BJPના કાર્યક્રમમાં અનેક રાઉન્ડ ફાયરિંગ, કાર્યકરના પગમાં વાગી ગોળી, જુઓ વીડિયો
મધેપુરાના મુરલીગંજમાં રવિવારે બપોરે BJPના કાર્યક્રમમાં કાર્યકરો વચ્ચે ગોળીબાર થયો હતો. ગોળીબાર દરમિયાન પગમાં ગોળી વાગવાને કારણે એક કાર્યકર્તા ઘાયલ પણ થયો હતો. પોલીસે પણ સ્ફૂર્તિ બતાવી ગોળીબાર કરનાર આરોપીની ધરપકડ કરી છે. પરસ્પર વિવાદમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. આરોપીએ પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું.
#WATCH | Bihar | Chaos ensued at the event of former Deputy CM and BJP leader Tarkishore Prasad in Madhepura when an incident of firing occurred here earlier today. Details awaited. pic.twitter.com/ecvDrXenrj
— ANI (@ANI) June 25, 2023
BJPએ જન સંપર્ક અભિયાનના ભાગરૂપે રવિવારે મુરલીગંજમાં એક પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેવા શહેરના કાર્યકરો પહોંચ્યા હતા. આ દરમિયાન BJPના નેતાઓ પંકજ પટેલ અને સંજય ભગતના જૂથના કાર્યકારી વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી અને મામલો વધીને મારામારી સુધી પહોંચ્યો હતો.
ઝપાઝપી પછી પંકજ પટેલે પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી ગોળી ચલાવી હતી અને ગોળી બીજા જૂથના કાર્યકરના પગમાં વાગી હતી. લોહીલુહાણ થયેલા કાર્યકરને તાકીદે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. એટલું જ નહીં, આરોપી પંકજ પટેલ અને ઘાયલ થયેલા સંજય ભગતના જૂથ વચ્ચે થયેલી મારામારીમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.
પૂર્વ DyCM તાર કિશોર પ્રસાદ અને પૂર્વ મંત્રી નીરજ સિંહ બબલુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પરંતુ ફાયરિંગ અને મારપીટ થયાની માહિતી મળતાં બંને અધવચ્ચેથી જ પરત ફર્યા હતા.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે રિફર કર્યા હતા. કાર્યવાહી દરમિયાન આરોપી પંકજ પટેલની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. BJPના પ્રબુદ્ધ સંમેલનમાં હાજરી આપવા કાર્યકરો પધાર્યા હતા.
પ્રાથમિક સારવાર બાદ BJP નેતાને મધેપુરા સદર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલ નેતાનું નામ સંજય ભગત હોવાનું કહેવાય છે, જે પૂર્વ DyCMના સંબંધી હોવાનું કહેવાય છે. હાલમાં તે સદર હોસ્પિટલમાં મધેપુરામાં સારવાર હેઠળ છે.
ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, કાર્યક્રમના આયોજક BJP નેતા પંકજ કુમાર નિરાલા ઉર્ફે પંકજ પટેલ કાર્યક્રમ શરૂ થતા પહેલા જ સ્ટેજ પર આવી ગયા હતા. આ દરમિયાન BJPના નેતા સંજય ભગત અને પંકજ પટેલ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ ઝઘડો એટલો વધી ગયો કે બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. આ દરમિયાન BJPના નેતા પંકજ પટેલે પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું, જે સંજય ભગતને વાગી હતી.
અહીં રોષે ભરાયેલા લોકોએ આરોપી BJP નેતા પંકજ પટેલને ઘેરી લીધો અને મારપીટ શરૂ કરી દીધી. જો કે આ અંધાધૂંધી વચ્ચે BJPના જિલ્લા પ્રમુખ દીપક કુમારને પણ માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ મથકના પ્રમુખ રાજકિશોર મંડલે ભારે જહેમત બાદ આરોપી BJP નેતા પંકજ પટેલને રોષે ભરાયેલા ટોળાના ચુંગાલમાંથી છોડાવીને સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
આ કેસમાં આરોપી BJPના નેતા પંકજ પટેલે કહ્યું છે કે, તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેણે સ્વબચાવ માટે હવામાં ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ પણ જ્યારે આ લોકો રાજી ન થયા તો તેમને ગોળી મારવાની ફરજ પડી હતી. હાલમાં બંને પક્ષો વચ્ચેના આ વિવાદને પગલે શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. રોષે ભરાયેલા લોકોએ બજાર બંધ કરાવી BJPના નેતા પંકજ પટેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp