CM કેજરીવાલની વાત CM નીતીશ કુમાર સાથે થઈ, તો પણ કોંગ્રેસે નિમંત્રણ કેમ ન આપ્યું?

PC: english.jagran.com

કર્ણાટકમાં શાનદાર જીત બાદ કોંગ્રેસ પાર્ટીએ પણ CMનો મુદ્દો ઉકેલી નાંખ્યો છે. જ્યારે સિદ્ધારમૈયા 20 મેના રોજ CM તરીકે શપથ લેશે ત્યારે DK શિવકુમાર DyCM બનશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા મળેલી મોટી જીતથી ઉત્સાહિત કોંગ્રેસ શપથ ગ્રહણ સમારોહને વિપક્ષી એકતાના સ્વરૂપ તરીકે રજૂ કરવા જઈ રહી છે. આ માટે વિપક્ષના તમામ મોટા નેતાઓ અને પાર્ટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. જો કે, આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક CM અરવિંદ કેજરીવાલ, જેમણે તાજેતરમાં CM નીતિશ કુમારને મળ્યા બાદ વિપક્ષને સમર્થન આપવાની વાત કરી હતી, છતાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ પછી અંદર અંદર ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. રાજકીય વિશ્લેષકો તેનો અર્થ અને કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

કોંગ્રેસે CM M.K. સ્ટાલિન (તમિલનાડુ), CM મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ), CM નીતિશ કુમાર (બિહાર), CM નવીન પટનાયક (ઓડિશા), CM અશોક ગેહલોત (રાજસ્થાન), સુખવિંદર સિંહ સુખુ (હિમાચલ પ્રદેશ), ભૂપેશ બઘેલ (છત્તીસગઢ), K. ચંદ્રશેખર રાવ (તેલંગાણા), અને CM હેમંત સોરેન (ઝારખંડ)ને આમંત્રણ મોકલી આપવામાં આવ્યું છે. કોંગ્રેસે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM ઉદ્ધવ ઠાકરે અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાને પણ આમંત્રણ આપ્યું છે. સમારોહમાં મોટાભાગના આમંત્રિતો હાજર રહેવાની અપેક્ષા છે. શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે કાંટીરવા સ્ટેડિયમમાં યોજાશે. 

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સિવાય કોંગ્રેસે તેલંગાણાના CM K. ચંદ્રશેખર રાવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને પણ આમંત્રણ આપ્યું નથી. જ્યારે K. ચંદ્રશેખર રાવ બિન-BJP, બિન-કોંગ્રેસી મોરચો બનાવવા માંગે છે, ત્યારે કોંગ્રેસ BSP વડા માયાવતી પર BJPને મદદ કરવાનો આરોપ લગાવી રહી છે. બીજી તરફ પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, AAPને લઈને હજુ પણ કેટલીક આશંકા પ્રવર્તી રહી છે. હાલમાં જ CM નીતીશ કુમારને મળ્યા પછી CM અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, વર્તમાન સરકારને હટાવવા માટે વિપક્ષી એકતાની જરૂર છે અને તેઓ તેની સાથે છે. જો કે, આના થોડા દિવસો પછી, AAPના વરિષ્ઠ નેતા સંદીપ પાઠકે કહ્યું કે, તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. અગાઉ AAP કહેતી રહી છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદી અને CM અરવિંદ કેજરીવાલ વચ્ચે જ સ્પર્ધા થશે.

છેલ્લા કેટલાક પ્રસંગોએ કોંગ્રેસે CM કેજરીવાલ સાથેની નિકટતા વધારવાના કેટલાક સંકેતો પણ આપ્યા હતા. પરંતુ પાર્ટી આ મુદ્દે એકમત નથી. દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ દરમિયાન અને ત્યારબાદ CBI દ્વારા CM અરવિંદ કેજરીવાલની પૂછપરછ દરમિયાન જ્યાં કેટલાક નેતાઓએ AAPના બચાવમાં નિવેદનો આપ્યા હતા, તો કેટલાક નેતાઓએ તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. દિલ્હી પ્રદેશ કોંગ્રેસના ઘણા નેતાઓએ તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, દિલ્હી સિવાય અન્ય ઘણા રાજ્યોના એકમો AAP સાથે મિત્રતાના પક્ષમાં નથી. કોંગ્રેસને દિલ્હી, પંજાબ, ગુજરાત, ગોવા સહિત ઘણા રાજ્યોમાં AAP સાથે સ્પર્ધા કરવી પડી રહી છે. આવી સ્થિતિમાં જો રાષ્ટ્રીય સ્તરે મિત્રતા થઇ જતી હોય તો, મતદારોમાં ખોટો સંદેશો જવાની શક્યતા રહે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp