દિલ્હીના શિક્ષકોને ફિનલેન્ડ મોકલવા પર અડગ CM કેજરીવાલ, થયા LGની સામે

PC: twitter.com/AamAadmiParty

દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર અને સરકાર વચ્ચે અવારનવાર તકરાર થાય છે. ફરી એકવાર બંને વચ્ચેની ટક્કરનો મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં સોમવારે CM અરવિંદ કેજરીવાલ ગવર્નર હાઉસ સુધી કૂચ કરી રહ્યા છે. CM અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તેમના ધારાસભ્યો અને સમર્થકો સાથે વિધાનસભાથી ગવર્નર હાઉસ સુધી કૂચ માટે રવાના થયા છે. આ સમગ્ર મામલો દિલ્હીના શિક્ષકોને ફિનલેન્ડમાં ટ્રેનિંગ માટે મોકલવા સાથે જોડાયેલો છે.

વાસ્તવમાં, દિલ્હી સરકાર શિક્ષકોને તાલીમ માટે ફિનલેન્ડ મોકલવા માંગે છે. પરંતુ LGએ ફાઇલને મંજૂરી આપી નથી. માર્ચ દરમિયાન CM કેજરીવાલે કહ્યું હતું કે, અમે દિલ્હીના શિક્ષકોને ફિનલેન્ડ મોકલવા માગતા હતા, પરંતુ LGએ કહ્યું કે, તેમને ભારતમાં જ તાલીમ આપવામાં આવે. CM કેજરીવાલે કહ્યું કે, LG સાહેબ કેમ મોકલવા નથી માંગતા. મારી પાસે સુપ્રીમ કોર્ટનો આદેશ છે અને તેમાં લખ્યું છે કે, LG સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે નહીં. LG હાઉસ સુધી અમારે કૂચ કરવી પડી તેનું અમને ખૂબ જ દુઃખ છે. આ સિવાય CM કેજરીવાલે કહ્યું કે, LG BJPના ઈશારે આવું કરી રહ્યા છે. તેઓ દિલ્હીને રોકવા માંગે છે.

CM કેજરીવાલે કહ્યું કે, હું LG સરને વિનંતી કરવા માંગુ છું, શિક્ષકોને ફિનલેન્ડ મોકલવામાં શું વાંધો છે? તેઓ કહી રહ્યા છે કે, મેં ફાઇલ અટકાવી નથી. જ્યારે ફાઇલ અટકાવવામાં આવી છે. તેઓ અમને એક પત્ર લખીને આપી દે કે, CM અમને કોઈ વાંધો નથી, તમારા શિક્ષકોને ફિનલેન્ડ મોકલો. CMએ પૂછ્યું કે શું ખર્ચ લાભ વિશ્લેષણ છે? આ લોકોના બાળકો પણ વિદેશમાં ભણવા જાય છે, તેનું વિશ્લેષણ કર્યું છે? અત્યારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ચાલી રહ્યું છે. BJPના તમામ CMઓ ગયા, તેનું વિશ્લેષણ થયું છે? જ્યારે બાળકોના શિક્ષકો જાય છે, ત્યારે તેઓ તેનું વિશ્લેષણ કરે છે. CM કેજરીવાલે કહ્યું કે, LGએ 10 એલ્ડરમેન કેવી રીતે બનાવ્યા, પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કેવી રીતે કરી? જાસ્મીન શાહની ઓફિસ કેવી રીતે બંધ થઈ? મોહલ્લા ક્લિનિકનું પેમેન્ટ કેમ બંધ કર્યું? રોજેરોજ એવું લાગે છે કે, તેઓ પોતે સરકાર ચલાવવા માંગે છે, જો તેમને રસ હોય તો તેમણે પોતે જ ચૂંટણી લડવી જોઈએ. ગમે તે થાય અમે શિક્ષકોને તાલીમ માટે મોકલીને જ રહીશું.

જ્યારે, સોમવારે દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્રમાં, AAP ધારાસભ્યોએ આ મુદ્દે ગૃહમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. આ દરમિયાન ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. BJP અને AAP ધારાસભ્યો વચ્ચેના ઝપાઝપીને કારણે કાર્યવાહી માત્ર 10 મિનિટ સુધી ચાલી હતી. મહત્વપૂર્ણ છે કે, બે દિવસ પહેલા CM કેજરીવાલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેના સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કાયદાનું પુસ્તક પણ સાથે લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp