9મી સદીના રાજાની જાતિને લઈ BJP નેતાઓ વચ્ચે ઘર્ષણ, 35 લોકોએ રાજીનામાની આપી ધમકી

PC: haryana.punjabkesari.in

2022ની UP વિધાનસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ UPમાં સમ્રાટ મિહિર ભોજની જાતિ સંબંધિત મુદ્દે રાજપૂત અને ગુર્જર જાતિના લોકો સામસામે આવી ગયા હતા. તાજેતરમાં સહારનપુરમાં પણ આ મુદ્દે ઘર્ષણ જોવા મળ્યું હતું. હવે મિહિર ભોજની જાતિને લઈને વિવાદનો મામલો હરિયાણા સુધી પહોંચ્યો છે અને આ વિવાદ પર માત્ર BJPના નેતાઓ જ સામસામે આવી ગયા છે.

ગુરુવારે, હરિયાણા BJPમાં ત્યારે હોબાળો થયો જ્યારે કૈથલમાં પાર્ટીના 35 નેતાઓએ રાજીનામું આપવાની ઓફર કરી હતી. આ તમામ નેતાઓ 7મી સદીના રાજા મિહિર ભોજ સાથે ગુર્જર શબ્દના જોડાણથી નારાજ હતા. તાજેતરમાં કૈથલમાં પાર્ટી અધ્યક્ષ દ્વારા મિહિર ભોજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મિહિર ભોજની પ્રતિમાના અનાવરણ સમયે, ગુર્જર સમુદાયના આગેવાનોએ તેમના માટે 'ગુર્જર પ્રતિહાર સમ્રાટ મિહિર ભોજ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.

રાજપૂત જાતિના BJPના નેતાઓનું કહેવું છે કે, મિહિર ભોજ સાથે 'હિન્દુ સમ્રાટ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો સારું હોત. ગુરુવારે BJPના 35 નેતાઓમાંથી કેટલાકએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તેઓ એક દિવસ પહેલા કૈથલમાં વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો. આ ઘટનામાં બે-ત્રણ પ્રદર્શનકારીઓ ઘાયલ થયાના પણ સમાચાર છે. આ પછી રાજપૂત સમાજના આગેવાનોએ વિરોધમાં BJPના નેતાઓના પૂતળા પણ બાળ્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, જે BJP નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપવાની ઓફર કરી છે તેમાં કૈથલ BJPના કિસાન મોરચાના પ્રમુખ રાજીવ રાણા, મંડલ પ્રમુખ મહિપાલ રાણા, કૈથલ BJP ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રમુખ ડૉ. સંદીપ રાણાએ પાર્ટીમાંથી રાજીનામું આપવાની ઓફર કરી છે. આ નેતાઓની માંગ છે કે, કૈથલ BJP અધ્યક્ષ અશોક ગુર્જરને તેમના પદ પરથી હટાવવા જોઈએ.

ગુરુવારે મિહિર ભોજની પ્રતિમાના અનાવરણ બાદ કૈથલના BJP ધારાસભ્ય લીલા રામ ગુર્જરે કહ્યું કે, મિહિર ભોજ ગુર્જર સમ્રાટ હતા તેના મજબૂત પુરાવા છે. તેમણે ભારત પર ત્યારે શાસન કર્યું હતું કે જ્યારે ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને બર્મા પણ દેશનો એક ભાગ હતા. રાજપૂત સમાજના લોકો આજે ઈતિહાસ સાથે ચેડા કરી શકતા નથી. તેમણે કહ્યું કે, રાજપૂતો અમારા ભાઈઓ છે પરંતુ તેમણે પણ ટિપ્પણી કરતી વખતે સંયમ રાખવો જોઈએ.

બીજી તરફ રાજપૂત સમાજના BJPના નેતા મહિપાલ રાણાએ જણાવ્યું હતું કે, અમે સમ્રાટના નામની આગળ હિંદુ સમ્રાટ લખવાની માંગણી કરી હતી, રાજપૂત સમ્રાટ નહીં. જ્યાં સુધી પ્રતિમા પરથી ગુર્જર શબ્દ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારો વિરોધ ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે, જે ગુર્જર નેતાઓએ તેમની સાથે મામલો ઉકેલવાની વાત કરી હતી, તેઓએ સવારે 7 વાગ્યે પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp