26th January selfie contest

એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ થઈ ઘર પર પડ્યું, પાયલટ બચી ગયા 4 ગામવાસીના નિધન

PC: sentinelassam.com

રાજસ્થાનના હનુમાનગઢમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું અને રહેણાંક વિસ્તારમાં પડ્યું. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જો કે, બંને પાઇલોટ્સ પોતાને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં સફળ રહ્યા હતા.

હનુમાનગઢના SP સુધીર ચૌધરીએ જણાવ્યું કે, વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. તે બહલોલનગરમાં ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયું અને એક ઘર પર પડ્યું. અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

વાયુસેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, વાયુસેનાના મિગ-21એ આજે સવારે નિયમિત તાલીમ ઉડાન ભરી હતી. પછી તે ક્રેશ થયું. બંને પાયલોટ પોતાની જાતને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ પરિવારના સભ્યો પ્રશાસનના લોકોને ઘટનાસ્થળેથી મૃતદેહ ઉપાડવા દેતા નથી. વહીવટીતંત્ર સામે વિરોધ વ્યક્ત કરી સગાસંબંધીઓએ લેખિતમાં વળતરની માંગ કરી છે. સંબંધીઓનું કહેવું છે કે, અધિકારીઓ સ્થળ પર જ વાયદો કરીને જતા રહે છે, ત્યાર પછી તેમને કંઈ મળતું નથી. જ્યાં સુધી તેઓને વહીવટીતંત્ર તરફથી વળતરની લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહને લઈ જવા દેશે નહીં.

આ પહેલા જુલાઈ 2022માં રાજસ્થાનના બાડમેર પાસે એક મિગ-21 એરક્રાફ્ટ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતીય વાયુસેના (IAF)ના બે પાયલોટ શહીદ થયા હતા.

મિગ-21 દુર્ઘટનાની આજની ઘટનાએ સોવિયત મૂળના મિગ-21 વિમાન પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. 1960ના દાયકાની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના કાફલામાં મિગ-21 એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 2022 સુધીમાં મિગ-21 વિમાનથી લગભગ 200 અકસ્માતો થયા છે.

મિગ-21 લાંબા સમયથી ભારતીય વાયુસેનાનો મુખ્ય આધાર હતો. જોકે, એરક્રાફ્ટનો સેફ્ટી રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. વિમાન દુર્ઘટનાઓમાં પણ અનેક લોકોના જીવ ગયા છે. ગયા વર્ષે માર્ચમાં, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ત્રણેય સેવાઓના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સાથે સંકળાયેલા અકસ્માતોમાં 42 સંરક્ષણ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 45 હવાઈ અકસ્માતો થયા છે, જેમાંથી 29 IAF પ્લેટફોર્મ સામેલ છે.

મિગ-21 ક્રેશની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને એરફોર્સ તેને તેના કાફલામાંથી હટાવી રહી છે. એરફોર્સે ગયા વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં મિગ 21 બાઇસનની એક સ્ક્વોડ્રનને હટાવી દીધી હતી. 2025 સુધીમાં મિગ 21ના બાકીના ત્રણ સ્ક્વોડ્રનને તબક્કાવાર બહાર કરવાની યોજના છે.

ફેબ્રુઆરી 2019માં, બાલાકોટ સ્ટ્રાઇકના એક દિવસ પછી, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું, તે સમયે તેઓ મિગ-21 જ ઉડાવી રહ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp