અતિથિ દેવો ભવ: રિક્ષા ચાલકના ઘરે બિરયાની ખાવા પહોંચી અમેરિકન મહિલા
ભારત કદાચ એકમાત્ર દેશ હશે જે ‘અતિથિ દેવો ભવ:’ની પરંપરાને હજી પણ નિભાવી રહ્યો છે. ભારત દેશના નાગરીકો માટે મહેમાન ભગવાન સમાન હોય છે અને તેઓ દરેક બાબતમાં મહેમાનોની મદદ કરવાનું ચૂકતા નથી. આજે વેસ્ટર્ન વિચારો જ્યારે લોકોના દિલ-દિમાગમાં વધી રહ્યાં છે ત્યારે ઉદારતા ઓછી જોવા મળી રહી છે. આથી જ્યારે કોઈ ઉદારતા અથવા તો દરિયાદિલી દેખાડે ત્યારે તેની તારીફ કરવી તો બને છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં એક ઓટો રિક્ષા ડ્રાઇવરે એક અમેરિકી મહિલાને ઘરે બોલાવી હતી અને અતિથી દેવો ભવ:નું ઉદાહરણ પૂરું પાડતો હોય એ રીતે તેની આગતા-સ્વાગતા કરી હતી.
ડીમૈટિક નામની કંપનીમાં ગ્લોબલ પ્રોજેક્ટ એન્જિયરીંગ એકેડમીની ડાયરેક્ટર કિમ રિંકી અમેરિકન સિટીઝન છે અને તે હાલમાં પૂણેમાં છે. તેણે લિંક્ડિન પ્રોફાઇલ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે એક વ્યક્તિ સાથે જમીન પર બેસીને બિરયાની ખાઈ રહી છે. આ ફોટો સાથે તેણે ઘણી ડેટિઇલ પણ લખી હતી જે વાંચીને લોકો એ વ્યક્તિની ખૂબ જ વાહવાહી કરી રહ્યાં છે.
કિમે તેના પોસ્ટમાં લખ્યું હતું કે ‘આ અઠવાડિયે એક રિક્ષા ચાલક એન્થનીએ મને તેના ઘરે મહેમાન તરીકે આમંત્રણ આપ્યુ હતુ. એન્થની પૂણેમાં મને મારી મુસાફરી દરમ્યાન મદદ કરે છે. મેં તેના ઘરે જઈને ઘરે બનાવેલી બિરયાનીનો આનંદ લીધો હતો. બિયર પણ પીધી હતી. સારી-સારી વાતો કરી અને તેના મોટા દીકરાની બર્થ-ડે કેક પણ ખાધી હતી. મારા પરીવારની સરખામણીમાં તેના પરીવાર પાસે ખૂબ જ ઓછા પૈસા છે, પરંતુ માન્યતાઓની વાત કરીએ તો તે મારા કરતાં અમીર છે.’
કિમે એ પણ લખ્યુ હતુ કે તેને એ જોઈને પણ ખુશી થઈ હતી કે પાડોશીએ એકબીજાના ઘરે આરામથી આવતા જતા રહે છે અને બાકી રહેલું ભોજન એક બીજાના ઘરે શેર કરે છે કારણ કે તેમની પાસે ફ્રીઝ નથી હોતુ.
કિમે કહ્યું કે તેની જે રીતે મહેમાન નવાજી કરવામાં આવી એ જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેને એન્થની પ્રત્યે ખૂબ જ આભાર ભરી લાગણી છે, પરંતુ તે શરમીંદગી મહેસૂસ કરી રહી છે કે તેણે આજ સુધી અન્ય વ્યક્તિની લાઇફ પર નજર નથી કરી. કિમનું કહેવું છે કે આ અનુભવથી તેને શીખ મળી છે એમ કહેવામાં આવે તો તેના અનુભવને ઓછો આંકવામાં આવ્યો એમ કહેવાશે. આ અનુભવ તેના માટે એકદમ ઇમોશનથી ભરેલો હતો અને પોતાને ઘરે આવીને પણ તે ખૂબ જ ઇમોશનલ હતી. કિમે તેની પોસ્ટમાં લખ્યું હતું કે તે ફરી એન્થનીને મળવા માગે છે અને ભારતીય સંસ્કૃતિ વિશે જાણવા માગે છે. આ સાથે જ તે ગંદકી કર્યા વગર હાથથી બિરયાની કેવી રીતે ખાવી એ પણ શીખવા માગે છે. આ પોસ્ટ બાદ લોકોએ કિમની પણ ખૂબ જ તારીફ કરી છે અને તેની પોસ્ટને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp