ચાઇનીઝ માંજો વેચતા પકડાયા તો ભાજપ સરકારે બુલડોઝર ફેરવીને ઘર તોડી પાડ્યું

PC: zeenews.india.com

ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે અને ફરી એકવાર ઘણા રાજ્યોમાં ચાઇનીઝ દોરા વેચવા પર પ્રતિબંધ છે. પણ મધ્ય પ્રદેશની સરકારે ચાઇનીઝ માંજો વેચનાર સામે કડક પગલાં લીધા છે.

મધ્યપ્રદેશ સરકારે ચાઈનીઝ માંઝા વેચવાના આરોપમાં બે વેપારીઓના ઘર બુલડોઝર વડે તોડી પાડ્યા હતા. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. મધ્યપ્રદેશ સરકારે ચાઈનીઝ માંજાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉજ્જૈન પોલીસે મોહમ્મદ ઈકબાલ અને હિતેશ ભોજવાની નામના બે વેપારી વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. તાજેતરમાં જ નરોત્તમ મિશ્રાએ ચેતવણી આપી હતી કે ચાઈનીઝ માંઝા વેચનારાઓ સામે નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

ઉજ્જૈન પોલીસ ચાઇનીઝ માંજાને રોકવા માટે ડ્રોનથી નજર રાખી રહી છે. તંત્રએ તપાસ પછી બે વેપારીઓને ચાઇનીઝ માંજો વેચવાના આરોપી જણાયા. બંને વેપારીઓના ઘરેથી ચાઇનીઝ માંજાના અનેક બોબીન મળ્યા. મોહમંદ ઇકબાલનું ઘર 4 જાન્યુઆરીએ તોડી પાડવામાં આવ્યું હતું, તો હિતેશ ભોજવાનીના ઘરે બીજા દિવસે કાર્યવાહી કરવામાં આવી હતી.

સિટી SP વિનોદ મીણાએ સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, ઉજ્જૈનમાં ચાઇનીઝ માંજાની ખરીદી અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. 2 વેપારીઓને ચાઇનીઝ માંજો વેચતા રંગહાથ પકડી લેવામાં આવ્યા હતા. તંત્રએ બંને વેપારીઓના ઘર તોડી પાડ્યા છે.

મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ ચાઈનીઝ માંઝા વેચવા માટે ઘર તોડી પાડવાની વાત પણ કરી છે. જો કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે આવા ગુના માટે કોઈનું ઘર તોડી પાડવામાં આવે. વહીવટીતંત્રનો દાવો છે કે બંને વેપારીઓના ઘરના અમુક ભાગનું બાંધકામ ગેરકાયદે હતું.

SP સત્યેન્દ્ર કુમાર શુક્લાએ ANIને જણાવ્યું કે,ચાઈનીઝ માંઝા વેચનારાઓના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. અમે કાર્યવાહી ચાલુ રાખીશું. ઉજ્જૈનમાં એક છોકરીનું ગળું કપાયા બાદ મોત થયું હતું. આ વર્ષે ચાઈનીઝ માંઝાને કારણે ઘવાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.

ચાઈનીઝ માંઝામાં કાચના ટુકડા ઓગાળીને પતંગની દોરી પર લગાવવામાં આવે છે. જેથી બીજાની પતંગ સરળતાથી કાપી શકાય. પણ આ  એકદમ ઘાતક છે. જેના કારણે અનેક લોકોના મોત થયા છે.

આ પહેલાં 5 જાન્યુઆરીએ નરોતમ મિશ્રાએ કહ્યુ હતું કે ઉજ્જૈનમાં ચાઇનીઝ માંજો વેચનાર સામે કેટલી કડક કાર્યવાહી થઇ છે તે બધાએ જોયું છે. તેમના મકાન સુદ્ધાં તોડી પાડવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે મકરસંક્રાંતિ પહેલા હું પતંગના વેપારીઓને ચેતવણી આપું છું કે ચાઈનીઝ માંજો વેચવાનો વિચાર પણ કરતા નહી, એવી કાર્યવાહી કરવામાં આવશે કે એક મિસાલ બની જશે.

ગયા વર્ષે પણ, ઉજ્જૈન પ્રશાસને ત્રણ વેપારીઓના ઘરોને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા. આ કાર્યવાહીના થોડા દિવસો પહેલા જ ચાઈનીઝ માંઝા વેચવા બદલ તમામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ગત જાન્યુઆરીમાં ઉજ્જૈનમાં માંજાને કારણે 20 વર્ષની યુવતીનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp