ભાજપ નેતાની ગુંડાગર્દી, ટ્રાફિક PIને ગાડીમાંથી ખેંચીને માર્યો, જુઓ વીડિયો

PC: livehindustan.com

ભાજપના નેતાઓની ખુલ્લેઆમ ગુંડાગર્દીનો એક વીડિયો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે એટલે પોતાની જાતને ખેરખાં સમજતા ભાજપ નેતાઓ પોલીસની પિટાઇ કરતા પણ ખચકાતા નથી. આ ભાજપ નેતાઓ ઉત્તર પ્રદેશને બાપની જાગીર સમજી બેઠા હોય તેવું લાગે છે.

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક ટ્રાફિક ઈન્સ્પેક્ટર સાથે રસ્તાની વચ્ચે ગેરવર્તન કરવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે ટ્રાફિક ઈન્સ્પેક્ટરને માત્ર માર મારવામાં નહોતો આવ્યો, પરંતુ તેના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સત્તાધારી પક્ષ ભાજપ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. હાલ પોલીસે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.

ટ્રાફીક ઇન્સ્પેકટર કમલેશ કુમારને ભાજપ નેતાએ ગાડીમાંથી ખેંચીને માર માર્યો હતો, કમલેશ કુમારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એ એવું કહેતા નજરે પડે છે કે મને SHO અને COની હાજરીમાં માર મારવામાં આવ્યો. PIએ ભાવૂક થઇને કહ્યું કે, જ્યાં સુધી મારી નોકરી રહેશે ત્યાં સુધી આ ઘટના મારા મગજમાંથી નિકળશે નહીં કે મને SHO અને COની હાજરીમાં માર મરાયો.

PIએ કહ્યુ કે મને નહોતી ખબર કે અલીગઢ પોલીસ આટલી નપુસંક હશે. મારી સાથે મારપીટ કરવામાં આવી, મારા કપડાં ફાડી નાંખ્યા, મને લોહીલૂહાણ કરી નાંખવામાં આવ્યો. હવે મારી પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મેં દારૂ પીધો હતો .PIએ કહ્યું કે, મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂને હાથ લગાડ્યો નથી.

બુધવારે સાંજે ઉત્તર પ્રદેશના રસલગંજ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ જ્યારે વાહનોનું ચેકીંગ કરી રહી હતી ત્યારે એક બુલેટ સવારને પોલીસે રોક્યો હતો. તેની બુલેટમાં અવાજ વાળું સાઇલન્સર હતું. આ યુવકે પોલીસ સાથે દલીલ કરી અને એ પછી બીજા 12-15 લોકો પણ આવી ગયા. ટ્રાફીક પોલીસ સાથેની બબાલ એટલી વધી ગઇ કે રસ્તા પર ટ્રાફીક જામ થઇ ગયો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે યુવકોનું એક ટોળું પોલીસ સાથે વિવાદ કરી રહ્યું છે, તેમને સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ પોલીસની વાત માનવા તૈયાર થતા નથી. એક યુવક ટ્રાફીક વાહનમાંથી પોલીસને બહાર ખેંચી કાઢે છે અને આને કારણે રસ્તા પર ભારે અફકાતફડી મચી જાય છે.

યુવકોનું કહેવું હતુ કે ટ્રાફીક PI નશામાં હતો. યુવકે કહ્યુ કે ઇન્સ્પેકટરના વાહન સાથે ભાજપના કાર્યકરની બાઇક ટચ થઇ ગઇ હતી. એ પછી પોલીસ સાથે બોલાચાલી થઇ હતી. ઘટના સ્થળે પહોંચીને SPએ મામલો થાળે પાડ્યો હતો અને 2ની ધરપકડ કરવામાં આવી છે.

સમાજનવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે X પ્લેટફોર્મ પર લખ્યુ કે, ભાજપનું ઘમંડ હવે પોલીસ પર પણ હાથ ઉપાડી રહ્યું છે. સવાલ એ છે કે ભાજપના વધતા ઘમંડને કોણ સમર્થન આપી રહ્યું છે અને તેમને કોણ બચાવી રહ્યું છે. ભાજપના લોકો 'ઝીરો ટોલરન્સ' માટે ટોલરન્સ ઝીરો કેમ છે?

અલીગઢ પોલીસે કહ્યુ કે, પોલીસ સાથે અભદ્ર વર્તન કરનાર બુલેટ ચાલક અને તેના એક સહયોગીની ધરપકડ કરી લેવામાં આવી છે.તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp