26th January selfie contest

દિલ્હીમાં 2000ની નોટથી સોનુ ખરીદવાની હોડ, જાણો, ગુજરાતમાં શું સ્થિતિ છે?

PC: businesstoday.in

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાતનું નોટિફિકેશન બહાર પડ્યા પછી દિલ્હીમાં 2000ની નોટથી સોનુ ખરીદવાની હોડ લાગી છે, પરંતુ ગુજરાતમાં એવી સ્થિતિ નથી. 8 નવેમ્બર, 2016ના દિવસે જ્યારે અચાનક 500 અને 1000ની નોટ રાત્રે 12 વાગ્યાથી રદ કરવાની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સૌથી વધારે ધસારો ઝવેરીઓના શો રૂમમાં જોવા મળ્યો હતો. મોડી રાત સુધી પ્રીમિયમ આપીને પણ લોકોએ સોના-ચાંદીની ખરીદી કરી હતી. પરંતુ આ વખતે ચિત્ર જુદુ છે. સોનાના ભાવમાં પણ કોઇ વધારો થયો નથી કે ઝવેરીઓ પ્રીમિયમ પણ લેતા નથી.

અમદાવાદ જવેલર્સ એસોસિયેશનના જોઇન્ટ સેક્રેટરી આશીષ ઝવેરીનું કહેવું છે કે લોકોએ બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. લોકો આરામથી ખરીદી કરી શકે છે. બધા જવેલર્સ 2000ની નોટનો સ્વીકાર કરી રહ્યા છે અને આજે પણ ખરીદી થઇ રહી છે.કેટલાંક મોટા જ્વેલર્સે તો સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરી છે કે તેઓ કોઈ વધારાનું પ્રીમિયમ વસૂલતા નથી અને સોનું માત્ર આંતરરાષ્ટ્રીય બજાર દરે વેચાઈ રહ્યું છે. એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરીએ દાવો કર્યો છે કે તેમને માર્કેટ રેટ કરતા વધુ પ્રીમિયમ લેવાની કોઈ ફરિયાદ મળી નથી. જો આવું થાય તો તે ગેરકાયદેસર છે. જે લોકો સોનું ખરીદવા માંગે છે તેઓ વધારે પ્રીમિયમ ચૂકવ્યા વિના તેને 2000 રૂપિયાની નોટથી ખરીદી શકે છે, તેના પર કોઈ પ્રતિબંધ નથી.

બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં ચિત્ર કઇંક જુદુ જ છે. 2000ની નોટ બંધ થવાની જાહેરાત પછી ઝવેરી બજારમાં તેજી જોવા મળી છે. લોકો 2000ની નોટ આપીને સોના-ચાંદી ખરીદવા માટે દોટ લગાવી રહ્યા છે, પરંતુ મુશ્કેલી એ છે કે તેઓ સોનુ ખરીદી શકતા નથી.

દિલ્હીના સૌથી મોટા બુલિયન માર્કેટ કુચા મહાજનીના બુલિયન મર્ચન્ટ એસોસિએશનના જનરલ સેક્રેટરી ઋષિ વર્માનું કહેવું છે કે, 2000ની નોટ બંધ થવાને કારણે બજારમાં ગભરાટનો માહોલ છે. લોકો સોનામાં રોકાણ કરવા માંગે છે. પરંતુ અમારી પણ એક મર્યાદા છે જેના કારણે અમે 2000ની વધુ નોટો પણ લઈ શકતા નથી. કારણ કે બેંકોમાં 2000ની નોટ જમા કરાવવા માટે અમારે પણ જવાબ આપવો પડશે. જો કે વેપારીઓ માટે સારી વાત એ બની છે કે 6 મહિના જૂના પેમેન્ટ હવે  ઝડપથી પાછા આવવાના શરૂ થઇ ગયા છે.

સુરતની વાત કરીએ તો અહીંના જવેલર્સને 2000ની નોટના નિર્ણયથી કોઇ ચાંદી થઇ નથી. ઝવેરી દિપક ચોકસીનું કહેવું છે કે, જે લોકોની પાસે 2000ની નોટની મૂડી પડી છે તેવા લોકો આ વખતે સોના-ચાંદીને બદલે તેમના રૂપિયા અન્ય જગ્યાએ લગાવી રહ્યા છે. ચોકસીએ કહ્યુ કે, સુરતમાં ઘરાકો પાસેથી કોઇ પ્રીમિયમ વસુલતુ નથી. જે ભાવ છે તે ભાવથી જ બિઝનેસ થઇ રહ્યો છે. તેમણે કહ્યુ કે 2000ની નોટ બંધ થવાથી  સોના-ચાંદીના બિઝનેસ પર કોઇ અવળી અસર પડવાની નથી.

કોલકત્તામાં ઝવેરીઓએ 2000 રૂપિયાની  નોટ લેવાનું બંધ કરી દીધું છે. મુંબઇમાં પણ કોઇ ખાસ પેનિક ખરીદદારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp