ભિખારી મિત્રએ કરાવ્યા લગ્ન, 3 અઠવાડિયામાં લૂંટેરી દુલ્હને ભિખારી બનાવી દીધો

PC: msn.com

એક ભિખારી મિત્રએ 40 વર્ષીય યુવકને એક લાખ રૂપિયામાં ધામધૂમથી પરણાવી દીધો. પરંતુ 1 મહિનો પસાર થાય તે પહેલા જ વરરાજાને કંગાળ બનાવીને દુલ્હન ભાગી ગઈ હતી. દુલ્હનની શોધખોળ કર્યા બાદ પણ તેનો કોઈ પત્તો ન લાગતાં આખરે છેતરાયેલો વરરાજો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. અને તેની સાથે થયેલી છેતરપિંડી માટે FIR નોંધાવી છે.

આ મામલો બુંદેલખંડના સાગર જિલ્લાના રાહતગઢનો છે. રાહતગઢથી લગભગ 12 Km દૂર આવેલા ખેજરા માફી ગામમાં 40 વર્ષીય હરદયાલ રાય લગ્ન ન થવાથી ચિંતિત હતા. 1 વર્ષ પહેલા, તેને ગુના જિલ્લાના રહેવાસી ભિખારી રાકેશ સપેરા મળ્યો, જેની સાથે તેણે મિત્રતા કરી અને લગ્ન માટે છોકરીને બતાવવાનું વચન આપ્યું.

એક દિવસ રાકેશ હરદયાલને મળ્યો અને તેને કહ્યું કે, તેની સાથે એક છોકરીના લગ્ન થઈ શકે છે પરંતુ તેના માટે પૈસા ખર્ચ થશે કારણ કે તે ખૂબ જ ગરીબ છે. એક લાખ રૂપિયા માટે હા કહ્યા બાદ યુવતી અને તેના પરિવારના સભ્યોને વિદિશા જિલ્લામાં સ્થિત એક ઢાબા પર બોલાવવામાં આવ્યા હતા. 30 વર્ષની પ્રીતિએ લગ્ન માટે હા પાડી દીધી.

બીજા દિવસે અડધા પૈસા ચૂકવ્યા બાદ તેને રાહતગઢ લઇ આવવામાં આવી હતી. જ્યાં વેલેન્ટાઈન ડેના દિવસે નરસિંહ દેવ મંદિરમાં હરદયાલ અને પ્રીતિના લગ્ન થયા હતા. ઘરે પધરામણી કરાવ્યા પછી સ્નેહમિલન ભોજન કરાવવામાં આવ્યું, બેન્ડ-વાજા વગાડવામાં આવ્યા, વરમાળા પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. 22 દિવસ સુધી બધું સમુંસુતરું ચાલ્યા કર્યું. ત્યારબાદ 4 માર્ચની રાત્રે હરદયાલ અને પ્રીતિ TV જોઈને સાથે સૂઈ ગયા હતા.

સવારે હરદયાલની આંખ ખુલી ત્યારે તે બેડ પર એકલો હતો. તેણે પ્રીતિને ઘરમાં જોઈ પણ તે મળી ન હતી. મોહલ્લામાં શોધી પણ ન મળતાં તે ગભરાઈ ગયો હતો. તે તેના ઘરે પાછો પહોંચ્યો અને અલમારીમાં રાખેલા દાગીના જોયા તો તે ગાયબ હતા, તેના બંને મોબાઈલ પણ ગાયબ હતા.

બાઇક ચાલુ કરીને હરદયાલ પહેલા દલાલ રાકેશ સપેરાના ઘરે પહોંચ્યો, તે તેના ઘરે નહોતો. આ પછી, તે દુલ્હનના સરનામા પર પહોંચ્યો, જે તેને કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પણ પ્રીતિ મળી ન હતી. આ પછી પ્રીતિના પરિવારજનોનું સરનામું પણ ખોટું નીકળ્યું. 3 દિવસ સુધી રાયસેન, વિદિશા, ભોપાલ, ગુના અને સાગરમાં શોધ કર્યા પછી, જ્યારે પ્રીતિ ક્યાંય ન મળી, ત્યારે તે રાહતગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે કલમ 406, 420 અને 34 હેઠળ કેસ નોંધ્યો છે.

આ અંગે સ્ટેશન ઈન્ચાર્જ આનંદ રાજનું કહેવું છે કે, એક વ્યક્તિ દ્વારા અરજી આપવામાં આવી હતી, જેના પર કેસ નોંધીને દાગીના લઈને ભાગી ગયેલી દુલ્હનને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp