રામ મંદિર માટે કારીગરે 400 Kgનું તાળું બનાવ્યું, જીવનભરની કમાણી ખર્ચી નાખી!

PC: khabarsatta.com

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વૃદ્ધ કારીગરે 400 કિલોનું તાળું બનાવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ હાથ વડે બનાવેલ દુનિયાનું સૌથી મોટું તાળું છે. ખાસ વાત એ છે કે, તે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે બનાવવામાં આવ્યું છે.

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કારીગરનું નામ સત્ય પ્રકાશ શર્મા છે. તેઓ હાથથી તાળાઓ બનાવવા માટે પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે, જાન્યુઆરી 2024થી રામ મંદિર ભક્તો માટે ખુલશે.

સત્ય પ્રકાશ શર્મા 'રામ ભક્ત' છે. આ તાળું બનાવવા માટે તેણે મહિનાઓ સુધી મહેનત કરી હતી. સત્ય પ્રકાશ શર્માના વડવાઓ પણ તાળાઓ બનાવતા આવ્યા છે. શર્મા અલીગઢમાં રહીને તાળાઓ બનાવે છે. અલીગઢને તાલા નગરી કહેવામાં આવે છે. સત્ય પ્રકાશ શર્માએ કહ્યું, 'આ તાળું 10 ફૂટ લાંબુ છે. તેની પહોળાઈ 4.5 ફૂટ અને જાડાઈ 9.5 ઈંચ છે. તેની ચાવી 4 ફૂટ લાંબી છે. મેં તેને રામ મંદિરને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે.'

તેમણે કહ્યું કે, તેઓ આ વર્ષના અંત સુધીમાં રામ મંદિરના સત્તાવાળાઓને આ તાળું સોંપી દેશે. આ તાળું 2023ની શરૂઆતમાં અલીગઢમાં યોજાનાર વાર્ષિક પ્રદર્શનમાં પણ બતાવવામાં આવ્યું હતું. ત્યાર પછી સત્ય પ્રકાશ શર્માએ તેમાં કેટલાક નાના મોટા ફેરફારો કર્યા છે. તેણે કહ્યું કે, તે તેને એકદમ પરફેક્ટ બનાવવા માંગે છે. તેઓ ઈચ્છતા નથી કે, તેમાં કોઈ ભૂલ રહે.

સત્ય પ્રકાશ શર્મા તેને 'લેબર ઓફ લવ' કહે છે. મતલબ, એવું મુશ્કેલ કાર્ય કે, જે કરવાથી આનંદ મળે. તેણે કહ્યું કે, આ તાળું બનાવવામાં તેની પત્ની રૂકમણીએ પણ મદદ કરી હતી. તેમણે આગળ કહ્યું, 'પહેલા અમે 6 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળું તાળું બનાવ્યું. પછી કેટલાક લોકોએ અમને તેનાથી મોટું તાળું બનાવવાની સલાહ આપી. ત્યાર પછી અમે આ 400 કિલોનું તાળું તૈયાર કર્યું.'

શર્માએ જણાવ્યું કે, તેને બનાવવામાં તેને 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સપનું પૂરું કરવા માટે તેણે જીવનભરની કમાણી ખુશીથી ખર્ચી નાખી. તેણે કહ્યું, 'હું વર્ષોથી તાળા બનાવવાનો ધંધો કરું છું. મેં રામ મંદિર માટે એક વિશાળ તાળું બનાવવાનું વિચાર્યું. અમારું શહેર તાળા બનાવવા માટે પ્રખ્યાત છે પરંતુ આ પહેલાં કોઈએ આવું કંઈ કર્યું ન હતું.'

રિપોર્ટ અનુસાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ કહ્યું કે, તેઓ મોટી સંખ્યામાં લોકો પાસેથી દાન મેળવી રહ્યાં છે. તેઓએ જોવું પડશે કે, આ તાળું ક્યાં વાપરી શકાશે. 2024માં, 21, 22 અને 23 જાન્યુઆરીએ, રામ મંદિર ટ્રસ્ટ તેના અભિષેક સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. 4 ઓગસ્ટે ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, આ માટે PM નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp