મંદિર તોડતા પહેલા ADCPએ ભગવાનની આરતી ઉતારી, પછી મંદિર-મઝાર પર બુલડોઝર ચલાવ્યું

PC: tv9hindi.com

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં મંદિરને હટાવતા પહેલા એડિશનલ DCP સુબોધ ગોસ્વામીએ પોતે પૂજા-અર્ચના અને આરતી કરી હતી. ત્યારપછી ભગવાનની મૂર્તિઓને પુરા સન્માનની સાથે હટાવવામાં આવી હતી. ત્યાર પછી મંદિરને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

જાહેર બાંધકામ વિભાગ (PWD)એ રવિવારે સવારે ઉત્તર પૂર્વ દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં એક હનુમાન મંદિર અને મજારને દૂર કરવા માટે અતિક્રમણ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે કેન્દ્રીય દળોની પણ હાજરી હતી. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી પણ સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી.

આ વિસ્તારમાં PWDનો ડબલ ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. તેની ઉપર મેટ્રો રૂટ અને નીચે રોડ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ રોડની વચ્ચોવચ એક મજાર અને બાજુમાં હનુમાન મંદિર હોવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સતત સર્જાઈ રહી હતી. લાંબા સમયથી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી.

સીલમપુરના SDM શરત કુમારે કહ્યું કે, આ એક PWD રોડ છે અને સંબંધિત લોકોને જાતે જ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેઓએ તેને હટાવ્યું ન હતું, તેથી તેને આજે હટાવી દેવામાં આવ્યું હતું.

હવે આ ઘટનાને લઈને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર V.K. સક્સેનાને ઘેર્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા આતિશીએ લખ્યું છે કે, 'LG સાહેબ, મેં તમને થોડા દિવસો પહેલા એક પત્ર લખીને વિનંતી કરી હતી કે, તમે દિલ્હીમાં મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો તમારો નિર્ણય પાછો લો. પરંતુ આજે ફરી તમારા આદેશ પર ભજનપુરામાં એક મંદિર તોડી પાડવામાં આવ્યું છે. હું તમને ફરીથી વિનંતી કરું છું કે, દિલ્હીમાં મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોને તોડવામાં ન આવે. તેમની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે.'

જ્યારે, એડિશનલ DCPએ જણાવ્યું કે, રોડને પહોળો કરવા માટે સમાધિ અને મંદિરને શાંતિપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યા છે. આસ્થા સાથે જોડાયેલો મામલો હોવાથી લોકોમાં આ અંગે ચોક્કસ થોડો રોષ હતો, પરંતુ વિકાસના કામોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે, અને તે અંગે નારાજ લોકોને સમજાવવામાં આવ્યા હતા. ત્યારપછી તેમણે પોતે ધાર્મિક સ્થળ પરથી મૂર્તિઓ હટાવવામાં મદદ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ મોટી સમસ્યા થઈ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp