- National
- 2024મા કોંગ્રેસ પાર્ટી દૂરબીનથી શોધવા પર પણ નહીં મળેઃ અમિત શાહ
2024મા કોંગ્રેસ પાર્ટી દૂરબીનથી શોધવા પર પણ નહીં મળેઃ અમિત શાહ
કોંગ્રેના પ્રવક્તા પવન ખેડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાને લઇને કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પવન ખેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આખું નામ બોલતા તેમના પિતાનું ખોટું નામ બોલી દીધું હતું. જો કે તેમણે પોતાની ભૂલ સુધારી પણ ખરી, પરંતુ ત્યારબાદ ફરી ખોટું નામ લીધું અને કટાક્ષ કરી દીધો. તેમણે ભાજપને પૂછ્યું કે આખરે JPCની માગથી કેમ ડરે છે?
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાના વિવાદિત નિવેદનને લઇને ભાજપ જોરદાર હુમલાવર થઇ ગઇ છે. ભાજપનું કહેવું છે કે, જે પ્રકારે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનું મજાક ઉડાવવામાં આવ્યું છે તે નિંદનીય છે. જો કે આ પહેલી વખત નથી જ્યારે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત હુમલો કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસને એ વાતથી પરેશાની છે આખરે સાધારણ પૃષ્ઠભૂમિથી આવનાર વ્યક્તિ આટલા મોટા પદ પર કઇ રીતે બેસી શકે છે?

પવન ખેડાના વિવાદાસ્પદ નિવેદનને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે તેમના પર પ્રહાર કર્યો છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જે પ્રકારની ભાષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ઉપયોગ કરવામાં આવી છે, જનતા તેને જોઇ ચૂકી છે. વર્ષ 2024માં કોંગ્રેસ પાર્ટી દૂરબીનથી શોધવા પર પણ નહીં મળે. તેમણે કહ્યું કે, દેશની જનતા તેનો હિસાબ બેલેટ બોક્સના માધ્યમથી કરશે. અમિત શાહે અહીં ન તો એ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો અને ન તો કોંગ્રેસનું નામ લીધું.
જો કે, ભાજપના નેતાઓએ જણાવ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાના એ નિવેદનના સંદર્ભમાં હોય શકે છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્ર ગૌતમદાસ મોદી’ કહેવામાં આવ્યા. પવન ખેડાએ બિઝનેસમેન ગૌતમ અદાણીના ગ્રુપ સાથે જોડાયેલા વિવાદને લઇને સરકારની નિંદા કરતા આ નિવેદન આપ્યું હતું. ઉલલેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આખું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે. દામોદરદાસ તેમના પિતા છે.

અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાનનું આખી દુનિયા સન્માન કરે છે અને તેમણે દેશની 80 કરોડ જનતાના જીવનમાં ખુશીઓ લાવી છે અને દેશની સુરક્ષા અને વિકાસ સુનિશ્ચિત કર્યા છે. તેમણે કહ્યું કે, આપણાં એવા પ્રિય વડાપ્રધાન માટે આ પ્રકારની ભાષાના ઉપયોગની હું સખત નિંદા કરું છું. એ મારા માટે અને બધા માટે ચિંતાની વાત છે કે, રાહલ ગાંધી કોંગ્રેસના નેતા બન્યા બાદ પાર્ટી પદાધિકારીઓનું સ્તર રોજબરોજ ઘટતું જઇ રહ્યું છે.
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર પણ ઘણા યુઝર્સ ઘણા પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં ‘ધ કાશ્મીર ફાઇલ’ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ પવન ખેડાનો વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, આ મજાક ખૂબ ભારે પડશે. તો એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે, પવન ખેડાએ પોતાની કબર ખોદી દીધી છે. તો એક સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ કરી કે કોંગ્રેસના મનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેટલી નફરત ભરેલી છે એ સ્પષ્ટ દેખાય છે.

