26th January selfie contest

ઇસ્લામમાં નમાઝ પછી કંઇ પણ કરવાની છૂટ છે, કહેનાર રામદેવ સામે ફરિયાદ

PC: facebook.com/swami.ramdev

રાજસ્થાનમાં એક આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા રામદેવ ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ એવું બોલી ગયા કે દેશભરમાં હોબાળો મચી ગયો છે અને બાબા ભેરવાઇ ગયા છે. રામદેવને રાજસ્થાનમાં મુસ્લિમ સમાજ પર ટીપ્પણી કરવાનું ભારે પડી ગયું છે. રામદેવના વિવાદીત નિવેદનના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજસ્થાનમાં અનેક જગ્યાઓ પર બાબાનો વિરોધ થઇ રહ્યો છે. ટોંકમાં મુસ્લિમ સમાજ અને વકીલોએ રામદેવ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજ્ય લઘુમતી આયોગે પણ રામદેવના નિવેદન સામે નારાજગી દર્શાવી છે.

રામદેવે રાજસ્થાનના બાડમેરમાં એક ધર્મસભાને સંબોધિત કરતી વખતે ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ વિવાદીત ટીપ્પણી કરી હતી. તેમણે ધર્મસભાના મંચ પરથી કહ્યુ કે, ઇસ્લામ ધર્મનો મતલબ માત્ર નમાઝ અદા કરવાનો છે. મુસલમાનોએ માત્ર નમાઝ અદા કરવી જરૂરી છે અને એક વાર નમાઝ પુરી થઇ જાય પછી કઇં પણ કરો, તેને ઉચિત માનવામાં આવે છે. પછી ભલે હિંદુ યુવતીઓનું અપહરણ કરો, પછી ભલે જિહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો, પરંતુ દિવસમાં 5 વાર નમાઝ જરૂર પઢો. નમાઝ અદા કરી લીધા પછી બધું યોગ્ય ગણાશે.

રાજસ્થાન અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને બાબાની વાતને ખૂબ જ ખરાબ ગણાવી અને તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ખાને કહ્યું કે રામદેવની કંપનીઓ કેન્દ્ર સરકારના આશીર્વાદથી પ્રગતિ કરી રહી છે, તેથી તેમને રાજસ્થાનમાં સાંપ્રદાયિકતા અને જાતિવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. તેઓ એક ષડયંત્ર હેઠળ રાજસ્થાન આવ્યા હતા. યોગ ગુરુ માટે કોઈપણ ધર્મ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવી એ ખૂબ જ શરમજનક છે. કોઇ પણ ધર્મ દુશ્મની શિખવતો નથી. કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામદેવ સામે કાર્યવાહી કરવી જોઇએ.

ટોંક કલેક્ટરાલયમાં લોકોએ રામદેવ સામે જબરદસ્ત નારેબાજી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ કહ્યુ કે રામદેવે સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનું કામ કર્યું છે. વકીલોએ રામદેવ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહ્યું કે વકીલોની ફરિયાદને આધારે ફરિયાદ નોંધવામાં આવી છે અને કેસની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp