મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, CBI ચાર્જશીટમાં પહેલીવાર આવ્યું નામ
દારૂ નીતિ ઘોટાળા મામલામાં CBI એ મંગળવારે રોઉજ એવન્યૂ કોર્ટમાં પૂરક આરોપ પત્ર દાખલ કર્યો, જેમા પહેલીવાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આરોપ પત્રમાં બુચી બાબુ, અમનદીપ સિંહ ઢલ અને અર્જુન પાંડે વિરુદ્ધ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટ પર ધ્યાન આપવા માટે કોર્ટે 12 મેની સવારે સાડા 10 વાગ્યોનો સમય નક્કી કર્યો છે.
CBI દારૂ નીતિમાં થયેલી કથિત અનિયમિતતાને લઈને તપાસ કરી રહી છે, તેને લઈને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યૂટી CM સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. ED પણ આબકારી નીતિ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ મામલાને લઇને સિસોદિયાની પૂછપરછ કરતા દાવો કરી રહી છે કે, આબકારી નીતિમાં થયેલા ભ્રષ્ટાચારમાં સિસોદિયા જ મુખ્ય ષડયંત્ર રચનાર છે. આરોપ છે કે, દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિમાં દારૂ કારોબારીઓને લાયસન્સ આપવા માટે કેટલાક ડીલરોને ફાયદો પહોંચાડવામાં આવ્યો. જેમણે કથિતરીતે તેના માટે લાંચ પણ આપી હતી. આ નીતિ બાદમાં રદ્દ કરી દેવામાં આવી હતી.
આ પહેલા, 17 એપ્રિલે રાષ્ટ્રીય રાજધાનીની એક વિશેષ કોર્ટે કથિત આબકારી ઘોટાળામાં કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) અને પ્રવર્તન નિદેશાલય (ED) તરફથી દાખલ ક્રમશઃ ભ્રષ્ટાચાર અને ધનશોધન મામલાઓમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી અવધિ વધારી દીધી હતી. બંને મામલાઓમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડીની અવધિ સમાપ્ત થવા પર તેમને વિશેષ જજ એમ. કે. નાગપાલ સમક્ષ હાજર કરવામાં આવ્યા. ત્યારબાદ કોર્ટે CBI મામલામાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 27 એપ્રિલ સુધી અને ED મામલામાં 29 એપ્રિલ સુધી વધારી દીધી હતી.
વિશેષ કોર્ટે ભ્રષ્ટાચારના મામલામાં મનીષ સિસોદિયાની જામીન અરજી 31 માર્ચે એવુ કહીને રદ્દ કરી દીધી હતી કે પૂર્વ ઉપમુખ્યમંત્રી આશરે 90થી 100 કરોડ રૂપિયાની કથિત દલાલીની અગ્રિમ ચૂકવણીના આપરાધિક ષડયંત્રના પ્રથમ દ્રષ્ટા શિલ્પકાર હતા. કોર્ટે કહ્યું હતું કે, એવા સમયમાં વરિષ્ઠ આપ નેતાને છોડવાના મામલામાં ચાલી રહેલી તપાસ ખરાબરીતે પ્રભાવિત થશે.
ઉપરાજ્યપાલ અને દિલ્હીના CMને સોંપવામાં આવેલા રિપોર્ટ અનુસાર, મનીષ સિસોદિયાએ ઉપરાજ્યપાલની મંજૂરી વિના દારૂ નીતિમાં બદલાવ કર્યો. સરકારે કોરોના મહામારીના નામ પર 144.36 કરોડ રૂપિયાની ટેન્ડર લાયસન્સ ફી માફ કરી દીધી. આરોપ છે કે, તેનાથી દારૂના વ્યવસાયીઓને ફાયદો થયો. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેનાથી મળેલા કમિશનનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp