જે છોકરીના અપહરણ કેસમાં જેલમાં ગયો હતો છોકરો, કોર્ટે તેની સાથે જ કરાવ્યા લગ્ન

PC: bhaskar.com

બિહારના સીતામઢીમાં થયેલા એક લગ્ન ચર્ચામાં છે. પહેલું કારણ એ છે કે લગ્ન કોર્ટ પરિસરમાં થયા. બીજું કારણ એ છે કે જે છોકરીના અપહરણ કેસમાં છોકરાને જેલ થઈ છે, એ જ છોકરી સાથે તેના લગ્ન થયા છે. આ અગાઉ કે તમે કંઈ પણ બીજું વિચારો, તમને જણાવી દઈએ કે છોકરો-છોકરી એક બીજાને પ્રેમ કરે છે. આ બંનેએ જ કોર્ટમાં પોતાના લગ્નની અરજી કરી હતી. કોર્ટ પરિસરમાં લગ્નના બંધનમાં બંધાનારા આ છોકરા છોકરીનું નામ છે રાજા અને અર્ચના.

એક અખબારના રિપોર્ટ મુજબ, આ ઘટના સીતામઢીના બેરગનિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અર્ચના અને રાજા છેલ્લા 7 વર્ષથી રિલેશનશીપમાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં બંને ઘર છોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ અર્ચનાના પરિવારજનોએ રાજા વિરુદ્ધ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરીને 2 જ દિવસમાં તેને શોધી કાઢ્યો હતો. પછી રાજાને જેલ મોકલી આપવામાં આવ્યો. 4 નવેમ્બર 2022ના રોજ બંને ઘર છોડીને જતા રહ્યા હતા અને 6 નવેમ્બર 2022ના રોજ પોલીસે તેમને શોધી કાઢ્યા હતા. ત્યારથી રાજા જેલમાં બંધ હતો.

જેલમાં બંધ રહેવા દરમિયાન રાજા અને અર્ચનાએ લગ્ન કરવાનું મન બનાવી લીધું. અર્ચનાએ પહેલા તો પોતાના પરિવારજનોને મનાવ્યાં, પછી 19 મેના રોજ બંનેએ કોર્ટમાં લગ્ન કરવાની અરજી કરી. તેના પર કોર્ટે આદેશ જાહેર કરતા પોલીસ કસ્ટડીમાં બંનેના લગ્ન કરાવવા કહ્યું. કોર્ટના નિર્દેશ પર પોલીસ 20 મેના રોજ જેલથી લઈને પહોંચી. ત્યારબાદ બંનેના કોર્ટ કેમ્પસમાં સ્થિત શિવ મંદિરમાં લગ્ન કરાવવામાં આવ્યા. એક રિપોર્ટ મુજબ, પોલીસ કસ્ટડીમાં હાથમાં હાથકડી પહેરેલી હાલતમાં જ રાજાએ અર્ચનાના સેંથામાં સિંદુર ભર્યું અને એક બીજા સાથે સાત જન્મો સુધી સાથે રહેવાના સોગંધ ખાધા.

અર્ચનાના ભાઈએ જણાવ્યું કે, કોર્ટની મંજૂરી અને પરિવારની સહમતીથી ડુમરા કોર્ટ પરિસરમાં બંનેના લગ્ન થયા છે. ત્યારબાદ રાજાને પોલીસ ફરીથી લઈને જતી રહી. આ અજીબોગરીબ લગ્નના સાક્ષી બંને લોકોના પરિવાર બન્યા અને બંને પરિવારોની સહમતીથી આ લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ હવે રાજાને જલદી જ મુક્ત કરી દેવામાં આવશે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે લગ્ન થઈ ગયા બાદ સીતામઢી જેલમાં બંધ રાજા ક્યારે નીકળે છે. આ કેસની આગામી સુનાવણી 19 જૂનના રોજ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp