Video: છોકરાઓએ દુપટ્ટો ખેંચ્યો, સાઇકલ પરથી નીચે પડી, બાઇક સાથે અથડાઈ, થયું મોત

PC: hindi.oneindia.com

ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં કેટલાક લોકોએ રસ્તા પર ચાલી રહેલી સગીર વિદ્યાર્થિનીનો દુપટ્ટો ખેંચી લીધો હતો, ત્યાર પછી બાઇક સાથે અથડાતા તેનું મોત થયું હતું. આ ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બાઇક પર સવાર બદમાશો સાઇકલ પર ઘરે જઇ રહેલી છાત્રાનો દુપટ્ટો ખેંચે છે. દુપટ્ટો બચાવવાના પ્રયાસમાં યુવતી સાઇકલ પરથી પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. ત્યારે પાછળથી આવતી અન્ય બાઇક સાથે તે અથડાય જાય છે. આ ઘટનામાં વિદ્યાર્થિનીનું માથું કચડાઈ ગયું હતું અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે.

આંબેડકરનગર પોલીસના જણાવ્યા અનુસાર, મામલો હંસવાર પોલીસ સ્ટેશન વિસ્તારના વરહી ગામનો છે. જીવ ગુમાવનાર વિદ્યાર્થીની ઉંમર 17 વર્ષની હતી. તે રામરાજી ઈન્ટર કોલેજમાં 12મા ધોરણમાં ભણતી હતી. 15 સપ્ટેમ્બરે તે તેની સહેલી સાથે શાળાએથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે બાઇક પર સવાર બે લોકોએ તેનો દુપટ્ટો ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી.

પરિવારે હંસવર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે, આરોપીઓ વિદ્યાર્થીનિને ઘણા દિવસોથી હેરાન કરતા હતા. પોલીસને મૌખિક ફરિયાદ પણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ત્યાર પછી પોલીસે ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમના નામ શાહબાઝ, અરબાઝ અને ફૈઝલ છે.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં યુવતીના પિતા સભાજીત વર્માએ કહ્યું કે, તેની પુત્રી અભ્યાસમાં ઘણી સારી હતી અને તે ડોક્ટર બનવા માંગતી હતી. બાળકીની માતાનું આઠ વર્ષ પહેલા અવસાન થયું હતું. આ મામલે વિદ્યાર્થીના પિતાનું કહેવું છે કે, આ અકસ્માતમાં તેમની પુત્રીનું જડબું તૂટી ગયું છે. ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યું હતું. પિતાનો આરોપ છે કે, ત્રણ બદમાશો છેલ્લા કેટલાક દિવસોથી તેની પુત્રીને હેરાન કરી રહ્યા હતા અને તેણે પોલીસને મૌખિક ફરિયાદ પણ કરી હતી. સગીર વિદ્યાર્થિનીના મિત્રએ એમ પણ જણાવ્યું કે આરોપી પહેલા પણ તેનો પીછો કર્યા કરતો હતો.

પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તમામ પાસાઓ પર વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp