યોગને વિશ્વ લેવલે નેહરુએ પહોંચાડેલા, કોંગ્રેસે ફોટો ટ્વીટ કર્યો, થરુરે કહ્યું…

PC: jagran.com

દેશ અને દુનિયામાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. PM નરેન્દ્ર મોદીએ અમેરિકાના લોકોને સંબોધિત કર્યા પરંતુ કોંગ્રેસે યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવાનો શ્રેય પૂર્વ PM જવાહરલાલ નેહરુને આપ્યો. જો કે, આના જવાબમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વીટ કર્યું કે આનો શ્રેય PM નરેન્દ્ર મોદીને પણ મળવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ન્યૂયોર્કથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર લોકોને સંબોધિત કર્યા હતા, પરંતુ કોંગ્રેસે સવારે 7 વાગ્યે પૂર્વ PM જવાહરલાલ નેહરુનો ફોટો શેર કરીને યોગ દિવસ પર રાજનીતિ શરૂ કરી હતી. કોંગ્રેસે શિર્ષાસન કરતો નેહરુનો ફોટો ટ્વીટ કર્યો અને લખ્યું કે, પંડિત નેહરુનો આભાર, જેમણે યોગને લોકપ્રિય બનાવ્યો અને તેને રાષ્ટ્રીય નીતિનો ભાગ બનાવ્યો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ નેહરુની એ તસ્વીર ટ્વીટ કરીને લખ્યું કે, આ યોગ કરી રહેલા દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત નહેરુની તસ્વીર છે. ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં પંડિત નેહરુએ કહ્યું હતું કે, પતંજલિની યોગ પ્રણાલી શરીરના શિસ્ત, મનના વિકાસ માટે માનસિક અને આધ્યાત્મિક તાલીમ માટે જરૂરી છે.

જો કે એની સામે કોંગ્રેસના નેતા શશિ થરૂરે આ ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું કે, બિલકુલ, આપણે એમનો પણ આભાર માનવો જોઇએ જેમણે યોગનું નામ લોકપ્રિય કર્યું, એમાં આપણી સરકાર, પ્રધાનમંત્રી, વિદેશ મંત્રાલય સામેલ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર દ્રારા યોગ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કર્યું. હું દાયકાઓથી કહેતો આવ્યો છું કે યોગ એ આપણી સોફ્ટ પાવરનો મહત્વનો ભાગ છે. તેને માન્યતા મળવા પર ઘણું સારું લાગે છે.

યોગ દિવસ પર પોતાના સંદેશમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગ એક સ્વસ્થ અને શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે, જ્યાં સામૂહિક ઉર્જા ઘણી વધારે હોય છે. તેમણે કહ્યું કે ભારતની અપીલ પર 180 દેશો યોગ માટે એકઠા થવું એ ઐતિહાસિક છે. યોગે આપણને એક કર્યા. તેમણે કહ્યું કે યોગ એ એક વિચાર હતો, જેને આજે સમગ્ર વિશ્વએ અપનાવ્યો છે.

આજે યોગ ગ્લોબલ ભાવના બની ગયો છે.યોગએ હમેંશા જોડવાનું કામ કર્યું છે. આપણા આદર્શો હોય, ફિલસૂફી હોય કે ભારતનું વિઝન હોય, અમે હંમેશા જોડવાની, અપનાવવાની અને અંગીકાર કરવાની પરંપરાને પોષી છે. PM મોદીએ કહ્યું, અમે નવા વિચારોનું સ્વાગત કર્યું છે. તેમને રક્ષણ આપ્યું છે. અમે વિવિધતાઓને સમૃદ્ધ બનાવી છે. તેમની ઉજવણી કરી. યોગ આવી દરેક શક્યતાને મજબૂત કરતાં વધુ મજબૂત બનાવે છે. યોગ આપણી આંતરદૃષ્ટિને વિસ્તૃત કરે છે. યોગ આપણને તે ચેતના સાથે જોડે છે, જે આપણને એકતાનો અનુભવ કરાવે છે. આપણે યોગ દ્વારા આપણા વિરોધાભાસનો અંત લાવવાનો છે. આપણે યોગ દ્વારા વિરોધ અને પ્રતિકારને દૂર કરવાના છે. આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વિશ્વની સામે ઉદાહરણ તરીકે રજૂ કરવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp