બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી ગતિ, જુઓ છેલ્લા 3 મહિનામાં કેટલી ઝડપથી કામ થયું

PC: twitter.com/AshwiniVaishnaw

રેલવે પોતાની સિસ્ટમને રોજબરોજ અપડેટ કરી રહ્યું છે. નવી હાઇસ્પીડ ટ્રેનો લોન્ચ કરવામાં આવી રહી છે. રેલવે અત્યાર સુધી ઘણા બધા રૂટ્સ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પણ લોન્ચ કરી ચૂક્યું છે. યાત્રીઓને હાઇ ક્લાસ સુવિધા આપવા અને તેમને ગંતવ્ય સુધી સુધી જલદી પહોંચાડવા માટે જલદી જ ભારતીય રેલવે બુલેટ ટ્રેનને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વીટર હેન્ડલના માધ્યમથી બુલેટ ટ્રેનના કામને લઈને અપડેટ આપ્યું છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટર હેન્ડલ પર એક કૉલાજ પોસ્ટ કર્યું છે. કૉલાજમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તસવીરો હતી. આ કૉલાજમાં અલગ અલગ મહિનામાં ક્લિક કરવામાં આવેલી તસવીર દેખાડવામાં આવી છે. તેના દ્વારા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીમાં કેટલું કામ પૂરું થયું છે. રેલમંત્રીએ પોતાની ટ્વીટ દ્વારા જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નદી પર 320 મીટર લાંબા પુલનું નિર્માણ થઈ ચૂક્યું છે.

સરકારના જણાવ્યા મુજબ, બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિલોમીટર પ્રતિકલાક હશે. બુલેટ ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ વચ્ચેની સફર 2 કલાક 7 મિનિટમાં પૂરી થઈ જશે. અત્યારે આ બંને શહેરો વચ્ચે સફર કરવામાં 9 કલાક અને ટ્રેનથી 6 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે માનવામાં આવે છે. તેની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર વાત કરતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ખૂબ જ કમ્પ્લેક્સ છે.

જો કે, ડિઝાઇનનું બધુ કામ થઈ ચૂક્યું છે અને પિલર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલમાં સિવિલ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને જલદી જ ટ્રેન અને અન્ય વસ્તુઓની ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સરકારની યોજના છે કે ઑગસ્ટ 2026માં દેશની પહેલી બુલેટ ટ્રેન ચાલુ થઈ જાય. વર્ષ 2015માં મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2017માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારે રેલવેએ કહ્યું હતું કે 15 ઑગસ્ટ 2022 સુધી મુંબઈથી અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ રેલ શરૂ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. હવે સરકારે દેશમાં પહેલી બુલેટ ટ્રેન માટે વર્ષ 2026નો સમય નક્કી કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp