ઓનલાઇન ગેમિંગની જાહેરાત કરતા 'અજય દેવગન માટે ભીખ માગો'ના પોસ્ટર, વીડિયો વાયરલ

PC: amarujala.com

નાસિકમાં એક વ્યક્તિએ અજય દેવગન સામે અનોખો વિરોધ શરૂ કર્યો છે. આ વ્યક્તિ સ્કૂટી પર બેસીને 'અજય દેવગન માટે ભીખ માંગવાનું આંદોલન' ચલાવી રહ્યો છે. આ વ્યક્તિ અભિનેતાની ઓનલાઈન ગેમિંગને પ્રમોટ કરતી જાહેરાતથી નારાજ છે. ભીખમાં મળેલા પૈસા ભેગા કરીને તે પૈસા અભિનેતાને મોકલવાની તૈયારી કરી રહ્યો છે.

સિનેમાની દુનિયાના સિતારાઓની ચમક તેમના ચાહકોને કારણે જ છે. આ એવા પ્રશંસકો છે, જેઓ કોઈને રાતોરાત સ્ટાર બનાવી દે છે અને ગુસ્સો આવે ત્યારે એક જ ક્ષણમાં તેને જમીન પર ફેંકી દે છે. કલાકારો પ્રત્યે ચાહકોની નારાજગી નવી નથી. ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે કલાકારોની જાહેરાતો પર ચાહકોની નારાજગી જોઈ છે. અક્ષય કુમાર જેવા સ્ટારને પણ તમાકુની બ્રાન્ડને સમર્થન આપવાનું પરિણામ ભોગવવું પડ્યું છે. હવે અજય દેવગન સામે અનોખો વિરોધ થઈ રહ્યો છે. નાસિકમાં, એક વ્યક્તિ સ્કૂટી પર બોલિવૂડના 'સિંઘમ' વિરુદ્ધ પ્રચાર કરતો જોવા મળ્યો હતો. આ પ્રશંસકે 'અજય દેવગન માટે ભીખ માંગો' નામથી આ વિરોધ શરૂ કર્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટ્વિટર પર સામે આવેલો આ વીડિયો નાશિકનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં સ્કૂટી પર બેઠેલો એક વ્યક્તિ રસ્તા પર અજય દેવગણ માટે ભીખ માંગતો જોવા મળે છે. આ વ્યક્તિ ઓનલાઈન ગેમિંગના પ્રચાર માટે અજય દેવગનથી નારાજ છે. તે કહે છે કે, અભિનેતાને માત્ર પૈસાની જ જો સખત જરૂર હોય, તો તે ભીખ માંગીને પૈસા એકત્રિત કરશે અને અભિનેતાને મોકલશે. આ અનોખા વિરોધ માટે તેણે સ્કૂટી પર સ્પીકર્સ અને પ્લેકાર્ડ લગાવ્યા છે, જેના પર લખેલું છે, 'અજય દેવગન માટે ભીખ માંગીએ છીએ!'

'મુંબઈ ન્યૂઝ' નામના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલા 1 મિનિટના આ વીડિયોમાં તે વ્યક્તિ લાઉડ સ્પીકર પર કહી રહ્યો છે, 'હું ઓનલાઈન ગેમિંગ અને તેની જાહેરાતોનો વિરોધ કરું છું. ભગવાનની કૃપાથી આ સેલેબ્સ પાસે ઘણું બધું છે અને છતાં તેઓ ઓનલાઈન ગેમિંગને પ્રોત્સાહન આપવા માંગે છે જેની યુવાનો પર ખરાબ અસર પડે છે.'

વીડિયોમાં આ વ્યક્તિ આગળ કહે છે કે, 'મેં નક્કી કર્યું છે કે, હું આ 'ભીખ માંગો આંદોલન'ને ચલાવીશ. પૈસા ભેગા કરવા માટે રસ્તાઓ પર અને શેરીઓમાં ભીખ માંગીશ. હું આ જમા રકમ અજય દેવગનને મોકલીશ અને તેને વિનંતી કરીશ કે, તે આવી જાહેરાતોનો ભાગ ન બને. જો તેને વધુ પૈસાની જરૂર પડશે તો હું તેને ફરીથી આ રીતે ભીખ માંગીને પૈસા મોકલીશ. પરંતુ કૃપા કરીને આવી જાહેરાતોનો પ્રચાર કરશો નહીં. ગાંધીગીરી કરીને હું તેમને આ વિનંતી કરી રહ્યો છું.'

આ વીડિયોને શેર કરતા 'મુંબઈ ન્યૂઝ'ના ઓફિશિયલ હેન્ડલ પર કેપ્શનમાં લખ્યું છે કે, 'નાસિકનો આ અજાણ્યો વ્યક્તિ એક્ટર અજય દેવગન દ્વારા ઓનલાઈન ગેમિંગ એડને પ્રમોટ કરવા પર એટલો ગુસ્સે છે કે તે તેમના માટે ભીખ માંગી રહ્યો છે.' સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું છે કે, 'બિલકુલ સાચો રસ્તો છે..., માત્ર અજય દેવગન જ નહીં, મેં કેટલીક અન્ય સેલિબ્રિટીઓને પણ આવું કરતા જોયા છે. પણ હા, કેટલાક કારણોસર અજય દેવગનને ગુટખા, જુગાર વગેરે જેવી બધી ખરાબ આદતોની જાહેરાતોમાં દેખાવાનો શોખ છે.'

અન્ય યુઝરે લખ્યું છે કે, 'સારી પહેલ. સલામ સરજી, કમસે કમ તમે સમાજના ભલા માટે એક ડગલું આગળ તો વધ્યા છો.' ત્રીજા યુઝરે લખ્યું, 'તમારી વાત મૂકવાની આ કેટલી સરસ રીત... આ વ્યક્તિને અભિનંદન.' ચોથા યુઝરે લખ્યું છે કે, 'ભાઉ તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે! હું પણ આ શ્રીમંત ભિખારીઓને થોડી ભીખ આપવા માંગુ છું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp