રાજસ્થાન ભાજપમાં તો રાજેનું જ રાજ ચાલશે, શું આ સાબિત થઇ ગયું ?

વસુંધરા રાજે ભાજપના મોટા નેતા છે. કેન્દ્રમાં મંત્રીથી લઇને બે વાર રાજસ્થાનના સીએમ રહી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની જોડીએ દેશમાં ભાજપનું જે ચિત્ર બદલ્યું છે તેમાં યુવાનોને વધુને વધુ પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ દેખાય છે. ગુજરાતમાં તેમણે એક ઝાટકે જૂના નેતાઓની ટિકિટ કાપી નાંખી હતી. ગુજરાતમાં કોઇ બળવો થયો પણ ન હતો. પરંતુ લાગે છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેમની તે નીતિ પૂર્ણરૂપે લાગું કરવી અઘરી છે. ત્યાં સ્થાનિક નેતાઓ જેવા કે વસુધંરા રાજે અને શિવરાજસિંહ બન્નેની તાકાત ઓછી નથી. એટલે હાઇકમાન્ડે પણ અમુક વખતે નમતું જોખવું પડે તેમ છે.

તો બીજી બાજુ એવું પણ કહેવાય છે કે આ બધી રાજનીતિ ભાજપ પરિવારની જ છે. જેમાં કોંગ્રેસ જોઇ જોઇને ખુશ થાય છે. પરંતુ તેની દાળ ગળવાની નથી. કારણ કે ભાજપમાં ભલે અંદરો અંદર યાદવાસ્થળી થાય પરંતુ જ્યારે ચૂંટણીનો દિવસ આવે ત્યારે પરિવારના બધા જ પાંડવ થઇને લડે છે. ત્યારે કૌરવ પાંડવા જેવી હોતું નથી. એટલે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ વસુંધરા અને શિવરાજને તેમની તાકાત મુજબ મહત્ત્વ મળતુ જાય છે. પરંતુ તેમને ચહેરો નહીં બનાવવા પાછળ ભાજપની એક રણનીતિ છે. વસુંધરાને ચહેરો બનાવે તો ગહેલોત તેમના જૂના કૌભાંડો બહાર લાવી શકે છે. શિવરાજની સામે એન્ટી ઇન્કમમ્બન્સી છે. એટલે ભાજપની રણનીતિ જ આવી છે. 

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 25 નવેમ્બર 2023ના દિવસે થવાની છે અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે કાંટાની ટક્કર છે. ભાજપે અત્યાર સુધી રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સાઇડલાઇન કર્યા હતા અને તેમના સમર્થકોની પણ ટિકીટ કાપી નાંખવામાં આવી હતી, પરંતુ ભાજપને હવે ભૂલ સમજાય છે કે રાજસ્થાનની ચૂંટણી વસુંધરા રાજે વગર જીતવી શક્ય નથી. ભાજપે બીજી યાદી જાહેર કરી તેમાં વસુંધરા રાજેને ઝાલરાપાટણથી ટિકીટ આપવામાં આવી છે. વસુંધરા રાજવી પરિવારમાંથી આવે છે અને તેમનું મતદારો સાથેનું કનેક્શન મોટું છે એટલે ભાજપને તેમને નજર અંદાજ કરવા પોષાય તેમ નથી. વસુંધરા રાજે રાજસ્થાનમાં 2 વખત મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે. વર્ષ 2018માં જ્યારે ભાજપ રાજસ્થાનમાં ચૂંટણી હારી ગયું ત્યારે હાર માટે વસુંધરા રાજેને જવાબદાર માનવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp