- National
- PF માગતા ક્લાર્કે કહ્યું- બહેન,તમે કંઈક આપ-લે કરો કે નહીં,નર્સે વાળ કાપીને આપ્યા
PF માગતા ક્લાર્કે કહ્યું- બહેન,તમે કંઈક આપ-લે કરો કે નહીં,નર્સે વાળ કાપીને આપ્યા
મધ્ય પ્રદેશના શાજાપુરમાં, GPFની રકમ મેળવવા માટે નારાજ એક ANMએ સિવિલ સર્જન સામે મોરચો ખોલ્યો અને વિરોધમાં તેના બધા વાળ કપાવી નાંખ્યા.
શાજાપુર જિલ્લામાં અવાર-નવાર વિચિત્ર કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સો જિલ્લા મથકના આરોગ્ય વિભાગમાં જોવા મળ્યો હતો. પોતાની જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ની રકમ મેળવવા માટે, નર્સે તેના તમામ વાળ સિવિલ સર્જનના નામે કપાવી નાંખ્યા. ત્યાર પછી, જે તે વિભાગે ગભરાઈને ભારે ઉતાવળ કરીને તેની GPFની રકમ ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. હવે એક-બે દિવસની અંદર સમગ્ર રકમ મહિલા ANMના હાથમાં આવી જશે. અહીં તમને જણાવી દઈએ કે, કર્મચારી તેના માસિક પગારનો એક નાનકડો હિસ્સો ભવિષ્ય નિધિના રૂપમાં બચાવે છે, જેથી નિવૃત્તિ પછી તે આ બચતની રકમનો ઉપયોગ કરી શકે.

હકીકતમાં, શાજાપુર જિલ્લા મુખ્યાલયમાં ફરજ બજાવતા ANM કૃષ્ણા વિશ્વકર્માએ 4 મહિના પહેલા CS ઓફિસ અને સિવિલ સર્જન ઓફિસમાં પોતાની GPFની રકમ ઉપાડવા માટે અરજી કરી હતી. ત્યારથી આજદિન સુધી તે GPFની રકમ મેળવવા માટે અહીંથી ત્યાં ભટકી રહી છે. આખરે તે એટલી પરેશાન થઈ ગઈ કે તેણે આ કડક પગલું ભર્યું.
નર્સે આરોગ્ય વિભાગ પર આરોપ લગાવ્યો છે કે, 'સિવિલ સર્જનની ઓફિસમાં તૈનાત પાટીદાર સાહેબ કહે છે કે, બહેન, તમે કંઈ આપ લે કરો તો, હું અને સાહેબ તમારા પૈસા 4 દિવસમાં નિકાળી દઈશું.' આનો જવાબ આપતા ક્રિષ્ના વિશ્વકર્માએ સિવિલ સર્જનના નામે પોતાના વાળ મુંડાવ્યા અને દાનમાં આપી દીધા અને કહ્યું, 'આ મેં આપી દીધા, હવે તમે મને મારા પૈસા આપી દો.'

આ મામલામાં સિવિલ સર્જન B.S. મીણાએ જણાવ્યું કે, કૃષ્ણા વિશ્વકર્માનું GPF નીકાળવાનું છે. જેની અરજી આવી છે. પરંતુ તેનું GPF એકાઉન્ટ મેચિંગ નથી થઇ રહ્યું અને તેમાં બેલેન્સ દેખાઈ રહ્યું નથી. જે અંગે મેં તિજોરીને પત્ર લખ્યો છે અને આ અંગે હું તિજોરી અધિકારીને મળી પણ આવ્યો છું. 1 થી 2 દિવસમાં ANMનું ખાતું ઠીક કરી દેવામાં આવશે અને તેમાં બેલેન્સ દેખાવા લાગશે, ત્યારબાદ તેનું GPF નીકાળીને આપવામાં આવશે.
જો કે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું 4 મહિના પહેલા GPF ઉપાડવાની પ્રક્રિયા શરૂ ન થઈ શકી હોત? આ એક વિચાર માંગી લે તેવો વિષય છે. આના પરથી એકદમ સ્પષ્ટ થાય છે કે, મહિલા ANM પાસેથી લાંચ લેવાના લોભને કારણે અધિકારીઓ પોતાનું કામ કરતા ન હતા. જેવું આ મહિલાએ પોતાનું ઉગ્ર સ્વરૂપ દેખાડ્યું, તરત જ તમામ અધિકારીઓ તેના કામમાં લાગી ગયા અને એક-બે દિવસમાં તેમનું કામ પૂરું કરી આપવાની વાત કહી રહ્યા છે.

