સુરતની એક સાડી પર આસામ સરકારે પ્રતિબંધ મુકી દીધો, 1000 કરોડનું નુકશાન થશે

PC: facebook.com/TaraBhuyanCouture

દુનિયાભરમાં સિલ્ક સિટી તરીકે જાણીતા સુરતના કાપડ ઉદ્યોગને કરોડો રૂપિયાનો ફટકો પડે તેવા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળેલી વિગત આસામની ભાજપ સરકારે સુરતથી આસામ જતી મેખલા સાડી પર પ્રતિબંધ મુકી દીધો છે.આને  કારણે સુરતના કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડશે એવું ઉદ્યોગના લોકોનું કહેવું છે. ટેક્સટાઇલ ઉદ્યોગના ઇતિહાસમાં દેશના જ કોઇ રાજ્યએ સુરતની સાડી પર પ્રતિબંધ મુકી દીધો હોય તેવી આ પહેલી ઘટના છે.

આસામની હિંમતા બિસ્વા સરકારે સુરતની મેખલા પોલિયેસ્ટર સાડી પર 1લી માર્ચથી પ્રતિબંધ મુકી દીધો છે. પ્રતિબંધ મુકવાનું કારણ એવું છે કે મેખલા સાડીએ આસામની ઓળખ છે અને ત્યાંના લોકો આજે પણ હેન્ડમેઇડ સાડી બનાવીને વેચે છે. આસામના હેન્ડલૂમ ઉદ્યોગમાં મોટાભાગના લોકો મેખલા સાડી સાથે સંકળાયેલા છે. આસામમાં આ સાડી 3,000 રૂપિયાથી માંડીને 10,000 રૂપિયા સુધી વેચાઇ છે. જ્યારે આ સાડી સુરત 700થી 800 રૂપિયામાં વેચે છે. સુરત સસ્તી સાડી વેચે છે તેનું કારણ એવું છે કે સુરતના વિવર્સ હાઇટેક મશીનો પર આ સાડી બનાવે છે અને મેન મેઇડ ફાઇબરનો ઉપયોગ થાય છે એટલે સુરત સસ્તી સાડી મોકલી શકે છે. જ્યારે આસામના લોકો કુદરતી રેસામાંથી આ સાડી બનાવે છે.

સુરતની સસ્તી સાડીને કારણે આસામનો હેન્ડલૂમ ઉદ્યોગ મરણ પથારી પર જઇ રહ્યો હતો એટલે સ્થાનિક ઉદ્યોગને ટકાવવા માટે આસામ સરકારે સુરતની સાડી પર પ્રતિબંધ મુકી દીધો છે.

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશન ( ફોગવા)ના પ્રમુખ અશોક જીરાવાળાએ કહ્યું હતું કે, આ બાબતે અમે કેન્દ્રના રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોષને રજૂઆત કરી છે અને તેમણે ધૂળેટી પછી અમને મળવા માટે બોલાવ્યા છે.


જીરાવાળાએ કહ્યું કે આસામ સરકારના આ નિર્ણયને કારણે સુરતના વિવર્સને મોટો ફટકો પડશે કારણકે, સુરતમાં 250  વિવર્સ  જેકાર્ડ મશીન પર અને 1000 વિવર્સ પાવર લૂમ્સ પર આ ફેબ્રિક્સનું ઉત્પાદન કરે છે અને  આસામ સાથે અંદાજે 1000 કરોડનો સુરતનો બિઝનેસ છે. આસામ સરકારે એવા સમયે પ્રતિબંધનો ફટકો માર્યો છે જ્યારે આસામમાં આગામી 14 તારીખે બિહુ તહેવાર આવી રહ્યો છે અને આ તહેવારમાં મેખલા સાડીની સારી એવી માંગ રહેતી હોય છે. જીરાવાળેએ કહ્યું કે આસામના લોકોને સુરત સસ્તી સાડી આપે તો ત્યાંની સરકારને શું વાંધો છે? ત્યાંના લોકોને તો ફાયદો થાય છે ને.

 સુરત માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે જો આ રીતે બધા રાજ્યો પ્રતિબંધ મુકવા માંડશે તો ટેક્સટાઇલ ઉદ્યોગની હાલત કફોડી થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp