શિવ બનનારને અસલી સાપે ડંખ માર્યો, મંડળીવાળા શબ મુકીને ભાગી ગયા

PC: aajtak.in

બિહારમાં બહુરૂપિયા બનેલા એક યુવકને અસલી સાપે ડંખ મારતા તેનું મોત થયું છે.  ઘણી વખત યુવાનો બહુરૂપિયા બનીને હનુમાન દાદા કે શિવ ભગવાનનું રૂપ ધારણ કરીને ફરતા હોય છે અને તેમની આજીવિકા રળતા હોય છે. બિહારમાં શિવ બનેલા યુવકે ગળામાં સાપ લટકાવેલો હતો, જેવી મદારીની બીન વાગી કે  ગળામાં રહેલા અસલી સાપે નકલી શિવને ડંખ મારી દીધો હતો.

બિહારના મધેપુરા જિલ્લાના મુરલીગંજ દુર્ગા સ્થાન મંદિર પરિસરમાં બુધવારે રાત્રે અષ્ટયામ દરમિયાન ભગવાન શિવનો વેશ ધારણ કરેલા વ્યકિતને તેના ગળામાં લટકી રહેલા ઝેરી સાપે ડંખ માર્યો હતો જેને કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઉંમર માત્ર 30 વર્ષની હતી. બનાવને પગલે મૃતક યુવકના પરિવારમાં શોકનો માહોલ છે.

હકિકતમાં, અષ્ટયમ પર મુરલીગંજ દુર્ગા મંદિર પરિસરમાં કીર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન બાબા ભોલેનાથ બનેલા યુવકના ગળામાં એક ઝેરી સાપ લટકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભજનકીર્તન ચાલી રહ્યું હતું અને ડાન્સ કરનારી ટોળી ડાન્સ કરી રહી હતી. આ દરમિયાન શિવ બનેલા 30 વર્ષના મુકેશ કુમારને સાપે ડંખ મારી દીધો હતો.

ભજન-મંડળીના લોકોએ મુકેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાને બદલે સાપના ઝેરમાંથી મુક્તિ અપાવવા માટે ઝેર ઉતારનાર ભૂવા પાસે લઇ ગયા હતા. સારવારમાં વિલંબ થતાં મુકેશની તબિયત લથડવા લાગી હતી. ત્યારબાદ તેને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મુરલીગંજ લઈ જવામાં આવ્યો. મુકેશની હાલત જોઈને ડોક્ટરે તેને મધેપુરા મેડિકલ કોલેજમાં રીફર કર્યો, પરંતુ મુકેશનું રસ્તામાં જ મોત થઈ ગયું હતુ.

મુકેશના મોતથી ગભરાઈ ગયેલી ભજન મંડળીના લોકો પાછા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મુરલીગંજ પહોંચ્યા અને ત્યાં તેનો મૃતદેહ મૂકીને ભાગી ગયા. જ્યારે ડૉ.લાલ બહાદુરે જોયું કે યુવકનો મૃતદેહ ત્યાં પડ્યો હતો, ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને મર્ચુરી રૂમમાં રાખવામાં આવ્યો છે અને મૃતકના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવી છે.

આ મામલાની માહિતી આપતા અવર ઈન્સપેક્ટર પીસી પાસવાનનું કહેવું છે કે મૃત્યુ પામનાર યુવક કુમારખંડ પોલીસ સ્ટેશન વિસ્તારના ખુર્દા ગામનો રહેવાસી હતો અને ભજન મંડળીમાં કામ કરતો હતો. સાપ કરડવાથી તેનું મોત થયું હતું. કેસ નોંધવામાં આવ્યો છે. તેની ભજન મંડળીના લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp