે. અતીકના 5 દીકરામાંથી બીજા નંબરનો દીકરો મોહમ્મદ અલી. તેના પર 6 કેસ નોંધાયેલા છે. મોહમ્મદ અલી પર હત્યાના પ્રયાસ અને 5 કરોડની રંગદારીનો આરોપ છે. તે ફરાર થયા બાદ પોલીસે તેના પર 50 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. ત્યારબાદ તેણે 31 જુલાઇ 2022ના રોજ સરેન્ડર કરી દીધું. હાલમાં અલી નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે.

અતીકના ચોથા અને પાંચમા નંબરના દીકરા સગીર વયના છે. તેમને બાળ સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે. બંને અતીકના જનાજામાં સામેલ થયા હતા. અતીકની બહેન આયશા નૂરી પણ ગુનાની દુનિયામાં સામેલ છે. આયશા અને તેની દીકરી અનાજિલા પર શૂટરોને આશ્રય આપવાનો આરોપ છે. આયશાની પૂછપરછ બાદ પોલીસે તેને અંગત બોન્ડ પર છોડી દીધી છે. આયશા હવે કોર્ટના શરણે પહોંચી છે. ઉત્તર પ્રદેશ પોલીસે અતીકની પત્ની શાઈસ્તાની ધરપકડને લઈને જોરદાર છાપેમારી શરૂ કરી.

શાઈસ્તાની તપાસમાં કૌશમ્બીથી પશ્ચિમ બંગાળ સુધી છાપેમારી કરવામાં આવી. પોલીસને શાઈસ્તા કૌશમબી, ગ્રેટર નોઇડા, મેરઠ, દિલ્હી, ઓખલા, મુંબઈ અને પશ્ચિમ બંગાળમાં કોઈ જગ્યાએ છુપાયેલી હોવાની આશંકા છે. એટલું જ નહીં, પોલીસે શાઈસ્તાના 20થી વધુ મદદગારોની ઓળખ કરી છે.  તેમાં પ્રયાગરાજના અકામા બોલ્ડર્સનો માલિક મોહમ્મદ મુસ્લિમ, અસલમ મંત્રી, ખાલીદ જફર, મોહમ્મદ નફીસ, ઈરાશાદ ઉર્ફ સોનૂ, અરશદ, સુલ્તાન અલી નૂર, રાશીદ ઉર્ફ નીલૂ, આવેજ અહમદ, નજમે આલમ ઉર્ફ નબ્બે, મોહમ્મદ આમીર ઉર્ફ પરવેજ, મનિષ ખન્ના, નાયાબ, તારાચંદ ગુપ્તા, મોહમ્મદ અનસ અને આસિફ ઉર્ફ મલ્લીનું નામ સામેલ છે.

એ સિવાય શાઈસ્તાની નજીકની એક મહિલા ડૉક્ટર પણ છે. શાઈસ્તાની કોઈ નણંદ અને અતીકનો બનેવી જે બનારસમાં રહે છે તેને શાઈસ્તાનો ખૂબ નજીકનો માનવામાં આવે છે. શાઈસ્તા લખનૌ સ્થિત તેના પર ઘર મોટા ભાગે કાઈને રોકાતી હતી. પોલીસ તેની પણ પૂછપરછ કરી રહી છે.   

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp