લગ્નના 2 દિવસ અગાઉ દુલ્હનનું થયું એક્સિડન્ટ, જાન લઇને હૉસ્પિટલ પહોંચ્યો વરરાજો

PC: twitter.com/news24tvchannel

બોલિવુડ એક્ટર શાહિદ કપૂર અને અમૃતા રાવની વર્ષ 2006માં આવેલી ફિલ્મ ‘વિવાહ’ જેવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં જોવા મળી છે. અહીં એક યુવકે હૉસ્પિટલમાં એડમિટ પોતાની થનાર પત્નીને વરમાળા પહેરાવી. સેંથામાં સિંદુર ભર્યું. આ દરમિયાન બંનેના પરિવારજનો પણ હાજર હતા. હૉસ્પિટલમાં થયેલા લગ્નનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ, ઘટના મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાની છે. અહીં અવસ્થી ચોક પાસે સ્થિત એક ખાનગી હૉસ્પિટલમાં આ અનોખા લગ્ન થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ઉજ્જૈનના ભેરુઘાટના રહેવાસી સૌદાન સિંહના પુત્ર રાજેન્દ્રના લગ્ન જુલવાનિયા ગામના રહેવાસી સુભાષની દીકરી સાથે નક્કી થયા હતા. બંનેના 16 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા. પરિવારજનોએ જણાવ્યું કે છોકરો અને છોકરીના સંબંધી ખંડવા જિલ્લાના ભગવાનપુરાના રહેવાસી છે એટલે બંને પરિવારોએ ખંડવામાં જ સમારોહ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ દુલ્હન શિવાની એક અકસ્માતનો શિકાર થઇ ગઇ. કોઇ અજાણ્યા વાહને તેને ટક્કર મારી દીધી.

આ અકસ્માતમાં તેના હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થઇ. પરિવારજનોએ પહેલા તેને બદવાનીમાં દાખલ કરાવી હતી, પરંતુ ત્યાં યોગ્ય સારવાર ન હોવાના કારણે પરિવારજનો તેને ખંડવા લઇ આવ્યા. અહીં તેને અવસ્થી ચોક સ્થિત એક હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. જ્યાં ડૉક્ટરોએ લગ્નના એક દિવસ અગાઉ શુક્રવારે તેના હાથ અને પગનું ઓપરેશન કર્યું. પરિવારજનોએ જણાવ્યું કે, લગ્નનું મુહૂર્ત ટાળી નહીં શકાય કેમ કે ઘણા લોકો તેને અપશુકન માની રહ્યા હતા. એટલે વર-વધુની સહમતીથી હોસ્પિટલમાં જ લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ દરમિયાન હૉસ્પિટલનો જનરલ વોર્ડ સજાવવામાં આવ્યો. હૉસ્પિટલ પહોંચલા પંડિતે લગ્ન સાથે જોડાયેલી બધી ઔપચારિકતાઓ પૂરી કરી. બંનેએ એક-બીજાને વરમાળા પહેરાવતા જ પરિવારજનો ખુશ ખુશાલ થઇ ગયા. વરરાજા રાજેન્દ્રએ કહ્યું કે આ સમયે શિવાનીને તેના સાથની જરૂરિયાત છે. જો તે તેને આ સમયે છોડી દેતો તો ખોટું થતું. પૂરી રીતે સારી થયા બાદ શિવાનીને ઘરે લઇ જવામાં આવશે.

હૉસ્પિટલના ડૉક્ટર સિદ્ધાર્થ શ્રીમાળીએ જણાવ્યું કે લગ્નના દિવસે 16 ફેબ્રુઆરીના રોજ દુલ્હનનું ઓપરેશન થયું હતું એવામાં એ દિવસે લગ્ન કરાવી શકાતા નહોતા. પરિવારજનોએ 8 ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં જ લગ્ન કરવાની મંજૂરી માગી. અમે પણ શુભ કાર્ય માટે મંજૂરી આપી દીધી અને સ્ટાફ સાથે પોતે પણ સામેલ થયા. અમે વર-વધુને શુભકામનાઓ આપી હૉસ્પિટલમાં મીઠાઇ વહેંચાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp