રસોઈયાની દીકરીના લગ્નમાં પોલીસ સ્ટાફે મામેરું ભર્યું, દુલ્હન બોલી- આટલા બધા મામા

PC: hindi.news18.com

રાજસ્થાનના કરૌલી જિલ્લાના માસલપુર પોલીસ સ્ટેશને માનવતાનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. માસલપુર પોલીસ સ્ટેશનના રસોઈયાની દીકરીના લગ્ન બે દિવસ પહેલા થયા હતા. આ લગ્નમાં મામેરું લઈને સમગ્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનના સ્ટાફે રસોઈયાની દીકરીના લગ્ન માટે 1.25 લાખથી વધુ રૂપિયા ભેગા કર્યા હતા. લગ્નમાં જ્યારે મામેરું લઈને પોલીસકર્મીઓ પહોંચ્યા ત્યારે રસોઈયો અને તેની પુત્રી સહિત સમગ્ર પરિવાર ભાવુક થઈ ગયો હતો. કરૌલીના પોલીસ અધિક્ષકે પણ પોલીસ સ્ટેશનના આ પગલા પર પીઠ થપથપાવી અને શાબાશી આપી છે.

માસલપુર પોલીસ અધિકારી પુરુષોત્તમ સિંહે જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં કામ કરતા રસોઈયા નાહર સિંહની દીકરી મંજુના લગ્ન 22 જૂનના રોજ થયા હતા. નાહર સિંહની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. જેથી કરીને માસલપુર પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓએ સ્ટાફના આર્થિક સહયોગથી લગ્નમાં મામેરું ભરવાનું નક્કી કર્યું.

માસલપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ પરસ્પર સહકારથી આશરે 1 લાખ 28 હજાર 700 રૂપિયા ભેગા કર્યા. ત્યાર પછી તે રકમમાંથી કન્યા માટે વાસણો, દાગીના, કપડાં, પલંગ, TV, ફ્રીજ અને બોક્સ ખરીદીને રોજબરોજના ઉપયોગ માટેનો સમાન ખરીદીને મામેરામાં ભેટ આપી દીધી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રસોઈયા નાહર સિંહ પોલીસ સ્ટેશનમાં બહુ ઓછા માનદ વેતન પર કામ કરે છે. નાહર સિંહની પત્નીનું લાંબા સમય પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું. નાહરસિંહને એક પુત્રી અને ચાર પુત્ર છે. ચારેય પુત્રો પણ હમણાં બેરોજગાર છે.

આવી સ્થિતિમાં, જ્યારે નાહર સિંહ તેમની પુત્રીના લગ્નને લઈને ચિંતિત હતા, ત્યારે તમામ પોલીસકર્મીઓએ તેમને સહકાર આપવાનું નક્કી કર્યું. આ માટે સમગ્ર પોલીસ સ્ટેશનના સ્ટાફે પોતાની ક્ષમતા મુજબ આગળ વધીને સહકાર આપ્યો હતો. જેના કારણે 1.25 લાખ રૂપિયાથી વધુની રકમ એકઠી થઈ હતી.

નાહર સિંહની આંખો આંસુઓથી ભરાઈ ગઈ જ્યારે તેનો તમામ પોલીસ સ્ટાફ મામેરું લઈને તેની છોકરીના લગ્નમાં આવ્યા. પરિવારજનોએ તિલક લગાવીને તમામ પોલીસકર્મીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યાર પછી દુલ્હન બનેલી બેટીને અને રસોઈયા નાહર સિંહને મામેરાની ભેટ આપવામાં આવી હતી.

લગ્નમાં પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ જોઈને રસોઈયા નાહર સિંહની ખુશીનો પાર ન રહ્યો. પોલીસકર્મીઓની આ પહેલ પર પોલીસ અધિક્ષક મમતા ગુપ્તાએ પણ તેમની પીઠ થપથપાવીને અભિનંદન પાઠવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp