- National
- ઘરમાં ચોરી થઇ તો ASI પહોંચ્યા બાબાના શરણમાં, બોલ્યા-ચોરને પકડવામાં મદદ કરો
ઘરમાં ચોરી થઇ તો ASI પહોંચ્યા બાબાના શરણમાં, બોલ્યા-ચોરને પકડવામાં મદદ કરો
સેવા સુરક્ષા અને સહયોગનો દમ ભરનારી હરિયાણા પોલીસને લાગે છે કે પોતાનો જ દમ ખોઇ ચૂકી છે. સામાન્ય રીતે ચોરી જેવી ઘટનાઓ માટે જનતા પોલીસ પાસે પહોંચે છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે એક અધિકારી પોતાની જ સેવા, સુરક્ષા અને સહયોગ માટે એક બાબાના દરબારમાં નતમસ્તક થઇ ગયા. આ ઘટના હરિયાણાના પાનીપત જિલ્લાની છે. અહીં પોલીસ લાઇનમાં બે પોલીસકર્મીઓના ઘરે ચોરી થઇ હતી. તેમાં ચાંદનીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI કૃષ્ણ કુમારના ઘરે પણ ચોરી થઇ હતી.

પોલીસ જ્યારે ચોરોની જાણકારી ન મેળવી શકી તો ASI કૃષ્ણ કુમાર પંડોખર દરબાર જઇ પહોંચ્યા. ત્યાં જઇને તેમણે ગાદીપતિ બાબાને પોતાના ક્વાર્ટરમાં ચોરી કરનારા ચોરોની બાબતે પૂછ્યું. ASI કૃષ્ણ કુમારે બાબાને જણાવ્યું કે, તે જિંદના સિવાહ ગામનો રહેવાસી છે હાલમાં તે પોલીસ લાઇનના ક્વાર્ટર નંબર 151માં પરિવાર સહિત રહે છે. 23 ડિસેમ્બરના રોજ તેમના ક્વાર્ટરમાં ચોરી થઇ ગઇ હતી. જાણકારી મળવા પર તેઓ ક્વાર્ટરમાં પહોંચ્યાં તો મુખ્ય દરવાજાનું લોક ખુલ્લું હતું. અંદરની રૂમનું તાળું પણ તૂટેલું હતું.
કબાટનો બધો સામાન, કપડાં વિખેરાયેલા હતા. ચેક કર્યું તો જોયું કે કબાટમાંથી કેશ અને ઘરેણાં ચોરી થઇ ગયા છે. ASIના સવાલોનો જવાબ આપતા બાબાએ કહ્યું કે, સુરાગ તમારા ક્વાર્ટરમાં જ છુપાયેલા છે. પંજાબ બોર્ડરથી ગુનેગાર પકડાઇ જશે, પરંતુ સામાન મળે કે ન મળે એ ખબર નથી. જેના પર ASI ચોરનો નંબર માગવા લાગ્યા તો બાબાએ કહ્યું કે, પહેલા તો તમારો જાણવો પડશે, ક્યાંક એવું ન થઇ જાય કે કોઇની હત્યા થઇ જાય અને પોલીસ ભાગીદાર અમને બનાવી દે.

બાબાની ભવિષ્યવાણીમાં કેટલી હકીકત છે અને જો હકીકત છે તો ક્યાં સુધીમાં પકડાઇ જશે એ તો સમય જ બતાવશે, પરંતુ હરિયાણા પોલીસના ASI કૃષ્ણ કુમારની હરકતની લોકો મજા લઇ રહ્યા છે. કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે હરિયાણા પોલીસ અત્યાર સુધી નિષ્ફળ થઇ ચૂકી છે જે પોતાના ઘરમાં ચોરીની જાણકારી મેળવવામાં પણ પોતાની જાતને અસહાય અનુભવી રહી છે. આ જ કારણ છે કે હવે હરિયાણા પોલીસને બાબાઓના દરબારમાં ફરિયાદ કરવી પડી રહી છે.

