આ રાજ્યના CMનો દાવો- અમારા સ્ટેટમાં BJP એકલા હાથે એક પણ સીટ જીતી શકશે નહીં

PC: twitter.com

ભારતીય જનતા પાર્ટી (BJP) દક્ષિણ ભારતના રાજ્યોમાં પોતાનું રાજકીય મેદાન તૈયાર કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કર્ણાટક બાદ BJPની નજર તેલંગાણાની સાથે તમિલનાડુ પર પણ છે. તમિલનાડુના CM અને DMKના વડા MK સ્ટાલિને BJP પર આકરા પ્રહારો કર્યા છે.

DMKના વડા અને તમિલનાડુના CM MK સ્ટાલિને 2014થી દેશના વિવિધ રાજ્યોમાં પોતાની મજબૂત હાજરી નોંધાવનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં BJPની જંગી જીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, એક રાજ્યમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોના આધારે તમે ન તો આખા દેશના મૂડનો અંદાજો લગાવી શકો છો, અને ના લગાવવો જોઈએ.

CM સ્ટાલિને કહ્યું કે, વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં 'રમતના નિયમો' અલગ-અલગ હોય છે. CM MK સ્ટાલિને કહ્યું કે, દેશમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં BJPના સમર્થનમાં 'વિવિધતા' છે.

તેમના રાજ્ય તમિલનાડુ વિશે ખાસ વાત કરતા, CM MK સ્ટાલિને જણાવ્યું હતું કે, BJPએ ભૂતકાળમાં અને અગાઉની રાજ્યની ચૂંટણીઓમાં પ્રાદેશિક સહયોગીઓની 'પીઠ પર સવારી કરીને' વિધાનસભા બેઠકો જીતી છે. BJP એકલા હાથે એક પણ સીટ જીતી શકે તેમ નથી.

BJPની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે અને સમવર્તી સૂચિના વિષયોને પણ પોતાનો ગણવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, BJP રાજ્યપાલોના માધ્યમથી વિવિધ રાજ્યોમાં સમાંતર સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. એક ઈન્ટરવ્યુમાં CM MK સ્ટાલિને કહ્યું કે, વિવિધ રાજ્યોમાં ચૂંટાયેલી સરકારોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહેલા 'નિયુક્ત' રાજ્યપાલોનું વર્તન અને વલણ આપણા બંધારણની મજાક ઉડાવે છે.

CM MK સ્ટાલિને વધુમાં કહ્યું કે, માત્ર DMK જ નહીં પણ કેરળમાં CPI-M, તેલંગાણામાં BRS, પશ્ચિમ બંગાળમાં TMC અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) પણ તેની સામે અવાજ ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે રાજકીય રમત રમવાવાળા રાજ્યપાલ સંઘના લોકતાંત્રિક અને સંઘીય સ્વરૂપ માટે શુભ નથી. તેને ઠીક કરવું જોઈએ.

BJP પર પ્રહાર કરતા તમિલનાડુના CM MK સ્ટાલિને કહ્યું છે કે, તે જીતવા માટે કંઈ પણ કરી શકે છે. તેમણે કહ્યું કે તમિલનાડુમાં લોકો રાજનીતિ અને ધર્મને અલગ-અલગ રાખે છે અને તેના કારણે જ અહીં BJPને ગૂંગળામણ થઈ રહી છે. CM MK સ્ટાલિને કહ્યું કે, BJP AIADMKની આંતરિક વિખવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે.

ભવિષ્યમાં તમિલનાડુમાં એક મુખ્ય રાજકીય પક્ષ બનવાના BJPના પ્રયાસો પર તેમના મંતવ્યો શેર કરતા, તેમણે કહ્યું, 'હું આ વિષે સ્પષ્ટપણે જણાવું, અમે કે તમિલનાડુના લોકો BJPને તમિલનાડુમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે જોતા નથી. તે 2001 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ચાર ધારાસભ્યો મેળવવા માટે DMKના ખભા પર સવાર થઈ હતી. બે દાયકા પછી, AIADMKની પીઠ પર સવાર થઈને, તેમને 2021માં ફરીથી ચાર ધારાસભ્યો મળ્યા. જ્યાં સુધી તમિલનાડુની વાત છે ત્યાં સુધી BJPની તાકાતની આ વાસ્તવિકતા છે. તેઓ ક્યારેય તમિલનાડુમાં એક પણ સીટ પોતાના દમ પર જીત્યા નથી, અને જીતી શકે તેમ પણ નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp