ટ્રેનમાં મહિલા કોન્સ્ટેબલ સાથે એવું થયું કે જજે રાત્રે જ પોતાના ઘરને કોર્ટ બનાવી

PC: scroll.in

યોગી સરકાર જો રાજ્યની કાયદા વ્યવસ્થાને લઈને સૌથી મોટો દાવો કરે છે તો તે છે મહિલા સુરક્ષાનો, પરંતુ જે પ્રકારે અયોધ્યામાં ટ્રેનની અંદર મહિલા હેડ કોન્સ્ટેબલ લોહીલુહાણ હાલતમાં મળ્યા તેણે સરકારના દાવાઓ પર ગંભીર સવાલ ઊભા કરી દીધા છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે થયેલી હેવાનિયતના કારણે આજે પણ તે જિંદગી અને મોત વચ્ચે લખનૌની KGMU હોસ્પિટલમાં ઝઝૂમી રહ્યા છે. આ ઘટના એટલી ગંભીર છે કે અલ્લાહબાદ હાઇ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લેતા તેની સુનાવણીમાં એક ઇતિહાસ રચી દીધો.

અલ્લાહાબાદ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકરે મીડિયામાં આવેલા સમચારોને પોતાને સંજ્ઞાનમાં લેતા રવિવારની રાત્રે પોતાના ઘર પર એક વિશેષ કોર્ટ બેસાડી અને સરયૂ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા કોન્સ્ટેબલ સાથે થયેલી હેવાનિયતને લઈને પહેલા PIL કરાવી અને પછી આ કેસ પર મોડી રાત્રે સુનાવણી કરી. ચીફ જસ્ટિસે મોડી રાત્રે બોલાવેલી પોતાની સ્પેશિયલ બેન્ચમાં ન માત્ર નારાજગી વ્યક્ત કરી, પરંતુ સ્વતઃ સંજ્ઞાન લેતા રાજ્ય સરકાર અને રેલવેને નોટિસ આપી છે.

સાથે જ સોમવારે ફરી આ કેસની સુનાવણીનો સમય આપ્યો છે. જેમાં સરકારને કેટલાક જવાબ સાથે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં એડિશનલ સોલિસિટર જનરલને પણ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. અલ્લાહબાદ હાઇ કોર્ટે રજાના દિવસે (રવિવારે) રાત્રે 09:00 વાગ્યે વિશેષ બેન્ચ બનાવીને તેની સુનાવણી કરી હતી. જેમાં પોતે ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસત્વની ડિવિઝનની વિશેષ બેન્ચે દલીલ સાંભળી. આ અગાઉ હાઇ કોર્ટના વકીલ રામકુમાર કૌશિકે આ કેસમાં PIL દાખલ કરીને અપીલ કરી હતી.

ગત રાત્રે અલ્લાહાબાદ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસના આવાસ પર બેઠી સ્પેશિયલ બેન્ચે સુનાવણી બાદ રેલવે અને ઉત્તર પ્રદેશ સરકાર પાસે જવાબ માગ્યો. આજે સુનાવણી દરમિયાન તપાસ સાથે જોડાયેલા કોઈ સીનિયર અધિકારીને પણ રજૂ થવા કહ્યું છે. અધિકારીને કોર્ટમાં ઉપસ્થિત થઈને બતાવવું પડશે કે આ કેસમાં અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે. સરકારે એ પણ જણાવવું પડશે કે કેસમાં અત્યાર સુધી આરોપીઓની ઓળખ કે ધરપકડ થઈ છે કે નહીં.

29 ઑગસ્ટની સવારે 04:00 વાગ્યે અયોધ્યા રેલવે સ્ટેશન પર એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે સરયૂ એક્સપ્રેસના જનરલ ડબ્બામાં સીટ નીચે મહિલા હેડ કોન્સ્ટેબલ લોહીથી લથબથ હાલતમાં મળ્યા. GRP જવાન ઘટનાસ્થળ પર પહોંચ્યા તો મહિલાના કપડાં અસ્તવ્યસ્ત હતા. તેઓ સીટ નીચે પડ્યા હતા. તેમના ચહેરાથી લોહી નીકળી રહ્યું હતું. ઇમરજન્સીમાં મહિલાને લખનૌની KGMCમાં દાખલ કરાવવામાં આવ્યા. 6 દિવસ બાદ ડૉક્ટરોએ ઓપરેશન કરીને તેને બચાવી તો લીધા, પરંતુ અત્યાર સુધી બોલવાની સ્થિતિમાં નથી. અત્યાર સુધી મહિલા સાથે દુષ્કર્મ કે છેડછાડની પુષ્ટિ થઈ નથી.

ઘટના બાદ SP GRP પૂજા યાદવ, CO GRP સંજીવ સિંહા સતત મનકાપુર અને અયોધ્યા રેલવે સ્ટેશન વચ્ચે પુરાવા શોધી રહ્યા છે, કેમ્પ કરી રહ્યા છે. ઘટનાને એક અઠવાડિયુ વીતી ચૂક્યું છે, પરંતુ પોલીસ ઘટનાનું કારણ પણ શોધી શકી નથી કે આખરે મહિલા કોન્સ્ટેબલ પર આ જીવલેણ અને ખતરનાક હુમલો કોણે અને શા માટે કર્યો. અત્યાર સુધી તપાસમાં ખબર પડી કે 29 ઑગસ્ટે પ્રયાગરાજથી ઉપડીને મનકાપુર સુધી જનારી સરયૂ એક્સપ્રેસ પર મહિલા કોન્સ્ટેબલ સાંજે 06:45 વાગ્યે ફાફામઉ સ્ટેશનથી ચડ્યા હતા.

ટ્રેન લગભગ 12:00 વાગ્યે અયોધ્યા કેંટ સ્ટેશન પહોંચી, જ્યાં મહિલા કોન્સ્ટેબલે ઉતરવાનું હતું કેમ કે તેની હનુમાનગઢી પર મેળામાં ડ્યૂટી હતી, પરંતુ મોડી રાત થવાના કારણે આશંકા વ્યક્ત કરવામાં આવી કે મહિલા કોન્સ્ટેબલને ઊંઘ આવી ગઈ અને તે 01:00 વાગ્યે સરયૂ એક્સપ્રેસથી મનકાપુર સ્ટેશન પહોંચી ગઈ. જો કે, એક કલાક યાર્ડમાં રોકાયા બાદ પરત અયોધ્યા આવે છે, તો સ્ટેશન છૂટવાના કારણે મહિલા કોન્સ્ટેબલ મનકાપુર સ્ટેશન પર જ ટ્રેનમાં રોકાઈ રહી.

એક કલાક બાદ મનકાપૂરથી સરયૂ એક્સપ્રેસ 03:05 AM પર ઉપાડી અને 03:45 વાગ્યે અયોધ્યા સ્ટેશન પહોંચી હતી. અયોધ્યા સ્ટેશન પર જ GRPને જાણકારી મળી કે ટ્રેનના જનરલ ડબ્બામાં સીટ નીચે ખૂબ લોહી પડ્યું છે. પોલીસકર્મી ટ્રેનની અંદર ગયા તો એક મહિલા વર્દીમાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત હાલતમાં પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, 43 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ 1998 બેચના કોન્સ્ટેબલ છે. તેઓ સ્પોર્ટ્સ કોટાથી પોલીસમાં ભરતી થયા હતા. તેઓ પ્રયાગરાજમાં ભદરી સોરાવ વિસ્તારના રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp