CM ગેહલોત-વસુંધરા ભાઈ-બહેન, અભણ લોકો દેશ ચલાવી રહ્યા છે: CM કેજરીવાલ

PC: indiatoday.in

રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા CM અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) પણ ચૂંટણી પ્રચારમાં ઉતરી ચુકી છે. 18 જૂને શ્રીગંગાનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે CM કેજરીવાલે CM ગેહલોત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને BJP પર પણ નિશાન સાધ્યું હતું.

CM કેજરીવાલે કહ્યું કે, CM અશોક ગેહલોતે આ રેલી મેદાનની આસપાસ તેમના હોર્ડિંગ્સ લગાવ્યા છે, જો તેમણે 5 વર્ષ કામ કર્યું હોત તો તેમને આવુ ન કરવું પડત. આટલી મોટી જાહેર સભા અહીં થઈ નથી. કેટલાક એવા લોકો અહીં આવ્યા હતા અને ખુરશીઓ ફેંકી રહ્યા હતા. આ કાયરતાનું કૃત્ય છે. પાંચ વર્ષથી કામ કર્યું નથી. તેથી જ CM ગેહલોતને અમારી રેલી બગાડવાની જરૂર પડી રહી છે.

CM કેજરીવાલે કહ્યું કે CM ગેહલોત દરરોજ એક નવા વચનો આપી રહ્યા છે. હું નાનો માણસ છું, CM ભગવંત માન શિક્ષકનો દીકરો છે. રાજકારણ કેવી રીતે કરવું, બીજાની રેલીઓ કેવી રીતે બગાડવી તે આપણને આવડતું નથી. આપણે તો ફક્ત એવું જાણીએ છીએ કે કેવી રીતે કામ કરવું, આપણું કામ જાતે જ બોલે છે.

CM કેજરીવાલે વધુમાં કહ્યું કે, 'અમારી પંજાબ સરકારના એક વર્ષના કામની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આજે અમે નવા રાજસ્થાનનું સપનું લઈને આવ્યા છીએ. અહીં કોંગ્રેસે 50 વર્ષ અને BJP એ 18 વર્ષ શાસન કર્યું. બંનેએ સાથે મળીને જનતાને નીચોવી નાખી. અમે રાજસ્થાનના આઠ કરોડ લોકો સાથે મળીને એક નવું રાજસ્થાન બનાવીશું.'

રેલીને સંબોધતા CM કેજરીવાલે કહ્યું, 'આજે હું કહી રહ્યો છું કે, અમને વોટ આપો, અમે શાળાઓ બનાવીશું, બાળકોને ડોક્ટર અને એન્જિનિયર બનાવીશું. રાજસ્થાનમાં આજે 18,500 નોંધાયેલા બેરોજગાર યુવાનો છે. CM અશોક ગેહલોત શું કરી રહ્યા છે? મેં દિલ્લીમાં 12 લાખને રોજગારી આપી છે. CM ભગવંત માન 3 લાખ યુવાનોને રોજગાર આપવા જઈ રહ્યા છે.'

CM કેજરીવાલે કહ્યું કે, 'અમે દિલ્હીમાં દરેકને મફત સારવાર આપી રહ્યા છીએ. CM ગેહલોતે વીમો શરૂ કર્યો છે, તે ક્યારે મળશે? જ્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ થશે ત્યારે, ભગવાન ના કરે કે, તેમને ખૂબ જ ગંભીર બીમારી પછી જ દાખલ કરવા પડશે. આવા રોગમાં તો આ વીમો નહીં લાગે. દિલ્હીમાં તમામ સારવાર મફત છે. મને વોટ આપો અને હું રાજસ્થાનના દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલીશ. દિલ્હીમાં કર્યું છે, પંજાબમાં કરી રહ્યા છીએ, પછીનો નંબર છે, રાજસ્થાનનો.'

CM ગેહલોત અને વસુંધરાને ભાઈ-બહેન ગણાવતા CM કેજરીવાલે કહ્યું કે, જો ભાઈ-બહેનની રાજનીતિ કરવી હોય તો તેમને મત આપો. આજે અહીં પેપર લીક થઈ રહ્યું છે, પેપર વેચાઈ રહ્યા છે. દિલ્હીમાં એક પણ પેપર લીક થયું નથી. પંજાબમાં બન્યું નથી. અહીં દિલ્હીની દેખા દેખીમાં 100 યુનિટ વીજળી મફતમાં આપી છે, પણ વીજળી જ આવતી નથી.

દિલ્હી અને પંજાબમાં તો વીજળી આવે છે અને હવે ચૂંટણી છે એટલે કર્યું છે. જેવી ચૂંટણી પુરી થશે તો તેઓ કહેશે કે, પૈસા નથી અને તેઓ તેને બંધ કરી દેશે. આમ આદમી પાર્ટીને મત આપો, તમને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. CM કેજરીવાલે વધુમાં કહ્યું, 'આપણે 140 કરોડ લોકો મળીને આ દેશને નંબર વન બનાવીશું. મારી પાસે એક યોજના છે, મેં અભ્યાસ કર્યો છે, હું IRS છું, તેથી જ તેઓ મારાથી ચિડાઈ રહ્યા છે. હું આ દેશને દસ વર્ષમાં વિકસિત બનાવી શકીશ. અમે પંજાબ અને દિલ્હીના લોકોના દિલ જીતી લીધા છે. અમને ત્યાં પચાસ વર્ષ સુધી કોઈ હરાવી શકશે નહીં. રાજસ્થાનમાં અમને જીતાડીને જુઓ, તમે વસુંધરાને પણ ભૂલી જાસો અને CM ગેહલોતને પણ ભૂલી જશો.'

તેમણે કહ્યું કે, અભણ અને નકલી ડિગ્રીવાળાને વોટ ન આપો. આજે અભણ લોકો કેન્દ્રમાં સરકાર ચલાવી રહ્યા છે અને તેઓ કંઈપણ સમજી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp