Video: દારૂબંધીવાળા બિહારમાં એક જ દિવસમાં 2 જગ્યાએ દારૂની લૂંટ, બોટલો લઇ ભાગ્યા

PC: indiatoday.com

બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે સંપૂર્ણ રીતે દારૂબંધી લાગૂ કરી છે. તેમ છતાં દારૂ પીનારાઓની સંખ્યા ઘટી નથી. બિહારમાં દારૂની સ્મગલિંગ વધી ગઇ છે. હાલમાં જ રાજ્યમાં એક જ દિવસમાં બે વાર બિહારના રસ્તાઓ પર કારમાંથી દારૂની બોટલોની પેટીઓની લૂંટનો નજારો જોવા મળ્યો હતો.

પહેલા સવારના સમયમાં સીવાન જિલ્લામાં દારૂની લૂંટ જોવા મળી તો સાંજે ગયા જિલ્લામાં આવો નજારો જોવા મળ્યો. અકસ્માતનો શિકાર થયેલી કારમાં સવાર લોકો તેને છોડી ફરાર થઇ ગયા. ત્યાર પછી કારમાં રહેલી દારૂની બોટલોને લોકો લૂંટવા લાગ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

NH-99 પર બની આ ઘટના

ગયા જિલ્લાના ડોભી-ચતરા નેશનલ હાઈવે-99 પર સોમવારે સાંજે એક કારનો અકસ્માત થયો. અકસ્માત થતાં જ આસપાસના લોકો કારની પાસે દોડ્યા. બધા લોકો ત્યારે હેરાન થઇ ગયા જ્યારે કારમાં સવાર ઈજાગ્રસ્ત લોકો નીચે ઉતરતા જ ત્યાંથી ભાગવા લાગ્યા. લોકોને શંકા ગઇ અને તેમણે કારની તપાસ કરી તો તેમાંથી વિદેશી દારૂની બોટલોની પેટીઓ જોવા મળી. એ જોતા જ લોકોએ દારૂને લૂંટી ભાગવાનું શરૂ કરી દીધું. પોલીસના ત્યાં પહોંચવા સુધીમાં તો લોકો દારૂની બોટલો લઇ ફરાર થઇ ગયા હતા. દારૂની આ લૂંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

પોલીસ અધિકારી સૌરવ કુમારે જણાવ્યું કે, અકસ્માતનો ભોગ બનેલી કાર અને તેમાં રાખવામાં આવેલી દારૂની બોટલો જપ્ત કરી લેવામાં આવી છે. આસપાસ લાગેલા સીસીટીવીની ફૂટેજ કાઢવામાં આવી રહી છે. કારમાં દારૂની સ્મગલિંગ કરી રહેલા લોકોની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવશે. સાથે જ તે લોકોની ઓળખ પણ વીડિયો દ્વારા કરાશે. જેમણે કારમાંથી દારૂની બોટલો લૂંટી છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

સિવાન જિલ્લામાં પણ દારૂની લૂંટ

આ જ પ્રકારે બિહારના સિવાન જિલ્લામાં પણ સોમવારે સવારે લોકોએ દારૂથી ભરેલી કારને જબરદસ્તી રોકી તેને લૂંટી લીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના સિવાન જિલ્લાના મહારાજગંજ વિસ્તારની છે. જ્યાં પૂર ઝડપે આવી રહેલી કારને ગ્રામીણોએ ઘેરીને રોકી દીધી. ભીડે કારને અકસ્માત કરવાની સૂચનાને લઇ રોકી હતી. કારના રોકાવા પર ચાલક ઉતરીને ફરાર થઇ ગયા. ગ્રામીણોએ કારમાં દારૂની પેટીઓ જોઇ તો તેને લૂંટી પોતાના ઘરે લઇ ગયા.

આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ જ્યાં સુધી ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં તો લોકો દારૂ લૂંટી ચૂક્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કારને જપ્ત કરી લીધી છે. કારમાં દારૂની પેટીઓ ક્યાંથી આવી, કારનો માલિક કોણ છે અને આ સ્મગલિંગમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ પોલીસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp