ધારાસભ્યના દિયરની કારે મારી ટક્કર, 100 ફૂટ દૂર જઈ પડ્યો એન્જિનિયર,પત્ની સહિત મોત

દેશના કોયલાની રાજધાની કહેવાતા ઝારખંડના ધનબાદમાં હિટ એન્ડ રનની એક મોટી ઘટના સામે આવી છે. ઘટનામાં એક રાજનૈતિક પકડ ધરાવતી ફોર્ચ્યૂનર કારની ઝપેટમાં આવીને BCCLમાં કાર્યરત એન્જિનિયરનું મોત થઈ ગયું. આ અકસ્માતમાં દંપત્તિનો દીકરો પણ ઇજાગ્રસ્ત થયો છે. તેની સારવાર કોલકાતાની એક મોટી હોસ્પિટલમાં ચાલી રહી છે. બાળકની સ્થિતિ પણ નાજુક બતાવવામાં આવી રહી છે. આ ઘટના શુક્રવારે રાત્રે 11-12 વાગ્યે ધનબાદ પોલીસ સ્ટેશનના ધૈયા વિસ્તારમાં થઈ.
BCCLના સર્વેયરના પદ પર કાર્યરત રાણા દાસ અને તેની પત્ની માનસી દાસનું કાર અકસ્માતમાં મોત થઈ ગયું. રાણાના ભાઇનું કહેવું છે કે, રાણા પોતાના દીકરા ઋષભ દાસને દેખાડવા ડૉક્ટર પાસે ગયો હતો. તેની પત્ની પણ સાથે ગઈ હતી. દીકરાને દેખાડ્યા બાદ રાણા બાઇકથી પત્ની અને દીકરાને લઈને ઘરે પાછો આવી રહ્યો હતો. રસ્તામાં 2 ફોર્ચ્યૂનર કારના ચાલક એક-બીજા સાથે રેસ લગાવી રહ્યા હતા. ફોર્ચ્યૂનર કાર (JH 10 CF 0045) પુરપાટ ઝડપે હતી. કારે ભાઈની બાઇકને જોરદાર ટક્કર મારી દીધી, જેના કારણે ભાઈ અને તેની પત્ની ઘણા ફૂટ દૂર સુધી હવામાં ઊછળી ગયા.
ભાઈ રાણા દાસનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું, તો માનસીને સારવાર માટે SNMMCH લઈ જવામાં આવી હતી. પછી ત્યાંથી દૂર હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવી હતી. રસ્તામાં જ માનસીનું મોત થઈ ગયું. આ અકસ્માતમાં ભાઇનો દીકરો ઋષભ દાસ પણ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો છે. તેની કોલકાતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાણા દાસના ભાઇનું કહેવું છે કે, જે કારે ભાઈની બાઇકને ટક્કર મારી તે ઝરિયાના ધારાસભ્ય પૂર્ણિમા નીરજ સિંહનો દિયર હર્ષ સિંહના નામથી રજિસ્ટર્ડ કંપની M/S સિંહ નેચરલ એન્ડ PVT LTDની છે. આ ઘટના બાદ પીડિત પરિવારને મળવા માટે ભાજપના નેતા રાગિણી સિંહ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
તેમણે પરિવારને સાંત્વના આપી. તો BCCL અધિકારીઓએ રાણા દાસના દીકરાની સારવાર માટે દરેક સંભવિત મદદની વાત કહી છે. સામે આવ્યું છે કે આ કેસમાં અત્યાર સુધી કેસ પણ નોંધવામાં આવ્યો નથી. ક્ષતિગ્રસ્ત કારને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. વર્ષ 2019માં ઝારખંડમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં ઝરિયા વિધાનસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર લડતા નીરજ સિંહે ભાજપના ઉમેદવાર રાગિની સિંહને હરાવ્યા હતા. કોયલાંચલની સૌથી હોટ સીટમાં ઝરિયા વિધાનસભા સીટ પર મેન્શન પરિવાર વર્સિસ રઘુકુળ પરિવાર વચ્ચે રાજકીય વર્ચસ્વ રહ્યું.
વર્ષ 2014માં આ સીટથી ભાજપની ટિકિટ પર સંજીવ સિંહ અને કોંગ્રેસની ટિકિટ પર નીરજ સિંહે ચૂંટણી લડી હતી, જેમાં નીરજ સિંહને હાર મળી હતી. ત્યારબાદ વર્ષ 2017ના રોજ નીરજ સિંહની હત્યા થઈ ગઈ. આ હત્યાના આરોપમાં સંજીવ સિંહ હાલમાં જેલમાં છે. જેના કારણે ભાજપે સંજીવ સિંહની પત્ની રગિનીને ઉતારી હતી અને તેની સામે કોગ્રેસે નીરજ સિંહની પત્ની પૂર્ણિમા સિંહને ઉતારી હતી. આ ચૂંટણીમાં પૂર્ણિમા સિંહની જીત થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp