CM શિંદે જૂથ-BJP વચ્ચે બધુ બરાબર નથી! સાંસદે કહ્યું- આ બધું મીડિયાની ઉપજ

PC: navbharattimes.indiatimes.com

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે શુક્રવારે નવી દિલ્હી જવા રવાના થયા હતા જ્યાં તેઓ BJPના ટોચના નેતાઓને મળવાની શક્યતા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) અને CM શિંદેના નેતૃત્વવાળી શિવસેના વચ્ચે બધુ બરાબર નથી. શિવસેનાએ જોકે, તેના ધારાસભ્યો અને સાંસદો દ્વારા રજૂ કરાયેલા મતવિસ્તારો માટે ભંડોળની ફાળવણીને લઈને BJP સાથે કોઈ મતભેદ હોવાનો ઈન્કાર કર્યો હતો.

CM શિંદેના નેતૃત્વવાળી શિવસેના પાસે 13 સાંસદો છે. બુધવારે સાંજે CM સાથે સાંસદોની બેઠકમાં અન્ય બાબતોની સાથે ફંડની ફાળવણીના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. શિવસેનાના સાંસદ શ્રીરંગ બરણેએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, 'મીટિંગમાં અમારા તમામ 13 સાંસદો હાજર હતા. અમે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આમાંનો એક મુદ્દો ભંડોળની ફાળવણીનો હતો. અમે CMના ધ્યાન પર લાવ્યા છીએ કે, અમને રાજ્ય સરકાર તરફથી અમારા મતવિસ્તારો માટે ધારાસભ્યો કરતાં ઓછું વિકાસ ભંડોળ મળી રહ્યું છે.'

શ્રીરંગ બરણેએ કહ્યું, 'દર વર્ષે સાંસદોને કેન્દ્ર સરકાર તરફથી પાંચ કરોડ રૂપિયાનું ડેવલપમેન્ટ ફંડ મળે છે. અમને રાજ્ય સરકાર તરફથી ફંડ મળતું નથી પરંતુ અમે રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો કરાવીએ છીએ. ધારાસભ્યોના વિકાસના કામો પાછળ ખર્ચવામાં આવતી રકમ સાંસદોએ સૂચવેલા કામો પાછળ ખર્ચેલી રકમ કરતાં ઘણી વધારે છે. અમે ઈચ્છીએ છીએ કે CM આ વિસંગતતા દૂર કરે. તેમણે આ મુદ્દે તપાસ કરવાનું વચન આપ્યું છે.'

જ્યારે પૂછવામાં આવ્યું કે શું BJPના સાંસદોને વિકાસ માટે વધુ ભંડોળ મળ્યું છે, તો શ્રીરંગ બરણેએ કહ્યું કે, અમે સાંસદોએ આવી કોઈ ફરિયાદ કરી નથી, તે બધું મીડિયાની ઉપજ છે. તેઓ ઈચ્છે છે કે, અમે એકબીજા સાથે ઝઘડો કરીએ. એમ પૂછવામાં આવ્યું કે, શું સાંસદોએ આગામી ચૂંટણીમાં શિવસેનાની લોકસભા બેઠકોના હિસ્સા અંગે ચર્ચા કરી, શ્રીરંગ બરણેએ કહ્યું, 'અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી પરંતુ હું તે બધા પર ટિપ્પણી કરી શકતો નથી.'

સૂત્રોના જણાવ્યા અનુસાર CM શિંદેની સેના લોકસભાની 22 બેઠકો પર ચૂંટણી લડવાનું વિચારી રહી છે. જો કે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથે આ દાવા પર કટાક્ષ કર્યો છે. ઉદ્ધવ સેનાના પ્રવક્તા સંજય રાઉતે મીડિયા સૂત્રોને જણાવ્યું કે, 'CM એકનાથ શિંદે જૂથને ચૂંટણી લડવા માટે 5 બેઠકો પણ નહીં મળે. અમે તેને પાર્ટી માનતા નથી. તે માત્ર એક જૂથ છે, જે ટૂંક સમયમાં અદૃશ્ય થઈ જશે.'

તેના પર વળતો પ્રહાર કરતાં શ્રીરંગ બરણેએ કહ્યું, 'રાઉત પાસે બીજું કોઈ કામ નથી, તેથી તે પોતાની નિરાશાને બહાર કાઢે છે. તે જે કહે છે તેને આપણે બહુ મહત્વ આપતા નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp