અજિત પવારે બળવો કરી NCP પર દાવો કર્યો, પણ જાણો શું કહે છે દળ બદલ કાયદો

PC: hindustantimes.com

મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારે ભારે ઉથલપાલ મચી ગઇ છે અને વિપક્ષ નેતા અજિત પવાર સવારે શિવસેના અને ભાજપ ગઠબંધનની સરકારમાં સામેલ થઇ ગયા છે અને તેમને નાયબ મુખ્યમંત્રી પદના શપથ પણ લઇ લીધા છે. અજિત પવારની સાથે NCPના 8 ધારાસભ્યોને પણ રાજ્ય સરકારમાં મંત્રી બનાવી દેવાયા છે. જેમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સુનીલ વલસાડ, અદિતિ તટકરે અને હસન મુશ્રીફના નામનો સમાવેશ થાય છે.કદાચ આટલી વાત વિશે તમને જાણકારી મળી ગઇ હશે, પરંતુ સરકારમાં સામેલ થયા પછી અજિત પવારે બીજો મોટો બોંબ ફોડ્યો છે અને સીધો  NCPપર દાવો ઠોકી દીધો છે.જેમ શિવસેના સાથે બળવો કર્યા બાદ એકનાથ શિંદેએ શિવસેના પર પોતાનો હક હોવાનો દાવો કર્યો હતો.

સરકારમાં સામેલ થયા બાદ અજિત પવારે છગન ભુજબળ અને પ્રફુલ પટેલ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અજિત પવારે સ્પષ્ટ કહ્યું કે પાર્ટીનું નામ અને ચિન્હ પણ મારી પાસે રહેશે. મેં બાકીના ધારાસભ્યોનો પણ સંપર્ક કર્યો છે અને આજે સાંજ સુધીમાં ઘણા ધારાસભ્યો અહીં પહોંચી જશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભવિષ્યમાં અમે કોઈપણ ચૂંટણી, પછી તે જિલ્લા પરિષદ હોય કે અન્ય પંચાયતની ચૂંટણીઓ, NCPના ચિહ્ન પર જ લડીશું. તમને યાદ હશે કે નાગાલેન્ડમાં પણ NCPના 7 ધારાસભ્યો ચૂંટાયા હતા અને તેઓએ વિકાસ માટે ભાજપ સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

આ પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે કહ્યું કે પાર્ટીનું નામ અને પ્રતીક અમારી પાસે રહેશે. આ રીતે અજિત પવારે NCP પર દાવો કર્યો છે. જો કે અજિત પવારે દાવો કર્યો છે કે તેમના નિર્ણયને પાર્ટીના તમામ લોકોનું સમર્થન છે, પરંતુ હજુ સુધી શરદ પવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું NCPમાં  બે ફાડચા પડી જશે? અને જો આમ થશે તો તેના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે કે નહીં?

1970ના દાયકામાં ભારતીય રાજકારણમાં આયા રામ ગયા રામનું રાજકારણ ખૂબ જ લોકપ્રિય હતું. જે બાદ 1985માં 52માં બંધારણીય સુધારા હેઠળ પક્ષપલટા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. પક્ષપલટા વિરોધી કાયદો બંધારણની દસમી અનુસૂચિમાં સામેલ છે અને એક સુધારા દ્વારા તેને બંધારણમાં ઉમેરવામાં આવ્યો છે.

પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ જન પ્રતિનિધિને ગેરલાયક ઠેરવી શકાય છે, જો ચૂંટાયેલા સભ્ય સ્વેચ્છાએ રાજકીય પક્ષનું સભ્યપદ છોડી દે અથવા ચૂંટણી પછી અન્ય રાજકીય પક્ષમાં જોડાય. તે કોઈપણ મહત્વપૂર્ણ મતદાનમાં ગેરહાજર રહે છે તો ગેરલાયક ઠરે છે, પરંતુ, જો કોઇ પાર્ટીના બે તૃત્યાંશ સભ્યો અન્ય પાર્ટીમાં સામેલ થઇ જાય ત એ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવતા નથી. વિધાનસભા સ્પીકર પાસે અધિકાર છે કે પક્ષપલટો કરવાની સ્થિતિમાં ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાનો અંતિમ નિર્ણય કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp