આરિફે સારસને મેગી ખાવાની લગાવી હતી લત,હવે તેને અપાઈ રહી છે પક્ષી બનવાની ટ્રેનિંગ

PC: zeenews.india.com

ઉત્તર પ્રદેશના અમેઠીના મોહમ્મદ આરિફ અને જંગલી સારસની મિત્રતાને કોઈ ભૂલી નથી શક્યું. આ માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થનારું એક કન્ટેન્ટ નથી. આવનારા સમયમાં આ અનોખી મિત્રતાની ચર્ચા થશે, તેના પર સ્ટોરીઓ પણ લખાશે. સારસને વન વિભાગવાળા લઈ ગયા હતા અને હાલ તે કાનપુર ઝૂમાં છે. માણસો સાથે રહેતા સારસ માણસોની આદતો શીખવા માંડ્યું હતું. તેનું ખાનપાન પણ માણસો જેવુ થઈ ચુક્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાનપુર ઝૂના નિર્દેશક કૃષ્ણા કુમાર સિંહે સારસની આદતો વિશે કેટલીક ચોંકાવનારી વાતો જણાવી. કૃષ્ણા કુમાર સિંહે જણાવ્યું કે, સારસને મેગી ખાવાની આદત પડી ગઈ હતી, તે માત્ર દાળ-ભાત અને મેગી જ ખાતું હતું.

કાનપુર ઝૂ પ્રશાસન હવે સારસને ફરીથી પક્ષી બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સારસને સુપરવર્મની સાથે ધાન, દાળ, પાલક વગેરે ખવડાવવામાં આવી રહ્યું છે. સારસને માણસના હાથથી પણ ખાવાની આદત પડી ગઈ હતી. ધીમે-ધીમે તેની આદત બદલાઈ રહી છે અને હવે તે જમીન પર પડેલી વસ્તુઓને ચાંચમાં ઉઠાવીને ખાઈ રહ્યું છે.

ઝૂમાં એક મોટા વાડામાં સારસને એકલું જ રાખવામાં આવ્યું છે. CCTV કેમેરા દ્વારા તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કૃષ્ણા કુમાર સિંહે એ પણ જણાવ્યું કે, કદાચ આ સારસ જન્મતાની સાથે જ માણસોની આસપાસ જ રહ્યું છે. જ્યારે પણ તે કોઈ વ્યક્તિ, જેમ કે ઝૂના કોઈ સફાઈકર્મીને પણ જુએ છે તો ઉછળવા માંડે છે.

ઓગસ્ટ, 2022માં આરિફને ઇજાગ્રસ્ત હાલતમાં એક સારસ ખેતરમાં મળ્યું હતું. તે સારસને ઘરે લાવ્યો, તેની સારવાર કરી, તેને ખવડાવ્યું. સાજા થયા બાદ સ્વભાવની વિપરીત આ સારસ ઉડીને જંગલમાં ના ગયું તેનાથી ઉલટ આરિફની સાથે જ રહેવા માંડ્યું. 21 માર્ચે ઉત્તર પ્રદેશ વન વિભાગના લોકો સારસને પોતાની સાથે લઇ ગયા અને તેને સમસપુર પક્ષી વિહારમાં રાખ્યું. ત્યારબાદ સારસના ત્યાંથી ગાયબ થવાના પણ સમાચાર આવ્યા હતા. સારસને કેટલાક ગામના લોકોએ શોધ્યું. વન વિભાગે પછી સારસને કાનપુર ઝુમાં શિફ્ટ કરી દીધુ. વન વિભાગે આરિફ પર વન્યજીવ સંરક્ષણ અધિનિયમના ઉલ્લંઘનનો આરોપ લગાવીને કેસ દાખલ કરાવ્યો હતો અને નોટિસ પણ મોકલી હતી.

એપ્રિલ 2023માં સારસને મળવા આરિફ કાનપુર ઝુ પહોંચ્યો. આરિફને જોતા જ સારસ પોતાની પાંખો ફફડાવવા માંડ્યું. આ બંનેની મિત્રતા દરેક માટે એક મિસાલ બની ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp