વિપક્ષના INDIA નામનો તોડ BJPએ કાઢી લીધો, જાણો તેના બદલે શું બોલશે?

PC: indiatoday.in

બેંગ્લોરમાં થયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં નક્કી થયું હતું કે ગઠબંધનનું નવું નામ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લૂસિવ અલાયન્સ (I.N.D.I.A.) હશે. થોડા દિવસ સુધી કેન્દ્ર સરકારના નેતાઓએ આ નામ પર પ્રહાર કર્યો, પરંતુ હવે જાણકારોના સંદર્ભે સમાચાર મળી રહ્યા છે કે ભાજપના નેતા વિપક્ષી ગઠબંધનને I.N.D.I.A. નામથી નહીં બોલાવે. પાર્ટીએ નક્કી કર્યું છે કે વિપક્ષી ગઠબંધનને UPAના જૂના નામથી જ સંબોધિત કરવામાં આવશે.

ભાજપના પદાધિકારીઓના જણાવ્યા મુજબ, વિપક્ષે જાણીજોઇને I.N.D.I.A. નામ રાખ્યું, જેથી જૂના કારનામાઓ પર પડદો નાખી શકાય અને જનતાના મનમાં UPAની છબી ભુલાવી શકાય, પરંતુ ભાજપ જનતાને કોંગ્રેસ પર લાગેલા આરોપો બાબતે બતાવતી રહેશે. એટલે વિપક્ષને UPAના નામથી જ બોલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ મણિપુર મૂદ્દા પર પ્રહાર કરતા વારંવાર UPA શબ્દનો જ ઉપયોગ કર્યો.

8 જુલાઇના રોજ બેંગ્લોરમાં થયેલી બેઠકમાં જ વિપક્ષી પાર્ટીઓએ પોતાના ગઠબંધનનું નવું નામ I.N.D.I.A. આપ્યું હતું. હાલમાં આ વિપક્ષી ગઠબંધન ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન NDAને સખત ટક્કર આપવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ પહેલા પટનામાં બેઠક કરીને નક્કી કર્યું કે તેઓ બધા કેવી રીતે સાથે આવી શકે છે? તેના પર મંથન કર્યું તો બેંગ્લોરમાં બેઠક બાદ ગઠબંધનના નામની જાહેરાત કરી દીધી. I.N.D.I.A. આગામી બેઠક આ મહિને થવાની છે.

મુંબઇમાં થવા જઇ રહેલી આ બેઠકમાં સીટ વહેચણી પર ચર્ચા થવાની છે. મુંબઇમાં આ બેઠક 25-26 ઑગસ્ટના રોજ થઇ શકે છે. તેની તૈયારીઓની જવાબદારી પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ નવા ગઠબંધનના નામ પર અત્યાર સુધી ભાજપના નેતા હુમલો કરી રહ્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ તો પોતાના ટ્વીટર બાયોમાં પણ INDIA હટાવીને ભારત લખી દીધું હતું.

થોડા દિવસ અગાઉ જ્યારે ચોમાસું સત્રમાં મણિપુર પર ચાલી રહેલા સંગ્રામ વચ્ચે ભાજપના સંસદીય દળની બેઠક થઇ હતી, ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કર્યો હતો. તેમણે આ બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને વિપક્ષી ગઠબંધન પર નિશાનો સાધતા કહ્યું હતું કે INDIA નામ લગાવવાથી જ થઇ જતું નથી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ I.N.D.I.A. લગાવ્યું હતું અને ઇન્ડિયન મુજાહિદ્દીન નામમાં પણ INDIA. છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp