બાંગ્લાદેશના PM શેખ હસીનાએ ભારતમાં જાણો કોને મોકલી 30 મણ કેરી

PC: jantaserishta.com

બાંગ્લાદેશના PM શેખ હસીનાએ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીને 600 કિલો એટલે કે 30 મણ કેરી મોકલી છે. સોમવારે અધિકારીઓએ આ માહિતી આપી હતી. બાંગ્લાદેશના કોલકાતા સ્થિત ડેપ્યુટી હાઈ કમિશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજદ્વારી પ્રયાસોને ધ્યાનમાં રાખીને શેખ હસીનાએ CM મમતા બેનર્જીને હિમસાગર કેરી અને લંગડો કેરી ભેટમાં આપી છે.

CM મમતા બેનર્જી ઉપરાંત PM શેખ હસીનાએ ભારતના પૂર્વોત્તર રાજ્યોના તમામ CMને પણ કેરીઓ મોકલી છે. આ તમામ રાજ્યોની સરહદો બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ગયા વર્ષે પણ શેખ હસીનાએ PM નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામના CMને કેરી ભેટમાં આપી હતી.

એક ન્યૂઝ પેપરમાં છપાયેલા અહેવાલ મુજબ બાંગ્લાદેશના PM શેખ હસીનાએ ગયા વર્ષે જુલાઈ મહિનામાં આસામના CM હિમંતા બિસ્વા સરમાને આમ્રપાલી કેરી મોકલી હતી. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત એક અહેવાલ મુજબ, વર્ષ 2021માં પણ PM શેખ હસીનાએ PM નરેન્દ્ર મોદી અને CM મમતા બેનર્જીને કેરીઓ મોકલી હતી. ત્યારે PM શેખ હસીનાએ આ બંને નેતાઓને 2600 કિલો કેરી મોકલી હતી. 2021માં PM શેખ હસીનાએ PM નરેન્દ્ર મોદી અને CM મમતા બેનર્જીને હરિભંગા કેરીના 260 બોક્સ મોકલ્યા હતા. બાંગ્લાદેશના રંગપુરમાં હરિભંગા કેરી ઉગાડવામાં આવે છે.

બાંગ્લાદેશ ત્રણ દિશાઓથી ભારતથી ઘેરાયેલું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4096 કિલોમીટર લાંબી સરહદ છે. ભારતના પ્રયાસોના કારણે જ બાંગ્લાદેશ પાકિસ્તાનથી આઝાદી મેળવી શક્યું હતું અને ભારત વિશ્વનો પહેલો દેશ છે જેણે બાંગ્લાદેશને સ્વતંત્ર દેશ તરીકે પ્રથમવાર માન્યતા આપી હતી.

PM શેખ હસીના અને PM નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. બાંગ્લાદેશ ભારતનો 6મો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. 2011થી જ ભારતે સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા (SAFTA) હેઠળ તમાકુ અને આલ્કોહોલ સિવાયની તમામ ટેરિફ લાઇન પર બાંગ્લાદેશને ડ્યુટી-ફ્રી ક્વોટા-ફ્રી ઍક્સેસ પ્રદાન કરી છે.

તિસ્તા નદીના પાણીનો વિવાદ: તિસ્તા નદી ભારતમાંથી નીકળે છે અને બાંગ્લાદેશ થઈને બંગાળની ખાડીમાં પડે છે. પશ્ચિમ બંગાળના લગભગ અડધો ડઝન જિલ્લાઓ આ નદીના પાણી પર નિર્ભર છે. આ નદી બાંગ્લાદેશના રંગપુરમાં ડાંગર માટે સિંચાઈનો મુખ્ય સ્ત્રોત પણ છે. બાંગ્લાદેશનું કહેવું છે કે, તેને નદીના પાણીનો યોગ્ય હિસ્સો નથી મળતો. નદીનું પાણી ભારતમાં રાજ્યનો વિષય છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર આ વિષય પર એકમત નથી. આ સિવાય બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઘુષણખોરી પણ એક મોટી સમસ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp