ગજબનું ચિટિંગ-પત્નીને 10 વર્ષ સુધી કંપનીમાં કર્મચારી બનાવી કરોડોનો પગાર મોકલ્યો

PC: jansatta.com

દિલ્હીથી છેતરપિંડીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક રિક્રુટર કંપનીના કર્મચારીએ તેની બેરોજગાર પત્નીને ખોટી રીતે પેરોલ પર રાખી હતી અને પ્લાન મુજબ 10 વર્ષથી વધુ સમયથી તેનો પગાર નિયમિત રીતે મોકલતો રહ્યો હતો. જેના કારણે કંપનીને કરોડોનું નુકસાન થયું હતું.

કંપનીના મેનેજમેન્ટને થોડા સમય પહેલા શંકા થઈ કે રેકોર્ડમાં કંઈક હેરાફેરી થઈ છે. આ પછી કંપનીએ આંતરિક તપાસ કરી. ત્યાર પછી છેતરપિંડીનો આ મામલો સામે આવ્યો હતો. પછી કંપની મેનેજમેન્ટે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી. છેતરપિંડીનો આ મામલો મેનપાવરગ્રુપ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ સાથે સંબંધિત છે. આ કંપની સ્ટાફિંગ અને ભરતી સેવાઓ પૂરી પાડે છે.

મેનપાવર ગ્રૂપની ફરિયાદ મુજબ, તેના કર્મચારી રાધાબલ્લવ નાથ 2008માં આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ) તરીકે કંપનીમાં જોડાયા હતા. ત્યાર પછી કંપનીએ તેમને પ્રમોશન આપીને મેનેજર બનાવ્યા. જૂથનો આરોપ છે કે, રાધાબલ્લવ નાથે ગેરકાયદેસર રીતે તેની બેરોજગાર પત્નીને કંપનીના ખર્ચે દર મહિને પગાર ચૂકવવાની એક યોજના બનાવી હતી અને આ રીતે છેતરપિંડી કરી.

વાસ્તવમાં કંપની ડેટા પ્રાઈવસીને પ્રાથમિકતા આપે છે. તેથી ફક્ત ત્રણ લોકોને જ માસિક પગારપત્રક અને વળતર ડેટાની ઍક્સેસની મંજૂરી આપી હતી. આમાં કંપનીના ડિરેક્ટર, ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) અને નાથનો સમાવેશ થાય છે. નાથ એ કંપનીના બહારના વિક્રેતાઓ અને અન્ય વિભાગો (HR અને ફાઇનાન્સ) વચ્ચેનું ઇન્ટરફેસ હતું. તે કંપનીમાં જોડાનાર, છોડનાર અને કામ કરતા કર્મચારીઓની હાજરી અને માસિક પગાર રજીસ્ટર તૈયાર કરવા માટે અન્ય ડેટા પેરોલ વેન્ડરોને મોકલતો હતો.

માસિક પગાર રજિસ્ટર તૈયાર કર્યા પછી, વિક્રેતા તેને નાથને મોકલતા હતા. નાથે આ રજીસ્ટર HRને ફોરવર્ડ કર્યું. HR તેને અંતિમ મંજૂરી માટે CHROને મોકલતો હતો. CHRO તેને મંજૂર કરતો હતો અને પછી તેને HRને મોકલતો હતો. અંતે આ રજીસ્ટર નાથ પાસે આવતું હતું. નાથ આ રજીસ્ટર પગાર મોકલવા માટે બેંકમાં મોકલતો હતો. કંપનીનો આરોપ છે કે, રજિસ્ટરને બેંકમાં મોકલતા પહેલા નાથે તેની સાથે છેડછાડ કરી અને તેની પત્નીનું નામ દાખલ કર્યું.

કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે રાધાબલ્લવ નાથ પાસે પગારની એક્સેલ ફાઈલ આવતી ત્યારે તે વધારાની કોલમ બનાવીને તેમાં પત્ની સસ્મિતા નાથનું નામ સામેલ કરતો હતો. કંપનીએ કહ્યું છે કે, એક્સેલ શીટમાં પેરોલ ડેટા છે, જેમાં સસ્મિતા નાથનો પણ સમાવેશ થાય છે.

કંપનીએ તેની FIRમાં કહ્યું છે કે, 'નામ દાખલ કરવાની સાથે સાથે, તે તેની પત્નીના નામ પર પગારની રકમ પણ ઉમેરતો હતો. તે પોતાના પગારની રકમ સાથે પણ છેડછાડ કરતો હતો. તે પછી તે બેંક પોર્ટલ પર ફેરફાર કરેલી પેરોલ ફાઇલ અપલોડ કરતો હતો. નાથ જ મેનપાવરગ્રુપના તમામ કર્મચારીઓને પગાર આપતો હતો. કંપનીની તપાસમાં જાણવા મળ્યું કે, નાથ અન્ય મેનેજરના કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને બેંકના પોર્ટલ પર ફેરફાર કરેલી પેરોલ ફાઇલ અપલોડ કરતો હતો. ફાઇલ અપલોડ કર્યા પછી, તે સિસ્ટમમાંથી તેને કાઢી નાખતો હતો.'

FIRમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નાથને 11 ડિસેમ્બર, 2022ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આંતરિક તપાસ ટીમે એક બેઠક યોજી હતી અને નાથને આ હેરાફેરી અંગે પૂછપરછ કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, આ કાગળો સામે આવ્યા પછી, નાથે સ્વીકાર્યું કે તેણે 2012થી તેની પત્નીના બેંક ખાતામાં ગેરકાયદેસર રીતે 3.6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. નાથે એ પણ કબૂલ્યું કે, તેણે પોતાનો પગાર વધારીને વર્ષોથી તેના ખાતામાં રૂ.60 લાખ ટ્રાન્સફર કર્યા, જેના કારણે કંપનીને કુલ રૂ.4.2 કરોડનું નુકસાન થયું.

કંપનીનું કહેવું છે કે, નાથે એ પણ કબૂલ્યું હતું કે, તેણે મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય યોજનાઓમાં રોકાણ કર્યું હતું. આ સિવાય તેણે આ પૈસાનો ઉપયોગ દિલ્હી, જયપુર અને ઓડિશા (વતન)માં પ્રોપર્ટી ખરીદવા માટે કર્યો હતો. FIR જણાવે છે કે, મેનપાવરગ્રુપે તેના રેકોર્ડ્સ તપાસ્યા અને જાણવા મળ્યું કે, કંપનીએ ક્યારેય નાથની પત્નીને કોઈ પદ પર નિયુક્ત કર્યા નથી. આંતરિક તપાસમાં નાથે આ તમામ આરોપો સ્વીકારી લીધા હતા. હાલ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp