શું હાઉસિંગ સોસાયટીમાં રખડતા કૂતરાઓને ખવડાવી શકીએ? કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન

PC: newstracklive.com

હાઉસિંગ સોસાયટીઓમાં કૂતરાઓને લઈને ઝઘડાઓ સામે આવે છે. રખડતા કૂતરાઓને ખવડાવવાની બાબતે થતા ઝગડાઓ અનેક વખત પોલીસ સુધી પહોંચી ચૂક્યા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. બોમ્બે હાઈકોર્ટે આવી જ એક બાબત અંગે સીવુડ્સ સોસાયટી અને ડોગ લવર્સની અરજીનો નિકાલ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ મહિને 10 માર્ચે કેન્દ્ર સરકારે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં શ્વાન પ્રેમીઓ માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિયમોની કલમ 20 જણાવે છે કે, કોઈપણ સોસાયટીમાં રખડતા પ્રાણીઓને ખવડાવવાની જવાબદારી એપાર્ટમેન્ટ ઓનર એસોસિએશન અથવા વિસ્તારના માલિકની રહેશે, અથવા સ્થાનિક સંસ્થાની રહેશે. એપાર્ટમેન્ટના માલિકો અને કૂતરાઓની સંભાળ રાખનારાઓ વચ્ચે કોઈ વિવાદના કિસ્સામાં 7 સભ્યોની એનિમલ વેલફેર કમિટીની રચના કરવામાં આવશે અને તેનો નિર્ણય આખરી રહેશે.

અદાલતે, જોકે, અપવાદ લીધો હતો કે વિવાદના કિસ્સામાં રચાયેલી 7 સભ્યોની પ્રાણી કલ્યાણ સમિતિમાં કૂતરાઓને ખોરાક આપનારાઓનો સમાવેશ થતો નથી, 'જેઓ પોતે સમુદાયના પ્રાણીઓને ખવડાવવાનો અને સાર સંભાળનો ભાર ઉઠાવી રહ્યા છે.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, રખડતા પશુઓને ખવડાવવા માટેની જગ્યા નક્કી કરી દેવામાં આવે. આ જગ્યા બાળકો રમતા હોય તેનાથી દૂર હોવી જોઈએ. આ ઉપરાંત, આ સ્થળ કોઈપણ પ્રકારના પ્રવેશ કરવાના અને બહાર નીકળવાના દરવાજાથી દૂર હોવું જોઈએ અને સીડીઓ અને બાળકો અને વૃદ્ધો જવાની શક્યતા હોય તેવા સ્થળોથી પણ દૂર હોવું જોઈએ. તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે, કુતરાઓને ખવડાવનારે એ ખાતરી કરવી જોઈએ કે રેસિડેન્ટ એસોસિએશનની માર્ગદર્શિકાનું કોઈ ઉલ્લંઘન તો નથી થતું ને.

જસ્ટિસ ગૌતમ પટેલની આગેવાની હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે, જો રખડતા પ્રાણીઓને યોગ્ય કાળજી, જેમ કે ખોરાક, નસબંધી, રસીકરણ અથવા બીમારીના કિસ્સામાં જરૂરી સારવાર વિના છોડવામાં આવે તો કૂતરા વધુ આક્રમક બનશે અને ખોરાકની શોધ કરશે. તેનાથી સમસ્યામાં વધારો જ થશે. કોર્ટે કહ્યું કે, સાથે મળીને કામ કરીને આ મુદ્દાને શ્રેષ્ઠ રીતે ઉકેલી શકાય છે. જો તમે ખોરાક અને ચોક્કસ માત્રામાં કાળજી આપો છો તો કૂતરાઓ આક્રમક બનશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp