
હિમાચલમાં ટુ વ્હીલરની ખાસ નંબર પ્લેટ માટે 1 કરોડથી વધુની બોલી લગાવવાની ચોંકાવનારી હકીકત સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે. માહિતી મળ્યા બાદ રાજ્યના CM સુખવિંદર સિંહ સુખુએ જાતે જ સમગ્ર હરાજી પ્રક્રિયાની માહિતી માંગી છે. CM સુખુએ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચેતના ખંડવાલ અને ટ્રાન્સપોર્ટ ડિરેક્ટર અનુપમ કશ્યપ પાસેથી હરાજીની વિગતો માંગી છે.
વાસ્તવમાં, હિમાચલ પ્રદેશમાં ખાસ નંબર પ્લેટ માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હેઠળ બોલી લગાવવામાં આવી રહી છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે ખાસ નંબર પ્લેટ માટે બિડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. ગુરુવારે, પરિવહન વિભાગે જણાવ્યું હતું કે, ટુ-વ્હીલરના વિશેષ નંબર HP 99-9999 માટે 1 કરોડ 12 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. ત્યારથી આ નંબર પ્લેટની બોલીને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. પરિવહન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે, બિડની ઓછામાં ઓછી કિંમત રૂ. 1,000 રાખવામાં આવી છે. આ ચોક્કસ નંબર માટે ઈ-ઓક્શન પ્રક્રિયામાં કુલ 26 લોકોએ ભાગ લીધો છે. તમને જણાવી દઈએ કે, આ નંબર સિવાય અન્ય ઘણા ખાસ નંબરો માટે ઓનલાઈન બિડિંગમાં રકમ લાખોમાં પહોંચી ગઈ છે. આજે બિડિંગનો છેલ્લો દિવસ છે, આવતીકાલે એટલે કે 18 ફેબ્રુઆરીએ હરાજીની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવશે અને આ નંબર સૌથી વધુ બોલી લગાવનારના નામે આરક્ષિત કરવામાં આવશે.
HP 99 એ હિમાચલ પ્રદેશના કોટખાઈ સબ ડિવિઝનનો RTO નંબર છે. એટલા માટે ટુ વ્હીલરનો નંબર HP 99-9999 બની રહ્યો છે. કોટખાઈના SDM ચેતના ખંડવાલે કહ્યું કે, ઈ-ઓક્શન પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે અને દરેકને તક આપવામાં આવી છે. જ્યાંરે, પરિવહન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આજે સાંજ સુધીમાં બિડના ભાવમાં વધારો થઈ શકે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોટ એકદમ સાચા છે.
RLA Kotkhai (Himachal) : स्कूटी के लिए फैंसी नंबर (HP999999) की बिड (बोली) 1 करोड़ 12 लाख 15 हज़ार पांच सो रुपये ( INR 11215500.00) पहुंची pic.twitter.com/Rb3gctf4f4
— Being Himachali (@BeingHimachali) February 16, 2023
સોશિયલ મીડિયા પર યુઝર્સે એવી આશંકા વ્યક્ત કરી છે કે, આ બિડમાં અન્ય સામાન્ય લોકોને ભાગ લેતા અટકાવવા માટે એક સુનિયોજિત કાવતરું છે. ટોળકી તરફથી આટલી મોટી રકમની બોલી લગાવવામાં આવી છે. વાસ્તવમાં એવું પણ બને કે, એક જ ગેંગના 2 કે ઘણા લોકોએ અલગ-અલગ બિડ કરી હોય અને અંતે પેમેન્ટના નામે બાકીના બધા પીછેહઠ કરે અને સૌથી ઓછી બોલી લગાવનારના નામ પર નંબર પ્લેટ રિઝર્વ કરે.
જ્યારે, આ સમગ્ર કારનામામાં કેટલાક યુઝર્સે આવકવેરા વિભાગ અને તપાસ એજન્સીઓને ઉલ્લેખીને કહ્યું છે કે, આ રીતે પૈસા આમ-તેમ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. CM સુખુએ આ મામલે સંપૂર્ણ માહિતી માંગી છે. અત્યાર સુધી વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, સમગ્ર પ્રક્રિયા પારદર્શક છે અને દરેકને તક આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp