પ્રેમિકાની જીદ સામે હાઇકોર્ટ ઝુકી, હત્યાના દોષીતને લગ્ન માટે 15 દિવસના પેરોલ

PC: hindi.news18.com

કર્ણાટક હાઈકોર્ટમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. લગ્ન માટે હત્યાના કેસમાં દોષિત ઠરેલા કેદીને કોર્ટે 15 દિવસની પેરોલ આપી છે. લગ્ન માટે દોષિત વ્યક્તિને પેરોલ આપવાનો આ એક અનોખો કિસ્સો છે. યુવકની માતા અને તેની પ્રેમિકાએ કોર્ટમાં પેરોલ માટે અરજી કરી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જો પ્રેમીને મૂક્ત કરવામાં નહીં આવે તો, મહિલાના લગ્ન અન્ય કોઈ સાથે થઇ જશે, તેથી આનંદને પેરોલ આપવામાં આવે જેથી તે તેની સાથે લગ્ન કરી શકે. આને ન્યાયમૂર્તિ એમ નાગપ્રસન્નાએ અસાધારણ પરિસ્થિતિ તરીકે ગણાવી હતી અને આનંદને પરોલના આદેશ આપ્યા હતા.

સરકારી વકીલે પેરોલનો વિરોધ કરતા કહ્યું કે, લગ્ન કરવા માટે પેરોલ આપવાની કોઈ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે જો લગ્ન કોઈ અન્ય વ્યક્તિના હોત જેમાં અટકાયતી વ્યક્તિ હાજરી આપવા માંગતો હોત, તો પરિસ્થિતિ જુદી હતે. કોર્ટે કહ્યું, અધિક સરકારી વકીલના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિને જેલ નિયમોની કલમ 636 હેઠળ પેરોલનો અધિકાર મળી શકે નહીં. જેલ મેન્યુઅલની કલમ 636 ની પેટા કલમ 12 સંસ્થાના વડાને કોઈપણ અન્ય અપવાદરૂપ સંજોગોમાં પેરોલ મંજૂર કરવાની સત્તા આપે છે. એટલા માટે કોર્ટે તેને અસાધારણ પરિસ્થિતિ માનીને વ્યક્તિને પેરોલ આપવાનું કહ્યું છે.

કર્ણાટકમાં આનંદ નામના યુવકને હત્યાના કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ દિવસોમાં તે બેંગ્લોર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. આનંદની માતા રત્નમ્મા અને તેની મંગેતર જી. નીતાએ હાલમાં જ કર્ણાટક હાઈકોર્ટમાં ઈમરજન્સી પેરોલની અરજી કરી હતી.

આનંદની પ્રેમિકા જી.નીતાએ અરજીમાં કહ્યું હતું કે તેના લગ્ન અન્ય કોઇની સાથે થઇ જશે અને તેથી આનંદને તેની સાથે લગ્ન કરવા માટે પેરોલ આપવામાં આવે. અરજીમાં જણાવાયું હતું કે તે છેલ્લા નવ વર્ષથી આનંદને પ્રેમ કરે છે.

આનંદની માતા રત્નમ્માએ અરજીમાં કહ્યું કે, તેના બે પુત્રો જેલમાં છે. તે હવે વૃદ્ધ થઇ ગઇ છે અને અનેક બિમારીઓથી પીડિત છે. મારી એવી ઇચ્છા છે કે, આનંદ જી. નીતા સાથે લગ્ન કરે. માતાએ કહ્યું કે , હું મારા વંશને આગળ વધતો જોવા માંગુ છું.

કોર્ટે, પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલના ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ અને ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને અરજીકર્તાની અરજી ધ્યાન પર લેવા અને આનંદને 5 એપ્રિલથી 20 એપ્રિલ 2023ની સાંજ સુધી પેરોલ પર મૂક્ત કરવાની સુચના આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp