
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કર્યા બાદ તેની અસર દેખાવા લાગી છે. શનિવારે ગાઝિયાબાદના મોદીનગરના રાજ ચોપલામાં 2000 રૂપિયાની નોટને લઈને ઓટો ડ્રાઈવર અને મુસાફર વચ્ચે જોરદાર મારપીટ થઇ ગઈ હતી. લોકોએ કોઈક રીતે બંનેને સમજાવીને શાંત પાડ્યા હતા. આ પછી પણ ઓટો ડ્રાઈવરે 2000ની નોટ લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
મેરઠના પરતાપુરના રહેવાસી અર્જેશ કુમાર શનિવારે સવારે 10 વાગ્યે ઓટોમાં બેસીને રાજ ચૌપલ પર ઉતર્યા હતા. ઓટોમાંથી નીચે ઉતર્યા બાદ યુવકે ઓટો ચાલકને ભાડું કાપવા માટે બે હજાર રૂપિયાની નોટ આપી હતી, પરંતુ ઓટો ચાલકે 2000ની નોટ બંધ હોવાનું કહીને લેવાની ના પાડી દીધી હતી. આ બાબતને લઈને તેમની વચ્ચે ઘણા સમય સુધી ઉગ્ર દલીલો થઈ હતી, પરંતુ મામલો થાળે પડ્યો ન હતો. લાંબી અને ઉગ્ર દલીલબાજી પછી ઓટો ચાલકે મુસાફરને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ પછી ત્યાં એકઠી થયેલી ભીડમાંથી કેટલાક લોકોએ બંનેને સમજાવીને શાંત પાડ્યા હતા. આ પછી યુવકે ઓટો ડ્રાઈવરને ભાડાના ખુલ્લા પૈસા આપ્યા હતા.
બીજી તરફ ગાઝિયાબાદના તુરાબનગરમાં શનિવારે મહિલા ગ્રાહક સાથે ઘણી દલીલબાજી બાદ દુકાનદારે 2000ની નોટ લીધી હતી. શાસ્ત્રીનગરમાં રહેતી અંજુએ બપોરે 1.15 વાગ્યે તુરાબનગર માર્કેટમાં આવેલી દુકાનમાંથી સામાન ખરીદ્યો હતો. સામાન ખરીદીની ચુકવણી કરતી વખતે અંજુએ દુકાનદારને 2000 રૂપિયાની નોટ આપી. દુકાનદારે તેને કહ્યું કે, આ નોટ પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેને જમા કરાવવા માટે બેંકની બહાર લાઇન લગાવવી પડશે. આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઘણું સમજાવ્યા પછી દુકાનદાર 2000ની નોટ લેવા તૈયાર થયો હતો.
આ સાથે શનિવારે મુરાદનગરમાં પણ મેડિકલ સ્ટોરમાં દવા ખરીદવા ગયેલી યુવતી પાસેથી સ્ટોર માલિકે રૂ. 2000ની નોટ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ઘણું કહ્યા પછી મેડિકલ સ્ટોર સંચાલક તે નોટ લેવા તૈયાર થયો હતો.
અહીં તમને બતાવી દઈએ કે, RBIએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, સપ્ટેમ્બર 2023 પછી રૂ. 2,000ની નોટને ચલણમાંથી તબક્કાવાર બહાર કરી દેવામાં આવશે. આ મૂલ્યની નોટો 23 મેથી બેંકોમાં બદલી શકાશે. RBIએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટો કાનૂની રીતે ભારતીય ચલણ તરીકે ચાલુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp