બ્રિટને માન્યું- મહારાજા દિલીપ સિંહને મજબૂર કરી જબરદસ્તી લઇ ગયા હતા કોહિનૂર

PC: thewire.in

બ્રિટનની રોયલ ફેમિલીએ એ માની લીધુ છે કે, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાંથી કોહિનૂર હીરો લઈ ગઈ હતી. મહારાજા દિલીપ સિંહને તેને સરેન્ડર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. બ્રિટનના ટાવર ઓફ લંડનમાં રોયલ જ્વેલ્સનું એક પ્રદર્શન યોજાયુ છે. તેમા જણાવવામાં આવ્યું છે કે, લાહોર સંધિ અંતર્ગત દિલીપ સિંહની સામે કોહિનૂર સોંપવાની શરત મુકવામાં આવી હતી. બકિંઘમ પેલેસના રોયલ કલેક્શન ટ્રસ્ટની મંજૂરી બાદ પ્રદર્શનમાં આ ટેક્સ્ટ લખવામાં આવ્યું છે. ટાવર ઓફ લંડનની પ્રદર્શનીમાં પહેલીવાર કોહિનૂર સહિત ઘણા કિંમતી હીરા-ઝવેરાત સામેલ કરવામાં આવ્યા છે. અહીં ઘણા વીડિયો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા કોહિનૂરનો ઇતિહાસ પણ જણાવવામાં આવી રહ્યો છે. પ્રદર્શનમાં કોહિનૂરને વિજયના પ્રતીક તરીકે રાખવામાં આવ્યો છે.

ક્રાઉન જ્વેલ્સ એક્ઝીબિશનમાં કોહિનૂર પર એક ફિલ્મ પણ દર્શાવવામાં આવી છે. તેમા તેના સમગ્ર ઇતિહાસને એક ગ્રાફિક મેચ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. તેમા જણાવવામાં આવ્યું છે કે, હીરાને ગોલકુંડાની ખાણોમાંથી કાઢવાનો દાવો કરવામાં આવે છે. ત્યારબાદ એક તસવીરમાં મહારાજા દિલીપ સિંહ તેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપતા દેખાઈ રહ્યા છે. વધુ એક તસવીરમાં બ્રિટનની ક્વીન મધરના તાજમાં કોહિનૂર જડેલો દેખાઈ રહ્યો છે. ટાવર ઓફ લંડનમાં આ એક્ઝીબિશન કિંગ ચાર્લ્સની તાજપોશીના અવસર પર રાખવામાં આવ્યું છે. 6 મેના રોજ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની તાજપોશી થઈ હતી.

તાજપોશીમાં કેમિલાએ ક્વીન એલિઝાબેથનો કોહિનૂર જડેલો તાજ નહોતો પહેર્યો. તેની જગ્યાએ તેમના માટે ક્વીન મેરીના તાજને નવી રીતે રેનોવેટ કરવામાં આવ્યો હતો. તેમા ઘણા કિંમતી હીરા-મોતી લગાવવામાં આવ્યા હતા. રોયલ ફેમિલીને ડર હતો કે કોહિનૂર જડેલા તાજના ઉપયોગથી ભારત સાથે સંબંધો બગડી શકે છે. આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોહિનૂર જડેલા તાજને સૌથી પહેલા બ્રિટનની ક્વીન મધરે પહેર્યો હતો. ત્યારબાદ તે તાજ ક્વીન એલિઝાબેથને મળ્યો હતો. આ તાજમાં કોહિનૂર ઉપરાંત આફ્રિકાના કિંમતી હીરા ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા સહિત ઘણા કિંમતી પથ્થર જડવામાં આવ્યા છે. તેની કિંમત આશરે 40 કરોડ ડૉલર આંકવામાં આવી છે. ભારતે બ્રિટનની સામે ઘણીવાર કોહિનૂર હીરા પર પોતાનો કાયદાકીય હક હોવાનો દાવો કર્યો છે.

ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર, સરકાર કોહિનૂર સહિત ભારતના ઘણા કિંમતી સામાનો અને હીરા-ઝવેરાતને પાછા લાવવા માટે બ્રિટનમાં અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. સંસદની સ્થાયી સમિતિએ પણ પોતાના રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તેમજ, ભારતની જેમ જ આફ્રિકાએ પણ ઘણીવાર બ્રિટનના શાહી તાજમાં જડેલા પોતાના કિંમતી હીરા પાછા આપવાની માંગ કરી છે.

કોહિનૂર હીરાનો ઇતિહાસ વિવાદોથી ભરેલો રહ્યો છે. કહેવામાં આવે છે કે, વર્ષ 1849માં જ્યારે અંગ્રેજોએ પંજાબ પર કબ્જો કર્યો તો આ હીરાને બ્રિટનની ત્યારની મહારાણી વિક્ટોરિયાને સોંપી દેવામાં આવ્યો હતો. બાદમાં તેને અન્ય ઘણા હીરાઓ સાથે બ્રિટનના શાહી તાજમાં લગાવી દેવામાં આવ્યો. ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઈરાન પણ આ હીરા પર પોતાનો દાવો કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp